નેપાળમાં જળપ્રલય નહીં, માટી-પથ્થરનું પૂર, સેંકડો મૃતદેહોથી અત્યંત દુર્ગંધ:'વાઇરલ ઘરમાંથી 14 લોકોને પ્લાસ્ટિક કેરેટથી બચાવ્યા', મદદે પહોંચેલા ખજૂરભાઈના મુખે તારાજીનો ચિતાર

📅 Published: September 8, 2026 | 📂 Category: gujarati-news

મારા જીવનમાં મેં ક્યારેય આવું પૂર જોયું નથી. પૂરમાં પાણી જોયા છે પણ માટીના અને પથ્થરોના પૂર મેં ક્યારેય જોયા નથી. જે વ્યક્તિઓને એવો વહેમ હોય કે, આપણે પ્લાસ્ટર વાળું ઘર કરશું તો જીવનમાં કંઈ થવાનું નથી તો તમે જુઓ પાણીની સામે, પ્રકૃતિની સામે કોઈનું ચાલ્યું નથી. નેપાળમાં બધી જગ્યા પર માટીથી આખી જગ્યા ભરાઈ ગઈ છે. જેટલા પણ ઘર જોશો બે-બે ફ્લોર સુધી દટાઈ ગયા છે. આ શબ્દો છે નેપાળમાં મદદે પહોંચેલા ગુજરાતી નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈના… નીતિન જાનીએ બેત્રાવતીની ભયાનક સ્થિતિ વર્ણવી
કુદરતના ભયાનક પ્રકોપનો સામનો કરી રહેલા નેપાળમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. પૂર અને ભૂસ્ખલનની તબાહી વચ્ચે ગુજરાતના જાણીતા સેવાભાવી યુવક નીતિન જાની પોતાની ટીમ સાથે ગ્રાઉન્ડ ઝીરો પર રાહત અને બચાવ કાર્યમાં જોડાયા છે. નેપાળના અત્યંત પ્રભાવિત વિસ્તાર એવા બેત્રાવતીથી ત્યાંની ભયાનક સ્થિતિ વર્ણવી છે. પૂરમાં 2-2 માળ સુધી મકાનો દટાયા
નીતિન જાનીએ ગ્રાઉન્ડ રિયાલિટી જણાવતાં કહ્યું કે, સામાન્ય રીતે પૂર આવે ત્યારે બે-ત્રણ દિવસમાં પાણી ઓસરી જતું હોય છે, પરંતુ અહીં પાણી નહીં પણ માટી અને વિશાળ પથ્થરોનું પૂર આવ્યું. બેત્રાવતી વિસ્તારમાં પહાડો પરથી બે-બે માળ જેવડા પથ્થરો ધસી આવ્યા. મકાનો, હોટલો અને પુલ કાટમાળમાં ગરકાવ થઈ ગયા. પાકાં કોંક્રિટના બાંધકામો પણ કુદરતના પ્રકોપ સામે ટકી શક્યા નથી અને આખેઆખા ઘરો બે-બે માળ સુધી કાદવ-માટીમાં દબાઈ ગયા છે. અત્યંત દુર્ગંધ, સેંકડો મૃતદેહો કાટમાળ નીચે દબાયા
સરકારી આંકડા મુજબ 1,300 જેટલા લોકોના મોત થયા છે અને 4,000 થી 5,000 લોકો ગુમ છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ તેનાથી પણ ભયાનક છે. ફક્ત બેત્રાવતી વિસ્તારમાં જ 700 જેટલા લોકો મૃત્યુ પામ્યા હોવાની શક્યતા છે. જ્યાં 150થી 200 મકાનો હતા, તે આખું ગામ તાશના પત્તાની જેમ વિખેરાઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી જેસીબી વડે રસ્તા સાફ કરતી વખતે જમીનમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી છે, જે દર્શાવે છે કે માટી નીચે મોટી સંખ્યામાં મૃતદેહો દબાયેલા પડ્યા છે. ગુજરાતી પ્રવાસીઓની ભાળ મેળવવા અધિકારીઓને અપીલ
નેપાળમાં ફસાયેલા કે ગુમ થયેલા ગુજરાતી પ્રવાસીઓને લઈને નીતિન જાનીએ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાંથી અનેક પરિવારો પોતાના સ્વજનોની શોધમાં નેપાળ આવી સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. તેઓ સ્થાનિક વહીવટી તંત્ર અને નેપાળી નાગરિકો સાથે સતત સંપર્કમાં રહીને કોઈ પણ ગુજરાતી પ્રવાસીની ભાળ મળે તો તુરંત જાણ કરવા અપીલ કરી રહ્યા છે, જેથી પીડિત પરિવારોને તાત્કાલિક મદદ પહોંચાડી શકાય. બહેનો માટે સેનેટરી પેડ અને અંડરગારમેન્ટ્સ પહોંચાડો
રાહત કાર્ય કરતી સંસ્થાઓને ખાસ અપીલ કરતાં નીતિન જાનીએ જણાવ્યું કે, અનાજ-કરિયાણું અને રાશન કીટ તો પહોંચી જાય છે, પરંતુ પૂર પ્રભાવિત વિસ્તારોમાં મહિલાઓ સંકોચના કારણે પોતાની પાયાની જરૂરિયાતો માંગી શકતી નથી. સેવાભાવી સંસ્થાઓ સેનેટરી પેડ્સ અને અંડરગારમેન્ટ્સ આપવા જરાય શરમાવું ન જોઈએ. રાહત ટીમમાં મહિલા વોલેન્ટિયર્સને સાથે રાખી અસરગ્રસ્ત બહેન-દીકરીઓ સુધી આ સામગ્રી અચૂક પહોંચાડવી જોઈએ. ગ્રાઉન્ડ ઝીરો પર રાત-દિવસ બચાવ કામગીરી
નીતિન જાની અને તેમની ટીમ છેલ્લા પાંચ દિવસથી જેસીબી મશીનો લગાવીને રાત-દિવસ કાટમાળ હટાવવા અને રસ્તાઓ ખુલ્લા કરવાનું કામ કરી રહી છે. આ ઉપરાંત પીડિતો માટે પીવાનું શુદ્ધ પાણી, રાશન, ગેસ સિલિન્ડર, કુકર, વાસણો તેમજ સેનેટરી પેડ્સ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓનું સતત વિતરણ કરવામાં આવી રહ્યું છે. વાઇરલ ઘરમાંથી 14 લોકોને પ્લાસ્ટિક કેરેટથી બચાવ્યા
નીતિન જાનીના ભાઈ તરુણ જાનીએ જણાવ્યું કે, મોસ્ટ વાયરલ ઘરની એક જોરદાર સ્ટોરી એવી છે કે આ ઘરની અંદર ટોટલ 14 લોકો હતા, આ લોકોને કેરેટથી નીચે લાવવામાં આવ્યા હતા. ત્યાં ઉપસ્થિત અન્ય વ્યક્તિ જણાવે છે કે તેઓ પહાડ તરફ હતા અને અહીં 14 લોકો ફસાયા હતા. ત્યારે એક યુવક દોરડા અને કેરેટની મદદથી બધાને સુરક્ષિત નીચે ઉતારી લાવ્યો હતો. જોકે સામાન બધો તણાઈ ગયો છે, પરંતુ જીવ બચી ગયો તે મોટી વાત છે. આખી ઇમારત પૂર તથા કાટમાળના કારણે ક્ષતિગ્રસ્ત
આખો પરિવાર ડરી ગયો છે અને આઘાતમાં છે, આ પ્લાસ્ટિકના કેરેટે 14 લોકોનો જીવ બચાવ્યો છે, એટલે આ કેરેટનું મહત્વ હવે ઘણું વધી ગયું છે. પાછળથી આ ઘર કેવું દેખાય છે અને આગળથી કેવું લાગે છે તે જોવા જેવું છે. ઘરમાં પંખો પણ પૂરેપૂરો વાંકો વળી ગયો છે અને આખી ઇમારત પૂર તથા કાટમાળના કારણે ભારે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. આગળથી આખું મકાન તબાહ થઈ ચૂક્યું છે. પાછળની બાજુથી આ બધા 14 લોકો કેરેટમાં બેસીને નીચે ઊતર્યા અને હેમખેમ બચી ગયા. ખરેખર જેમ કહેવાય છે ને કે, જાકો રાખે સાઈયાં, માર સકે ના કોઈ.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *