વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના બાલચોંડી ગામમાં શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિરના આંગણે ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી માઁ રેવા ચેરીટેબલ ટ્રસ્ટ, ચીવલ અને મનહર સેલ્સ, નાનાપોંઢાના સંયુક્ત સહયોગથી આ સ્પર્ધા ભૂલાતી જતી ભજન પરંપરાને જીવંત રાખવાના ઉદ્દેશ્યથી યોજાઈ હતી.આ સ્પર્ધામાં આસપાસના ૯ ગામોની ભજન મંડળીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત દેવાધિદેવ મહાદેવજીની આરતી અને પ્રકૃતિ પૂજા દ્વારા કરવામાં આવી હતી. ભજન મંડળીઓએ ગ્રામ્ય સંસ્કૃતિ અને પરંપરાને અનુરૂપ વિવિધ ભજનો રજૂ કર્યા હતા. આધુનિક સંગીતના વધતા પ્રભાવ વચ્ચે પરંપરાગત ભજન સંસ્કૃતિને જીવંત રાખવા તથા નવી પેઢીને આ સાંસ્કૃતિક વારસાથી જોડવાના હેતુથી આ સ્પર્ધા એક સુંદર પહેલ બની રહી હતી.સ્પર્ધામાં સૌરભ કલાવૃંદ, વાઘછીપાની ભજન મંડળીએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જય યોગેશ્વર ભજન મંડળી, ભંડારકચ્છે દ્વિતીય ક્રમ અને મિતેશ મ્યુઝિકલ ગ્રુપ, વારોલીજંગલે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. વિજેતા ત્રણેય ટીમોને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. ઉભરતા કલાકારોને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. નિવૃત્ત શિક્ષકો ઉત્તમભાઈ, ઈશ્વરભાઈ, સતીશભાઈ અને રાજેશભાઈએ સ્પર્ધાના નિર્ણાયક તરીકેની જવાબદારી નિભાવી હતી. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન યોજાયેલી આ ભજન સ્પર્ધામાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભજનરસિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બાલચોંડી ગામના સરપંચ રાજેશભાઈ, વાજવડ ગામના સરપંચ નરેશભાઈ, પૂર્વ સરપંચ હરેશભાઈ પટેલ, અશ્વિનભાઈ (મનહર સેલ્સ, નાનાપોંઢા), ત્રતવિકભાઈ, નવીનભાઈ (ચીવલ), અનંતાબેન ચીવલ, તેમજ બાલચોંડી ગામના ભુવનેશ્વર મહાદેવ મંદિર અને જલારામ મંદિરના ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોડીયા સમાજના ટ્રસ્ટી હરેશભાઈએ કર્યું હતું, જ્યારે જીતુભાઈ પટેલે આભારવિધિ કરી હતી. આ ભજન સ્પર્ધા દ્વારા ગામડાઓમાં વર્ષોથી જીવંત રહેલી પરંપરાગત ભજન પરંપરાને જાળવી રાખવા, લોકસંગીત અને ગ્રામ્ય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા તેમજ નવી પેઢીને પોતાની સાંસ્કૃતિક ધરોહર સાથે જોડવાનો સુંદર પ્રયાસ સફળ રહ્યો હતો.
નાનાપોંઢાના બાલચોંડીમાં ભજન સ્પર્ધા યોજાઈ:9 ગામોની મંડળીઓએ ભાગ લીધો, પરંપરા જીવંત રાખવાનો પ્રયાસ
📅 Published: August 29, 2026 |
📂 Category: gujarati-news
