સવાલ- મારા લગ્નને 28 વર્ષ થઈ ગયા છે. મારા પતિ છ મહિના પહેલાં જ નિવૃત્ત થયા છે. ત્યારથી તેઓ મોટાભાગનો સમય ઘરે જ રહે છે. સવારની ચાથી લઈને સાંજની સેર (ઈવનિંગ વોક) સુધી, તે દરેક કામ મારી સાથે કરવા માંગે છે. જો હું મારી કોઈ મિત્ર સાથે ફોન પર વાત કરું અથવા એકલી બજારમાં જવાની યોજના બનાવું તો તેઓ પણ સાથે આવવાની જીદ કરે છે. પહેલાં હું ઘરનાં કામકાજ પતાવીને મારી રીતે દિવસ પસાર કરતી હતી, પરંતુ હવે મને દરેક સમયે તેમની આસપાસ રહેવાનું દબાણ અનુભવાય છે. ઘણી વાર એકલી બેસવાનું મન થાય છે, પરંતુ એવું કરું તો તેમને ખરાબ લાગી જાય છે. હું તેમને નારાજ પણ કરવા માંગતી નથી, પરંતુ મારી સ્વતંત્રતા પણ ગુમાવવા માંગતી નથી. તેમને કેવી રીતે સમજાવું? નિષ્ણાત- ડૉ. જયા સુકુલ, ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ, નોઈડા લગ્નના 28 વર્ષ પછી પતિ-પત્ની એકબીજાની આદતો, પસંદગીઓ અને દિનચર્યાને સારી રીતે સમજવા લાગે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેમની દરેક પસંદગી એકસરખી હોય. બંનેની પોતાની રુચિઓ, મિત્રો અને વ્યક્તિગત જરૂરિયાતો પણ હોય છે. નિવૃત્તિ પછી ઘણા દંપતીઓના જીવનનું આ સંતુલન બદલાવા લાગે છે. પતિ, જે પહેલાં ઓફિસ અને કામકાજમાં વ્યસ્ત રહેતા હતા, હવે વધુ સમય ઘરે વિતાવવા લાગે છે. તેઓ પત્ની સાથે દરેક નાની-મોટી પ્રવૃત્તિમાં સામેલ થવા માંગે છે. બીજી તરફ પત્ની, જે આટલા વર્ષોથી પોતાની એક દિનચર્યા અનુસાર જીવી રહી હતી, તેને અચાનક દરેક સમયે કોઈની હાજરી અનુભવાવા લાગે છે. આવી સ્થિતિમાં પત્નીને લાગી શકે છે કે તેમની વ્યક્તિગત સ્વતંત્રતા સમાપ્ત થઈ રહી છે. બીજી તરફ પતિને પત્નીનું એકલા સમય વિતાવવું અથવા મિત્રો સાથે મળવું પોતાના પ્રત્યેની ઉદાસીનતા લાગી શકે છે. આ પરિસ્થિતિને સંભાળવા માટે જરૂરી છે કે બંને એકબીજાની લાગણીઓને સમજે અને સાથે રહેવાની સાથે વ્યક્તિગત અવકાશની જરૂરિયાતને પણ સ્વીકારે. નિવૃત્તિ પછી પતિનું વર્તન કેમ બદલાઈ ગયું નિવૃત્તિ માત્ર નોકરીમાંથી છૂટ્ટી મળવાનું નામ નથી. તેની સાથે વ્યક્તિનું રોજિંદું જીવન, સામાજિક વર્તુળ, જવાબદારીઓ અને ઓળખ પણ બદલાઈ જાય છે. જે વ્યક્તિ દાયકાઓ સુધી દરરોજ સવારે તૈયાર થઈને ઓફિસ જતી હતી, તેની પાસે અચાનક ઘણો ખાલી સમય આવી જાય છે. આવી સ્થિતિમાં તેને એ સમજવામાં મુશ્કેલી પડી શકે છે કે હવે દિવસ કેવી રીતે પસાર કરવો. તેથી સૌથી પહેલાં પતિના વર્તનને માત્ર દખલગીરી અથવા નિયંત્રણ કરવાનો પ્રયાસ માનવાને બદલે તેની પાછળની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરો. જોકે, તેનો અર્થ એ નથી કે પત્નીએ પતિની દરેક જરૂરિયાત પૂરી કરવાની જવાબદારી પોતાના માથે લઈ લેવી જોઈએ. તમારી જરૂરિયાત જણાવો, પરંતુ ફરિયાદ ન કરો જો પત્ની સીધું કહે કે તમે દરેક સમયે મારી પાછળ કેમ રહો છો અથવા મને એકલી કેમ નથી મૂકતા, તો પતિને આ વાત અપમાનજનક લાગી શકે છે. તેથી વાતચીત કરવાની રીત બદલો. પતિને જણાવો કે તમને તેમની સાથે સમય પસાર કરવો ગમે છે, પરંતુ તમે તમારી કેટલીક જૂની આદતો અને રુચિઓ પણ જાળવી રાખવા માંગો છો. ઉદાહરણ તરીકે, તમે કહી શકો છો: “મને તમારી સાથે સવારની ચા પીવી ગમે છે, પરંતુ દિવસમાં થોડો સમય મારી પસંદગીનાં કામ કરવા માંગું છું.” “હું ઇચ્છું છું કે આપણે સાથે ફરવા જઈએ, પરંતુ ક્યારેક સખીઓ સાથે એકલી પણ સમય પસાર કરું.” “મને દિવસમાં થોડો સમય એકલી વાંચવું અથવા આરામ કરવું ગમે છે. તેનો અર્થ એ નથી કે હું તમારાથી દૂર થવા માંગું છું.” આ વાતચીતમાં પતિને દોષી ઠેરવવાને બદલે તમારી લાગણીઓ અને જરૂરિયાતો વિશે વાત કરો. ‘ફેમિલી ટાઇમ’ની સાથે ‘મી ટાઇમ’ પણ નિવૃત્તિ પછી પતિ-પત્નીએ મળીને એવી દિનચર્યા બનાવવી જોઈએ, જેમાં સંયુક્ત પ્રવૃત્તિઓ સાથે વ્યક્તિગત પ્રવૃત્તિઓ માટે પણ જગ્યા હોય. ઉદાહરણ તરીકે, સવારે સાથે ચા પીવી અને ફરવા જવાનું નક્કી કરી શકે છે. બપોરે પતિ-પત્ની પોતાની-પોતાની પસંદગીનું કામ કરે. પતિની પણ પોતાની અલગ દુનિયા હોવી જોઈએ જો પતિનો આખો દિવસ પત્નીની આસપાસ જ પસાર થતો હોય, તો તેમણે પોતાની રુચિઓ અને સામાજિક વર્તુળને ફરીથી વિકસાવવાની જરૂર છે. તમે તેમને તેમની જૂની રુચિઓ યાદ અપાવી શકો છો. જેમ કે, જો તેમને પહેલાં ક્રિકેટ જોવું, પુસ્તકો વાંચવા, મિત્રો સાથે ફરવું અથવા ફાર્મિંગ કરવું ગમતું હતું, તો તેઓ ફરીથી આ પ્રવૃત્તિઓ સાથે જોડાઈ શકે છે. પોતાની આઝાદી માટે અપરાધબોધ શા માટે નિવૃત્તિ પછી જો પતિ હંમેશાં સાથે રહેવા માંગતા હોય, તો પત્નીને પોતાની આઝાદી માટે અપરાધબોધ થઈ શકે છે. તેમને એવું લાગી શકે છે કે પતિને એકલા મુકવા અથવા તેમના વિના ક્યાંક જવું યોગ્ય નથી. પરંતુ એ સમજવું જરૂરી છે કે લગ્ન પછી પણ બંનેની અલગ ઓળખ અને જરૂરિયાતો હોય છે. પત્ની પોતાની સહેલીઓ સાથે મળે, એકલી બજારમાં જાય, કોઈ ક્લાસ કરે અથવા થોડો સમય પોતાની સાથે વિતાવે, એ ખોટું નથી. પતિ માટે જરૂરી પાઠ ઘણી વાર પતિ પણ એવું માની લે છે કે જો પત્ની તેમને પ્રેમ કરે છે તો તેણે હંમેશાં તેમની સાથે જ રહેવું જોઈએ. તેઓ પત્નીનું એકલા ક્યાંક જવું અથવા પોતાના મિત્રો સાથે સમય વિતાવવું વ્યક્તિગત અસ્વીકાર તરીકે જુએ છે. આવી સ્થિતિમાં પત્નીએ સ્પષ્ટ કરવું પડશે કે પ્રેમનો અર્થ હંમેશાં સાથે રહેવું નથી. નાના-નાના ફેરફારોથી શરૂઆત જો પતિ લાંબા સમયથી પત્ની સાથે દરેક કામ કરવાની આદત ધરાવતા હોય, તો અચાનક પોતાની દિનચર્યામાં ફેરફાર ન કરો. નાના-નાના ફેરફારો કરો. શરૂઆતમાં તમે દરરોજ એક કલાક પોતાના માટે નક્કી કરી શકો છો. આ દરમિયાન તમે પુસ્તક વાંચો, ફોન પર સખી સાથે વાત કરો અથવા તમારી પસંદનું કોઈ કામ કરો. ધીમે-ધીમે આ સમય વધારી શકો છો. તેવી જ રીતે અઠવાડિયામાં એક-બે વાર પતિ પોતાની પસંદની પ્રવૃત્તિઓમાં એકલા અથવા મિત્રો સાથે સમય વિતાવી શકે છે. જો વાતચીત કરવા છતાં પતિ દર વખતે નારાજ થાય છે, તમારા પર નિયંત્રણો મૂકે છે અથવા તમને મિત્રો અને પરિવારને મળવાથી રોકે છે, તો તેને માત્ર નિવૃત્તિ પછીનો બદલાવ માનીને અવગણશો નહીં. આવા વર્તન અંગે સ્પષ્ટ સીમાઓ નક્કી કરવી જરૂરી છે. જરૂર પડે તો મેરેજ કાઉન્સેલરની મદદ પણ લઈ શકો છો. અંતિમ વાત યાદ રાખો, સાથે હોવાનો અર્થ હંમેશાં સાથે રહેવું નથી. નિવૃત્તિ પછી પતિ-પત્નીને એકબીજા સાથે જીવનનો નવો અધ્યાય શરૂ કરવાની તક મળે છે. આ સમયે બંને પાસે સાથે વિતાવવા માટે પહેલાં કરતાં વધુ સમય હોઈ શકે છે. પરંતુ આ બદલાવને સફળ બનાવવા માટે બંનેએ એકબીજાની જરૂરિયાતો અને પસંદગીઓનું સન્માન કરવું જરૂરી છે. …………………………. સંબંધોને લઈને કોઈ મૂંઝવણ છે? મનની વાત ખુલીને કહો. MyTalkIndia by Dainik Bhaskar એક સુરક્ષિત, ગોપનીય અને નિષ્પક્ષ જગ્યા છે, જ્યાં તમે તમારા માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે અમારા પ્રોફેશનલ કાઉન્સેલર્સ સાથે બિલકુલ મફતમાં ચેટ કરી શકો છો. ચેટ કરવા માટે અહીં ક્લિક કરો.
'પતિ નિવૃત્ત થયા ને મારી સ્વતંત્રતા સમાપ્ત થઈ ગઈ':'પહેલાં બજારમાં જતી હતી, મિત્રોને મળતી હતી, હવે તે દરેક સમયે સાથે રહેવા માગે છે, શું કરું?'
📅 Published: November 27, 2026 |
📂 Category: Lifestyle
