પંચમહાલ ક્રાઇમ ન્યૂઝ:વિઝોલમાં મહિલા પર હુમલો, વેજલપુરમાં 6 જુગારી ઝડપાયા; બેઢિયા પાસે અકસ્માતમાં યુવકનું મોત

📅 Published: November 18, 2026 | 📂 Category: gujarati-news

પંચમહાલ જિલ્લામાં મારામારી, જુગાર અને બાઈક અકસ્માતની ત્રણ અલગ ઘટનાઓ સામે આવી છે. વિઝોલમાં એક મહિલા પર હુમલો થયો અને ઘરની દિવાલ તોડી પડાઈ. વેજલપુરમાં પોલીસે જુગાર રમતા છ લોકોને પકડ્યા. બેઢિયા ગામ પાસે બાઈક અકસ્માતમાં 25 વર્ષના યુવકનું સારવાર દરમિયાન મોત થયું. ગોધરા તાલુકાના વિઝોલ ગામના નવી નગરીના થોરી ફળિયામાં જૂના ઝઘડાની અદાવતમાં ભક્તિભાઈ થોરી અને રાજુભાઈ થોરીએ મંગુબેન થોરી સાથે ઝઘડો કર્યો હતો. બંનેએ તેમને અપશબ્દો કહ્યા અને ગડદાપાટુનો માર માર્યો હતો. બંનેએ ઘરની આગળની દિવાલ તોડી પાડી અને અંદરનો સામાન વેરવિખેર કર્યો હતો. તેમણે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ગોધરા તાલુકા પોલીસે બંને સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વેજલપુર ગામે પશુ દવાખાનાની પાછળ ઝાડી-ઝાંખરામાં ચાલતા ચકલી કૂદીના જુગારધામ પર પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. પોલીસે અબ્દુલભાઈ પઠાણ સહિત છ જુગારીઓને પકડ્યા હતા. પોલીસે રોકડ અને જુગારનું સાહિત્ય સહિત કુલ ₹7,580નો મુદ્દામાલ કબજે કર્યો હતો. છ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. કાલોલ તાલુકાના બેઢિયા ગામ પાસે હાઇવે પર એક બાઈકચાલકે આગળ જતી બાઈકને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં ફુટેવાળ ગામના 25 વર્ષના અજય લક્ષ્મણસિંહ રાઠોડ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. વેજલપુર પોલીસે બાઈકચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *