પતિ સાથે મળી સાસુ, બહેન અને નાનીને પતાવી દીધા:મૃતદેહ બેરલમાં મૂકી સિમેન્ટ ભર્યો, બેનું ઓશિકાથી મોઢું દબાવ્યું; કોસંબામાં પોલીસે 4 વર્ષે લાશના અવશેષો કાઢ્યા

📅 Published: September 30, 2026 | 📂 Category: gujarati-news

સુરત જિલ્લાના એક ગામમાં આજે 30 સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે પોલીસની 5 જેટલી ગાડીઓ શેરીઓમાંથી પસારથઈને એક ઘર પાસે રોકાઈ. ત્રિકમ-પાવડા સાથેના પોલીસકર્મીઓ ગાડીઓમાંથી ઉતર્યા અને એ ઘરમાં ઘૂસી ગયા. આ બધુ જોઈને આસપાસના લોકોને થયું કે આ ઘરમાં કઈક અજુગતું થયું છે. પોલીસકર્મીઓ ઘરમાં જઈને ખોદકામ કરવા લાગ્યા અને ત્યાંથી પોટલું ભરીને માનવકંકાલ અવશેષો બહાર કાઢ્યા. અમે તમને કોસંબા તાલુકાના વડફળિયા ગામમાં થયેલી ત્રિપલ મર્ડરની ઘટનાની વાત કરી રહ્યાં છીએ. પતિ-પત્નીએ મળીને ત્રણ મહિલાને પતાવી દીધી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સુરતની કોસંબા પોલીસે 2022માં કોરોનાકાળમાં કોસંબામાં થયેલી એક 70 વર્ષીય વૃદ્ધાની હત્યા ઉપરાંત અન્ય બે મહિલાઓની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ ત્રણેય મૃતક મહિલાઓ એકબીજાના નજીકના સગા સંબંધી થાય છે અને ત્રણેયની હત્યા વૃદ્ધાની દીકરીની દીકરી અને તેના પતિએ મળીને કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. હત્યારા જમાઈ માધવદાસે પોતાની પત્ની ઉર્મિલા સાથે મળીને વૃદ્ધાની હત્યા કરી ઘરના વાડામાં મૃતદેહ દાટી દીધો હતો. આજે કોસંબા પોલીસે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સાથે મળીને આરોપીઓને સાથે રાખી ખાડો ખોદી એક પોટલું ભરીને વૃદ્ધાના અવશેષો કાઢ્યા હતા. સાથે જ આરોપી દંપત્તિએ અન્ય બે મહિલાઓની હત્યા કરી હોવાની પણ કબુલાત કરતાં આ ત્રિપલ મર્ડર કેસ ઉકેલાયો છે. પત્ની અને સાળાને ફસાવવા અમદાવાદ પોલીસને અરજી કરી
2022માં કોસંબાના વડ ફળિયામાં ઘરમાં એકલા રહેતા 70 વર્ષીય શાંતાબેન ગંભીરભાઈ વસાવાની તેના જમાઈ માધવદાસ અને તેની પત્ની ઉર્મિલાએ ઓશિકાથી મોઢું દબાવીને હત્યા કરીને મૃતદેહને ઘરની પાછળ આવેલા વાડામાં ખાડો ખોદીને દાટી દીધો હતો. હત્યા કર્યા બાદ બંને પતિ-પત્ની અમદાવાદના ધોળકા તાલુકાના વાલખેડા ગામમાં રહેતા હતા. જો કે બંને વચ્ચે કોઈ બાબતને લઈને અણબનાવ થતાં છેલ્લાં 9 મહિનાથી અલગ રહેતા હતા. આ દરમિયાન શાંતાબેનની હત્યાના ગુનામાં માધવદાસે તેની પત્ની અને સાળા સાળા અફઝલ ઉર્ફે ફોટો દીવાનને ફસાવવા માટે બહેન-ભાઈ બંનેએ મળીને વૃદ્ધાની હત્યા કરી છે એવો આરોપ નાખી બંનેને ફસાવવા માટે અમદાવાદ પોલીસ સમક્ષ અરજી કરી હતી. જોકે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અરજી અંગે ઉલટ તપાસ હાથ ધરતા સમગ્ર મામલો શંકાસ્પદ જણાયો હતો અને તપાસ આગળ વધારતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો અને માધવદાસે પત્ની ઊર્મિલા સાથે મળીને શાંતાબેનની હત્યા કર્યાનો ગુનો કબૂલ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કોસંબા પોલીસે આરોપી દંપત્તિને સાથે રાખીને સંયુક્ત રીતે સ્થળ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ અને વૃદ્ધાના મૃતદેહને દાટ્યો હતો તે સ્થળે લઈ ગઈ હતી. મૃતદેહને ડ્રમમાં નાખી સિમેન્ટથી ભરી દીધું, ત્રણ મહિના બાદ ખાડો ખોદી દાટી દીધો
પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ આ આરોપી મધવદાસ અને ઊર્મિલાએ ખૂબ જ કાળજીપૂર્વક આસપાસના લોકોને કે સગાસંબંધીને જાણ ન થાય એ રીતે વૃદ્ધાના મૃતદેહનો નિકાલ કર્યો હતો અને પુરાવાનો નાશ કર્યો હતો. આ ભેજાબાજ દંપત્તિએ કોરોનાકાળમાં મૃતકોના મૃતદેહ ઘરે ન મોકલાતા હોવાનો ફાયદો ઉઠાવ્યો અને બધાને જણાવ્યું હતું કે ડોશીમાને દવાખાનેથી સીધા સ્મશાને લઈ જઈ અંતિમ વિધિ કરી હતી.પણ તેમણે શાંતાબેનના ઘરમાં જ મૃતદેહને એક ડ્રમમાં નાખીને ત્રણ થેલી સિમેન્ટ સાથે પાણી મિક્સ કરી ડ્રમ ભરી દીધું હતું. ત્રણ મહિના બાદ મોકો મળતા જ એ મૃતદેહ સાથેના ડ્રમને ઘરના વાડામાં ખાડો ખોદીને દાટી દીધું હતું. પોલીસે ખાડો ખોદી અવશેષો કાઢ્યા અને પોટલું ભર્યું
પતિ-પત્નીએ વૃદ્ધાના મૃતદેહને ખાડામાં દાટી તેના પર સિમેન્ટથી સ્લેબ જેવુ જાડું લેયર ભરી દીધું હતું. પોલીસે ત્રિકમ-પાવડાથી સિમેન્ટનું આ લેયર તોડીને 4-5 ફૂટ ઊંડે સુધી ખોદાણ કર્યું હતું અને વૃદ્ધાના અવશેષો બહાર કાઢ્યા હતા. એક પોટલું ભરીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ FSL અને આગળની તપાસ માટે તે અવશેષો સાથે લઈ ગઈ છે. માધવદાસ-ઉર્મિલાએ સાથે મળીને માધવદાસની માતા અને ઉર્મિલાની બહેનની પણ હત્યા કરી
ક્રાઈમ બ્રાંચની તપાસમાં માધવદાસ-ઉર્મિલાએ બંનેએ સાથે મળીને 2021માં ઉર્મિલાની બહેન અને માતાની પણ હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. ઉર્મિલાની બહેન ભગવતીબેન વસાવા ટીબીની બીમારીથી અને માધવદાસની માતા મંજુલાબેન વસાવા લકવાની બીમારીથી પીડાતી હતી. આ બંનેની સેવા-સારવાર ન કરવી પડે એ માટે થઈને માધવદાસ-ઉર્મિલાએ મળીને બંનેના મોઢા પર ઓશીકું દબાવીને શ્વાસ રૂંધી હત્યા કરી નાખી હતી. બંનેએ સાથે મળીને બંનેની અંતિમવિધિ પણ કરી નાખી હતી. શાંતાબેનની હત્યા થયાનું જાણીને પાડોશીઓ પણ આઘાતમાં
મૃતક શાંતાબેનના પાડોશી મેરુનીસાબેને ભાસ્કરને જણાવ્યું, “એ દાદીમાં ઘણી મોટી ઉંમરના હતા, એકલા જ રહેતા હતા અને બીમાર રહેતા હતા. તેથી એ બેન અને એમના હસબન્ડ તેમની ખબર પૂછવા આવતા હતા. જ્યારે અમે તેમને જણાવ્યું કે દાદી વધારે બીમાર થઈ ગયા છે, ત્યારે તેમણે કહ્યું કે તેઓ દાદીને લઈ જવાના છે. તેઓ ઘરના જ સભ્ય હતા એટલે અમે તેમને જવા દીધા, પરંતુ અમને એ ખબર નહોતી કે તેઓ દાદીને ક્યારે લઈ ગયા. ચાર દિવસ પછી ત્યાંથી ફોન આવ્યો કે દાદી એક્સપાયર થઈ ગયા છે. અમે કારણ પૂછ્યું તો તેમણે જણાવ્યું કે દાદીને કોરોના થઈ ગયો હતો. જ્યારે અમે તેમની ડેડ બોડી માંગી, ત્યારે તેમણે કહ્યું કે ડોક્ટર બોડી નથી આપી રહ્યા. તે સમયે બોડી નહોતા આપતા, એટલે અમે પણ તે બાબતે વધારે ધ્યાન ન આપ્યું. પરંતુ આજે ચાર વર્ષ પછી અહીં પોલીસ આવી અને બધું ખોદકામ થયું, જેના કારણે અમે બધા આઘાતમાં છીએ કે આ બધું કેવી રીતે થઈ ગયું.”


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *