ગઢડાના ઉગામેડી ગામે ગઇકાલે યુવકની હત્યાની ચકચારી ઘટના સામે આવી હતી. આડા સંબંધની શંકામાં પતિએ પત્નીના પ્રેમીની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાસી છૂટ્યો હતો. જોકે, પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે. આખો બનાવ શું છે?
ભીમદાડ ગામના રહેવાસી દિનેશ સાગઠીયા ઉગામેડી ગામે ગયા હતા. દરમિયાન, તુરખા ગામના છના પરમારે દિનેશ પર છરી વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં ખૂલાસો થયો છે કે મૃતક દિનેશ સાગઠીયાને એક પરિણીતા સાથે આડા સંબંધ હતા અને તે તેને મળવા જતા હતા. આ બાબતની જાણ પરિણીતાના પતિ છના પરમારને થતાં તેણે દિનેશનો પીછો કર્યો હતો અને ઉગામેડી ગામે ઝડપી પાડ્યો હતો. ઉશ્કેરાયેલા પતિએ દિનેશ પર છરીથી હુમલો કર્યો હતો તેમજ પોતાની પત્નીને પણ છરીનો ઘા માર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. અન્ય કોઈની સંડોવણી અંગે પોલીસતપાસ
ઘટનાની જાણ થતાં જ બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા સહિત ડીવાયએસપી (DYSP), એલસીબી (LCB) અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને ટૂંક સમયમાં જ મુખ્ય આરોપી છના પરમારની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે તેમજ આ હત્યામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે. આ સનસનાટીભર્યા બનાવથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
પત્નીના પ્રેમીને પતિએ છરીના ઘા ઝીકી પતાવી દીધો:બોટાદના ઉગામેડી ગામે આડાસંબંધની શંકાએ હત્યા, ગણતરીના કલાકમાં આરોપીને પોલીસે દબોચી લીધો
📅 Published: August 28, 2026 |
📂 Category: gujarati-news
