વલસાડ જિલ્લાના નવરચિત નાનાપોંઢા તાલુકા મથકે 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી નરેશ પટેલે ત્રિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ધ્વજવંદન બાદ મંત્રીએ ખુલ્લી જીપમાં સવાર થઈને પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ પ્લાટૂન દ્વારા પ્રભારી મંત્રીને ગાર્ડ ઓફ ઓનર અને સલામી આપવામાં આવી હતી. આ તકે વલસાડ જિલ્લાના પોલીસ અધિકારીઓ અને પ્રશાસનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક નૃત્ય, ગરબા અને યોગા ડાન્સની રજૂઆતો કરવામાં આવી હતી. મંત્રી નરેશ પટેલે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની યુવા પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. પેપર લીકના દૂષણને નાથવા અને વિદ્યાર્થીઓને સુરક્ષિત પરીક્ષા પ્રણાલી આપવા સરકારે મજબૂત ‘એન્ટી પેપર લીક બિલ’ બનાવ્યું છે.
તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, કેટલાક તત્વો પોતાના રાજકીય સ્વાર્થ ખાતર સરકારની આલોચના કરે છે. તેઓ દેશહિત કરતા પોતાની પાર્ટી અને પરિવારવાદને વધુ પ્રાધાન્ય આપે છે. પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની પંક્તિઓને યાદ કરતા મંત્રીએ ઉમેર્યું કે, “સરકારેં આયેંગી, જાયેંગી, પાર્ટીયાં બનેગી, બિગડેગી… મગર યે દેશ રહેના ચાહિયે.” વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ જ નેમ સાથે દેશ અને લોકહિતના કામોમાં કાર્યરત છે. કાર્યક્રમ સ્થળે નાગરિકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે સુદ્રઢ બેઠક તેમજ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો અને રાજકીય-સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.
નાનાપોંઢામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી:મંત્રી નરેશ પટેલના હસ્તે ધ્વજવંદન, વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક નૃત્ય, ગરબા અને યોગા ડાન્સ કરી દેશભક્તિનો રંગ જમાવ્યો
📅 Published: August 15, 2026 |
📂 Category: gujarati-news
