ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીએ અમેરિકામાં હિન્દુ અને શીખ સમુદાય વિરુદ્ધ વધી રહેલી નફરત અંગે ચિંતા વ્યક્ત કરી છે. મમદાનીએ મંગળવારે તેમની ઓફિસમાં યોજાયેલા દિવાળી કાર્યક્રમ દરમિયાન કહ્યું કે છેલ્લા એક વર્ષમાં હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે અને શીખ સમુદાયના નેતાઓ વિરુદ્ધ પણ નફરત ફેલાવવામાં આવી છે. રામાયણ અને મહાભારતનો ઉલ્લેખ કરતાં મમદાનીએ કહ્યું કે રામાયણ આપણને શીખવે છે કે આપણે કેવા ભાઈ, પતિ, પત્ની અને મિત્ર બનવું જોઈએ. મહાભારત પરિવારોની વાસ્તવિક તસવીર દર્શાવે છે. મમદાનીના માતા મીરા નાયર પંજાબી હિન્દુ પરિવારમાંથી આવે છે. 35 વર્ષીય મમદાની ન્યૂયોર્કના પ્રથમ ભારતીય-અમેરિકન મેયર છે. નફરત ચૂંટણીલક્ષી રાજકારણ સુધી પહોંચી ગઈ મમદાનીએ કહ્યું કે જે નફરત અગાઉ સમાજના કેટલાક વર્ગો સુધી મર્યાદિત હતી, તે હવે ચૂંટણીલક્ષી રાજકારણ સુધી પહોંચી ગઈ છે. આપણે આવી રાજનીતિને નકારી કાઢવી પડશે. તેમણે કહ્યું કે બાળપણથી જ તેઓ પોતાના પરિવાર સાથે દિવાળી ઉજવતા આવ્યા છે. હવે ન્યૂયોર્કના મેયર તરીકે સમગ્ર શહેરના લોકો સાથે આ તહેવાર ઉજવવો તેમના માટે સન્માનની વાત છે. હિન્દુ સમુદાય વિરુદ્ધ બનેલી બે ઘટનાઓ ઇલિનોઇના મંદિરમાં ગોળીબારનો પ્રયાસ: 11 ઑક્ટોબરે અમેરિકાના ઇલિનોઇ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા એક હિન્દુ મંદિર પર ગોળીબાર કરવાનો પ્રયાસ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, 19 વર્ષનો એલેક્ઝાન્ડ્રોસ પાપોરાકિસ હથિયાર અને ગોળીઓ લઈને મંદિરે પહોંચ્યો હતો. તે સમયે મંદિરમાં નવરાત્રિની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. આરોપીની રાઇફલ જામ થઈ ગઈ હતી, ત્યારબાદ તે ત્યાંથી જતો રહ્યો. તેના એક સહકર્મચારીએ પોલીસને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન તેના ઘરેથી રાઇફલ, 300થી વધુ ગોળીઓ અને નાઝી વિચારધારા સાથે જોડાયેલી વસ્તુઓ મળી આવી હતી. આરોપી પર આતંકવાદી ધમકી આપવા અને ગેરકાયદેસર હથિયાર રાખવાના આરોપ મૂકવામાં આવ્યા છે. સિએટલમાં દિવાળી કાર્યક્રમમાં હોબાળો: 7 નવેમ્બર 2026ના રોજ અમેરિકાના સિએટલમાં દિવાળી કાર્યક્રમ દરમિયાન બે લોકોએ હોબાળો કર્યો. બંને વિવાદાસ્પદ પોસ્ટર લઈને કાર્યક્રમમાં ઘૂસી આવ્યા. પોસ્ટર પર લખ્યું હતું- ‘તમામ ભારતીયોને દેશમાંથી બહાર કાઢો’. ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સાંસદ પ્રમિલા જયપાલે તેની નિંદા કરી. 17 નવેમ્બરે 13 અમેરિકન સાંસદોએ FBIને આ મામલાની સંભવિત હેટ ક્રાઇમ તરીકે તપાસ કરવાની માગ કરી. શીખ સમુદાય વિરુદ્ધ બનેલી ઘટનાઓ ગુરુદ્વારાની દિવાલો પર નફરતભરી વાતો લખી: 27 ડિસેમ્બર 2025ના રોજ ન્યૂયોર્કના ક્વીન્સ વિસ્તારમાં આવેલા બાબા મખન શાહ લુબાના શીખ સેન્ટરની દિવાલો પર અજાણ્યા લોકોએ વાંધાજનક વાતો લખી દીધી. આ સેન્ટરમાં ગુરુદ્વારા પણ આવેલું છે. પોલીસ આ મામલાની સંભવિત હેટ ક્રાઇમ તરીકે તપાસ કરી રહી છે. વાયોમિંગમાં શીખ ટ્રક ડ્રાઇવર પર છરીથી હુમલો: સપ્ટેમ્બર 2026માં અમેરિકાના વાયોમિંગમાં એક શીખ ટ્રક ડ્રાઇવર પર છરીથી હુમલો કરવામાં આવ્યો. હુમલાખોરે પાછળથી તેના પર હુમલો કરતા તેની ગરદન અને છાતી પર ઇજાઓ થઈ. પોલીસે એન્ડ્રુ ક્રિસ બજડેકની ધરપકડ કરી. જોકે, પોલીસે કહ્યું કે હુમલા પાછળનું કારણ સ્પષ્ટ નથી. આ ઘટનાથી અમેરિકન શીખ સમુદાયમાં ભય વધ્યો છે. 13 સાંસદોએ ટ્રમ્પને નફરત રોકવા માટે પગલાં લેવા કહ્યું હેટ ક્રાઇમને લઈને અમેરિકી સંસદના 13 સાંસદોએ મંગળવારે એક પત્ર જાહેર કર્યો. તેમાં તેમણે સિયાટલના દિવાળી કાર્યક્રમમાં થયેલા હંગામાની હેટ ક્રાઇમની આશંકાને ધ્યાનમાં રાખીને તપાસ કરવાની માંગ કરી. પત્ર પર અમેરિકી સંસદના તમામ 6 ભારતીય-અમેરિકન સાંસદોએ પણ હસ્તાક્ષર કર્યા છે. સાંસદોએ એફબીઆઈ ચીફ કાશ પટેલ અને ટ્રમ્પ સરકારના અન્ય મોટા અધિકારીઓને પૂછ્યું છે કે દક્ષિણ એશિયાઈ લોકો વિરુદ્ધની નફરત રોકવા માટે કયા પગલાં લેવામાં આવી રહ્યા છે. પત્રમાં સપ્ટેમ્બર 2026ની એક સ્ટડીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મુજબ જાન્યુઆરી 2025થી જૂન 2026 દરમિયાન X પર દક્ષિણ એશિયાઈ લોકો વિરુદ્ધ નફરત ફેલાવતી 5 લાખ 42 હજારથી વધુ પોસ્ટ મળી આવી. સાંસદોના જણાવ્યા મુજબ 2025 પછી દર ચારમાંથી એક ભારતીય-અમેરિકનને જાતિવાદી અપશબ્દો સાંભળવી પડ્યા છે. —————————
ન્યૂયોર્કના મેયર મમદાની બોલ્યા- હિન્દુ-શીખો વિરુદ્ધ નફરત વધી:ઓફિસમાં દિવાળી ઉજવી, કહ્યું- રામાયણ, મહાભારત જીવન જીવતા શીખવે છે
📅 Published: November 18, 2026 |
📂 Category: International
