સુરત શહેરના સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ (GSLSA) દ્વારા ‘ઉડાન – અધિકારોથી આત્મનિર્ભરતા’ શીર્ષક હેઠળ એક ભવ્ય રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ ગરિમાપૂર્ણ સમારોહમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ વિક્રમ નાથે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, કોઈપણ સરકારી કે ન્યાયિક સંસ્થા ત્યારે જ વાસ્તવિક અર્થમાં સફળ અને સ્વીકાર્ય બને છે જ્યારે તે સામાન્ય નાગરિકો સુધી પહોંચે. આ સાથે જ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર અને ન્યાયતંત્રનો મુખ્ય સંકલ્પ એવો હોવો જોઈએ કે નાગરિકોને ન્યાય મેળવવા ભટકવું ન પડે, પરંતુ ન્યાય સામે ચાલીને તેમના ઘરના આંગણા સુધી પહોંચે. સિગ્નલ સ્કૂલ: ભિક્ષા નહીં શિક્ષાના સંકલ્પ સાથે નવો પ્રારંભ
ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગતા કે બાળમજૂરી કરતા 6થી 8 વર્ષના બાળકોને રેસ્ક્યુ કરીને શિક્ષણની મુખ્યધારામાં લાવવા સુરતના રાંદેર ઝોનથી ‘સિગ્નલ સ્કૂલ’ પ્રોજેક્ટનો વિધિવત પ્રારંભ કરાયો છે. જસ્ટિસ વિક્રમ નાથે આ પહેલને બિરદાવતાં જણાવ્યું હતું કે, સિગ્નલ સ્કૂલ માત્ર એક બસ નથી પરંતુ, આ વંચિત બાળકોને તેમના સપનાઓ સુધી પહોંચાડતો મજબૂત સેતુ છે. વિશેષરૂપે ડિઝાઇન કરાયેલી સિટી લિંક બસમાં બાળકોને બ્રિજ કોર્સ, પૌષ્ટિક મધ્યાહન ભોજન, નિયમિત હેલ્થ ચેકઅપ, સ્કૂલ યુનિફોર્મ અને સમગ્ર શૈક્ષણિક કીટ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 650થી વધુ બાળકોને શાળા પ્રવેશ અપાવી દેવાયો છે. GSLSA વોર રૂમ દ્વારા કાનૂની સેવાઓનું હાઇટેક ડિજિટલ મોનિટરિંગ
સમગ્ર રાજ્યમાં કાનૂની સહાય અને સેવાઓને વધુ પારદર્શક, સરળ અને ગતિશીલ બનાવવા માટે અત્યાધુનિક ‘GSLSA વોર રૂમ’ લોન્ચ કરવામાં આવ્યો છે. આ હાઇટેક વોર રૂમ મારફતે રાજ્યના 32 જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળો, 257 તાલુકા સમિતિઓ, 1500 લીગલ ક્લિનિક્સ, 4200 થી વધુ પેરા-લીગલ વોલન્ટિયર્સ અને 1700 પેનલ વકીલોનું સીધું કેન્દ્રીયકૃત સંકલન શક્ય બનશે. આ ડિજિટલ વ્યવસ્થાથી પરંપરાગત પેપરવર્કની ઝંઝટ અને માહિતી વિલંબની સમસ્યાઓ હલ થશે તેમજ રાષ્ટ્રીય કક્ષાએ NALSA સાથે ડેટા મોનિટરિંગ અત્યંત સરળ બની જશે. 4 મહાનગરોમાં કાયમી લોક અદાલત અને મોબાઈલ વાન કાર્યરત
સામાન્ય પક્ષકારોને નાના-મોટા કાયદાકીય વિવાદોના ઝડપી નિરાકરણ માટે અન્ય શહેરોમાં લાંબા ધક્કા ન ખાવા પડે એવા લોકાભિમુખ અભિગમ સાથે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ક્લસ્ટર ખાતે કાયમી લોક અદાલતનો વર્ચ્યુઅલી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાયમી વ્યવસ્થાથી નાગરિકોના સમય અને નાણાંનો વ્યય અટકશે અને પક્ષકારો વચ્ચે સુલેહભર્યું સમાધાન થશે. આ ઉપરાંત અંતરિયાળ અને છેવાડાના ગ્રામીણ વિસ્તારો સુધી ન્યાય પ્રક્રિયા પહોંચાડવા માટે મોબાઈલ લોક અદાલત વાનને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. બંધારણીય મૂલ્યો અને ગુજરાત સાથેની આત્મીયતાનો ઉલ્લેખ
ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ અલ્પેશ વાય. કોગજેએ ભારતીય બંધારણના અનુચ્છેદ 39(A)નો સંદર્ભ આપી સમાજના અંતિમ માનવી સુધી વિનામૂલ્યે કાનૂની સહાય પહોંચાડવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથે ગુજરાતને પોતાનું બીજું ઘર ગણાવીને ગુજરાતી પ્રજાની સેવાભાવના અને ઉષ્માભર્યા આતિથ્યની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાઇકોર્ટના જજ એ.એસ. સુપૈયા, સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, પ્રભારી પોલીસ કમિશનર વાબાંગ જમીર અને સુરત મુખ્ય જિલ્લા ન્યાયાધીશ રાહુલ ત્રિવેદી સહિત વિશાળ સંખ્યામાં ન્યાયિક અને વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
'ન્યાય નાગરિકોના દ્વાર સુધી પહોંચવો જોઈએ':સુપ્રીમ અને હાઇકોર્ટના જજોની ઉપસ્થિતિમાં 'ઉડાન' કાર્યક્રમ યોજાયો, ટ્રાફિક સિગ્નલ પર ભટકતા બાળકો માટે 'સિગ્નલ સ્કૂલ' શરૂ
📅 Published: August 29, 2026 |
📂 Category: gujarati-news
