નિયતિનો માર્ગ

📅 Published: September 28, 2026 | 📂 Category: Nari

સાંજનો સમય હતો. મંદિરની આરતીને હજુ થોડી વાર હતી. મંદિરના ઓટલે એક યુવાન માથું ઝુકાવીને બેઠો હતો. તેના ચહેરા પર થાક, આંખોમાં મૂંઝવણ અને મનમાં અસંખ્ય પ્રશ્નો હતા. મંદિરના પૂજારી તેને ઘણા સમયથી જોઈ રહ્યા હતા. આખરે તેઓ તેની પાસે આવ્યા અને પ્રેમથી પૂછ્યું, શું થયું બેટા? ભગવાનના ધામે આવીને પણ મન આટલું વ્યથિત કેમ છે?   

યુવાને ઊંડો શ્વાસ લઈ ધીમા અવાજે કહ્યું, મહારાજ, હું જીવનના એક એવા વળાંક પર ઊભો છું જ્યાં મને સમજાતું નથી કે કયો નિર્ણય સાચો છે અને કયો નહીં. મને ડર લાગે છે કે હું કોઈ ખોટો રસ્તો પસંદ કરીને મારી તક ગુમાવી દઈશ. આ અવઢવ જ મને સતત અકળાવી રહી છે.  

પૂજારી સ્મિત સાથે તેની બાજુમાં બેઠા અને બોલ્યા, બેટા, જો ઈશ્વર આપણને દરેક નિર્ણય પહેલાં જ કહી દે કે કયો રસ્તો સાચો છે, તો આપણે આત્મમંથન કરતાં ક્યારે શીખીશું? જીવનમાં આવતી મૂંઝવણ એ કોઈ સજા નથી, પરંતુ પોતાની અંદર ઝાંખવાનો એક માર્ગ છે. પરંતુ જો હું ખોટો નિર્ણય લઈ બેસું તો? યુવાને શંકા દર્શાવી.   

પૂજારીએ હળવા હાસ્ય સાથે કહ્યું, આપણે આખી જિંદગી એવું માનીએ છીએ કે નિર્ણયો આપણે લઈએ છીએ, પણ પાછળ ફરીને જો, ક્યાં જન્મ લેવો, કોને મળવું કે કઈ તક મળવી – આ બધું શું આપણે નક્કી કર્યું હતું? છતાં બધું કોઈ અદૃશ્ય શક્તિના આયોજન મુજબ બનતું રહ્યુંને? તો પછી આજે તું જે નિર્ણયને લઈને ડરી રહ્યો છે, એ પણ કદાચ ઈશ્વરે જ લેવડાવેલો નિર્ણય હોઈ શકે.   

પછી પૂજારીએ સહેજ રોકાઈને પૂછ્યું, તેં ક્યારેક Google Mapsનો ઉપયોગ તો કર્યો જ હશેને? યુવકે હકારમાં માથું હલાવ્યું અને પૂજારીએ વાત ચાલુ રાખતાં કહ્યું, ધારો કે તું કોઈ રસ્તે જતો હોય અને ખોટો વળાંક લેવાઈ જાય, તો શું Maps ગંતવ્ય રદ કરી દે છે? નહીંને! તે તરત જ નવો રસ્તો બતાવે છે. ઈશ્વર પણ જીવનમાં કંઈક આવું જ કરે છે. આપણી ભૂલથી તેમની યોજના બગડતી નથી.   

પણ મહારાજ, ઘણી વાર નિર્ણય લઈ લીધા પછી પણ મનમાં સતત એવું થવા લાગેને કે કદાચ બીજો વિકલ્પ પસંદ કર્યો હોત તો સારું થયું હોત? ત્યારે પોતાના લીધેલા નિર્ણય પર જ શંકા થવા લાગે તો? યુવાને હજુ પણ ખચકાતાં કહ્યું.   

કદાચ. પરંતુ એ પણ તો શક્ય છે કે ઈશ્વરે તારા માટે કાંટાવાળો સાંકડો રસ્તો નહીં, પરંતુ વિશાળ અને સરળ હાઈવે પસંદ કર્યો હોય. આપણે જેને નુકસાન માનીએ છીએ, તે ઘણી વાર આપણા માટે રક્ષણ પણ હોઈ શકે! પૂજારીએ તેના ખભા પર હાથ મૂકતાં કહ્યું, બેટા, ઈશ્વર પર એટલો વિશ્વાસ રાખ કે તેઓ ક્યારેય પોતાનાં સંતાનોનું ખરાબ નથી કરતા. સમયને પણ તેની યોજના સમજાવવાનો અવસર આપ.   

એટલામાં મંદિરની ઘંટડી વાગવા લાગી. યુવાનની આંખોમાંથી મૂંઝવણ ગાયબ થઈ ગઈ હતી અને એક નવી શાંતિ છવાઈ ગઈ હતી.   

`નિયતિ રસ્તાઓ પસંદ કરી આપતી નથી, માત્ર વિકલ્પો સામે મૂકે છે; માણસ પોતાની પસંદગીથી આગળ વધે છે અને સમય તેની સાચી દિશાનો અર્થ સમજાવે છે.’  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *