નારી રક્ષા સેનાએ વડોદરામાં રક્તદાન કેમ્પ યોજ્યો:80મા સ્વાતંત્ર્ય દિવસે ધ્વનિ બ્લડ બેંકના સહયોગથી આયોજન

📅 Published: August 15, 2026 | 📂 Category: gujarati-news

ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે નારી રક્ષા સેના – વડોદરા શહેર ટીમ દ્વારા 15 ઓગસ્ટના રોજ વાઘોડિયા રોડ, કલાદર્શન ચાર રસ્તા પાસે આવેલી જલાધી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ધ્વનિ બ્લડ બેંકના સહયોગથી યોજાયો હતો. “રક્તદાન – મહાદાન”ના સંદેશ સાથે યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કર્યું હતું. કેમ્પનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તની ઉપલબ્ધતા વધારવાનો અને સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. નારી સેનાના વડોદરા શહેર પ્રમુખ કુંતલ ચોકસીએ જણાવ્યું હતું કે, એક યુનિટ રક્ત કોઈના જીવનમાં નવી આશા અને જીવનદાન આપી શકે છે. તેમણે વધુમાં વધુ લોકોને નિયમિત રક્તદાન માટે આગળ આવવા આહ્વાન કર્યું હતું. કેમ્પમાં નારી રક્ષા સેના તથા વડોદરા શહેર ટીમના સભ્યો અને કાર્યકર્તાઓએ સક્રિય સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે વોર્ડ નંબર 15ના કોર્પોરેટર આશીષભાઈ જોષી, નયનાબેન શાહ અને જ્યોતિબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા અને “રક્તદાન કરો, જીવન બચાવો”નો માનવતાભર્યો સંદેશ આપ્યો હતો. નારી રક્ષા સેનાના પ્રમુખ મંજુલાબેન ચાવડાએ મહિલા સશક્તિકરણ અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, મહિલાઓમાં આત્મવિશ્વાસ વધારવો, તેમના અધિકારો અંગે જાગૃતિ લાવવી અને જરૂરિયાતમંદ મહિલાઓને સહાય તથા સુરક્ષા પૂરી પાડવી એ નારી રક્ષા સેનાની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક છે. “સશક્ત મહિલા એટલે સશક્ત પરિવાર અને સશક્ત સમાજ”ના સંદેશ સાથે તેમણે મહિલાઓને એકજૂથ થઈ આગળ વધવા અને અન્ય મહિલાઓને પણ આગળ લાવવા આહ્વાન કર્યું હતું. સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને માનવસેવા સાથે જોડતા આ રક્તદાન કેમ્પને ઉપસ્થિત રક્તદાતાઓ અને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *