નીરજા ગુપ્તાએ સરકારી રૂપિયે લિપસ્ટિક, કપડાં, બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદી:વિદેશ પ્રવાસમાં દુબઇ, અમેરિકાના બ્રાંડેડ સ્ટોરમાં શોપિંગ કરી; ગુજ.યુનિ.ના પૂર્વ કુલપતિની જાહોજલાલીના પુરાવા

📅 Published: September 19, 2026 | 📂 Category: gujarati-news

જેમની પાસે યુનિવર્સિટીની શૈક્ષણિક ગરિમા અને નૈતિકતા જાળવવાની જવાબદારી હતી, તેવાં ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાની જાહોજલાલીનો એક ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ભરતી કૌભાંડ, સરકારી ગ્રાન્ટમાં ગેરરીતિ અને દીકરાના ખાતામાં પોણા દસ લાખ ટ્રાન્સફર કરવા જેવા ગંભીર આક્ષેપોથી ઘેરાયેલા નીરજા ગુપ્તાની વિદેશ યાત્રાને લઇને ચોંકાવનારા પુરાવા દિવ્ય ભાસ્કરને હાથ લાગ્યા છે. પોતાની વિદેશ યાત્રા દરમિયાન પોતાના અંગત વપરાશની લિપસ્ટિક, આઈલાઈનર, બ્રાન્ડેડ કપડાં અને બ્યુટી પ્રોડક્ટ્સ નીરજા ગુપ્તાએ ખરીદી કરી અને એ પણ સરકારી રૂપિયે. બ્રાંડેડ સ્ટોરમાંથી કરાયેલી હજારો રૂપિયાની ખરીદીના બિલ યુનિવર્સિટીના ફંડમાંથી કઈ રીતે પાસ કરાવી લેવાયા? જાણો, દિવ્ય ભાસ્કરના આ ખાસ ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટમાં. નીરજા ગુપ્તા એપ્રિલ 2024માં અમેરિકાના ન્યૂ જર્સીના પ્રવાસે ગયા હતા.ન્યૂ જર્સીમાં ગોપીઓ કોમ્યુનિટી એવોર્ડ ફંક્શન હતું. આ કાર્યક્રમ 26થી 28 એપ્રિલ દરમિયાન રોયલ એલ્બર્ટ પેલેસ ખાતે યોજાયો હતો, જ્યાં તેમને ગુયાનાના પૂર્વ રાષ્ટ્રપતિ સેમ્યુઅલ હિન્ડ્સના હસ્તે ‘આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે નીરજા ગુપ્તા 23 એપ્રિલ, 2024ના રોજ અમદાવાદથી દુબઈ થઈને અમેરિકા જવા રવાના થયા હતા. દુબઈ એરપોર્ટ પર તેમનો હોલ્ટ હતો. દુબઈમાં તેમણે ડ્યુટી-ફ્રી સ્ટોરમાંથી અંગત વપરાશ માટે બ્યુટી પ્રોડક્ટ્સની ખરીદી કરી હતી. દુબઈથી ડ્યુટી ફ્રી ખરીદી કર્યા બાદ નીરજા ગુપ્તા ફ્લાઇટમાં બેઠાં અને અમેરિકા પહોંચ્યા. સરકારી ખર્ચે ત્યાં પણ ખરીદી કરવામાં તેમને કસર રાખી નથી. ત્રણ દિવસના કાર્યક્રમના પહેલાં દિવસે જ તેઓ શોપિંગ માટે ન્યૂ જર્સીના માર્કેટમાં નીકળી પડ્યા હતા. 26 એપ્રિલ 2024ના રોજ ન્યૂ જર્સીમાં હાજર નીરજા ગુપ્તાએ જાણીતા સેફોરા અને ઝારાના સ્ટોરમાંથી કપડાં તથા ફરી એકવાર બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદ્યા હતા. તેના બિલ પણ દિવ્ય ભાસ્કરને હાથ લાગ્યા છે. જુઓ, સેફોરા સ્ટોરમાંથી ગુજરાત યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ ડૉ.નીરજા ગુપ્તાએ સરકારી રૂપિયે શું-શું ખરીદી કરી. આટલી ખરીદી પછી નીરજા ગુપ્તા ઝારા સ્ટોરમાં પહોંચ્યા, જ્યાંથી તેમણે કપડાંની ખરીદી કરી. વિદેશ પ્રવાસ દરમિયાન કોઈ વ્યક્તિ અંગત વસ્તુની ખરીદી કરે એમાં વિવાદ ન હોઈ શકે. પરંતુ ડૉ.નીરજા ગુપ્તા સમૃદ્ધ શૈક્ષણિક અને નૈતિક ઇતિહાસ ધરાવતી ગુજરાત યુનિવર્સિટીના એ સમયે કુલપતિ હતા. તેમણે અમેરિકાનો પ્રવાસ પૂરો કરીને અમદાવાદ આવ્યા પછી આ તમામ ખરીદીના બિલને સત્તાવાર ખર્ચમાં સામેલ કર્યા અને બિલ પાસ પણ કરાવી લીધા. અગાઉ પણ નીરજા ગુપ્તા પર લાગી ચૂક્યા છે ગેરરીતિના આરોપ
નીરજા ગુપ્તાએ પોતાની એક જ અમેરિકા ટૂર દરમિયાન કુલ 386.98 US ડોલર (ભારતીય ચલણ મુજબ આશરે 33,300 રૂપિયા)ની અંગત ખરીદી કરી હતી. સરકારી કે યુનિવર્સિટીના ફંડમાંથી અંગત વપરાશની વસ્તુઓ ખરીદવાના આ ગંભીર મુદ્દે હવે નીરજા ગુપ્તાની મુશ્કેલી વધી શકે છે. કારણ કે અગાઉ માનીતા લોકોની યુનિવર્સિટીમાં ભરતી અને મસમોટા પગાર આપવાનો વિવાદ ઉછળી ચૂક્યો છે. આ ઉપરાંત દિવ્ય ભાસ્કરે જ ગત 22 ઓગસ્ટના રોજ એક ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ પબ્લિશ કર્યો હતો. જેમાં કુલપતિ પદે રહીને નીરજા ગુપ્તા કેન્દ્ર સરકારના એક પ્રોગ્રામ હેઠળ મહિને વધારાનો 4.20 લાખ રૂપિયા પગાર લેતા રહ્યા હોવાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. વળી આ પગાર પોતાની સહીથી જ પોતાના માટે મંજૂર થતો હતો. (આ ઇન્વેસ્ટિગેશન સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો) એટલું જ નહીં. કેન્દ્ર સરકારની 40 કરોડ રૂપિયાની ગ્રાંટમાં ગેરરીતિ કરીને બ્લેકલિસ્ટેડ કંપનીને 10 લાખ રૂપિયા આપ્યા હતા. વળી, એ જ બેંક એકાઉન્ટમાંથી નીરજા ગુપ્તાના દીકરાના વિદેશના બેંક એકાઉન્ટમાં પણ પોણા દસ લાખ રૂપિયાની મસમોટી રકમ ટ્રાન્સફર થઇ હતી. નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન થયેલા કથિત ભરતી કૌભાંડ, PMJVK (Pradhan Mantri Jan Vikas Karyakram)ની ગ્રાન્ટના દુરુપયોગની ફરિયાદો ઉઠી છે. ત્યારે યુનિવર્સિટીએ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ હેઠળ હાઈકોર્ટના નિવૃત જજ દિપક વ્યાસની એક સભ્યની તપાસ સમિતીની રચના કરવામાં આવી છે. જે પૂર્વ કુલપતિ સામે થયેલા ગંભીર આક્ષેપોની તપાસ કરી 3 મહિનામાં યુનિવર્સિટીને રિપોર્ટ સુપરત કરશે. જેમાં વિદેશ પ્રવાસમાં થયેલી નાણાકીય ગેરરીતિનો મુદ્દો પણ સામેલ થઇ શકે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *