પંચમહાલ જિલ્લામાં વિદ્યાર્થીઓની બાકી શિષ્યવૃત્તિના મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. ગોધરા ખાતે આપવામાં આવેલા આ આવેદનપત્રમાં વિદ્યાર્થીઓને મળવાપાત્ર વિવિધ શિષ્યવૃત્તિની રકમ સમયસર ચૂકવવાની માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવાયું હતું કે શિક્ષણ વિભાગ હેઠળની MYSY અને CMSS સહિતની શિષ્યવૃત્તિઓ, તેમજ આદિજાતિ વિભાગની પ્રિ-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિઓ અને સમાજ કલ્યાણ વિભાગની વિવિધ શિષ્યવૃત્તિઓની રકમ અનેક વિદ્યાર્થીઓના બેંક ખાતામાં સમયસર જમા થઈ નથી. સંગઠને જણાવ્યું હતું કે કેટલાક વિદ્યાર્થીઓની અરજીઓ લાંબા સમયથી ‘Pending’, ‘Verification’, ‘Sanction’ અથવા ‘Payment’ જેવી સ્થિતિમાં છે. બેંક, DBT, આધાર/NPCI, સંસ્થાકીય વેરિફિકેશન સહિતના ટેકનિકલ અથવા વહીવટી કારણોસર પણ ચુકવણી અટકેલી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, જે વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન હોવાનો દાવો કરે છે અને 9 જુલાઈ, 1949ના રોજ તેની સ્થાપના થઈ હતી, તેણે વિદ્યાર્થી હિત માટે સતત કાર્ય કર્યું છે. આથી, શાળા, કોલેજ, યુનિવર્સિટી તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બાકી રહેલી શિષ્યવૃત્તિની રકમ તાત્કાલિક ચૂકવવામાં આવે અને પેન્ડિંગ અરજીઓનો સમયબદ્ધ નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત અને તેમની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિશેષ કાર્યવાહી કરી બાકી રહેલી સ્કોલરશીપની રકમ તાત્કાલિક વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરાવવા ABVP દ્વારા રજૂઆત કરાઈ હતી.
પંચમહાલમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બાકી:અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કલેક્ટરને આવેદન આપ્યું
📅 Published: August 25, 2026 |
📂 Category: gujarati-news
