પશ્ચિમના વિશ્વમાં મહાકાવ્ય રામાયણનો પ્રભાવ:ભારતીય સંસ્કૃતિથી વૈશ્વિક ચેતના સુધીની સફર, રામાયણની કથા આજે પણ વિશ્વભરમાં એટલી જ લોકપ્રિય

📅 Published: November 12, 2026 | 📂 Category: gujarati-news

આઝાદી મળ્યાના થોડા સમય પછી, અંદરથી એકલા પડી ગયેલા, નિરાશ થઈ ગયેલા, ઊર્ધ્વરોહણ તરફ જઈ રહેલા અને 30મી જાન્યુઆરી 1948ના રોજ નિયમિતપણે યોજાતી પ્રાર્થનાસભામાં મનુ અને આભા ગાંધીના ખભે હાથ મૂકીને શારીરિક રીતે પણ નબળા પડી ગયેલા ગાંધીજી પર નથુરામ ગોડસે નામના મનુષ્યે એમને પ્રથમ પગે પડ્યા બાદ બંદૂકની ગોળીથી હત્યા કરી અને એ સાથે આખી જિંદગી જેમને સાક્ષી રાખીને જીવ્યા એ ‘હે રામ’ શબ્દો સાથે એમના શ્વાસોશ્વાસના સ્વામીને મળવા ચાલી નીકળ્યા. એ ક્ષણ અને ‘હે રામ’ કાયમ માટે કાલાતીત બની ગયાં, ‘ક્ષણ તીર્થ’ બની ગયાં. રામ અને ગાંધી જેવા મહાન આત્માઓ સમગ્ર માનવજાતના પ્રેરણાસ્રોત
બાળપણથી જ રામનામની ગળથુથી જેમને એમની સંભાળ રાખનાર રંભાએ એમનો ડર દૂર કરવા પીવડાવી, એની અસર એમના છેલ્લા શ્વાસ સુધી સાથે રહી એવા ગાંધીજી ભારતમાં એકલા નથી; અને ભારતીય જનસમૂહ માટે રામ એ ફક્ત એક વિશેષણ કે નામ નથી, પણ એ સમૂહ-ઓળખ અને ચેતનાનું નામ છે. રામ, કૃષ્ણ, જીસસ ક્રાઈસ્ટ, મોહમ્મદ પયગંબર, બુદ્ધ, મહાવીર કે ગાંધી એવાં નામો છે, એવાં વ્યક્તિત્વો છે જે ભૌગોલિક અને સમયની સરહદોને અતિક્રમી જઈને દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા માનવીની ચેતનાને અસર કરે છે, રાહ બતાવતાં રહે છે. રામાયણની કથા આજે પણ વિશ્વભરમાં એટલી જ લોકપ્રિય
જ્યારે ટેલિવિઝન ભારતમાં આવ્યું અને રામાનંદ સાગર ભગવાન શ્રી રામની કથા ‘રામાયણ ‘ સિરીઝ રૂપે લાવ્યા ત્યારે અભૂતપૂર્વ પ્રતિસાદ, પ્રેમ એને મળ્યો. અને અત્યારે થિએટરમાં નવી આવેલી નીતીશ તિવારી દિગ્દર્શિત, નિર્મિત મલ્હોત્રા નિર્મિત અને રણબીર કપૂર, યશ, સાઈ પલ્લવી, રહેમાન, હાન્સ ઝિમર જેવા મોટા નામને લઇ ને આવેલી ‘રામાયણ’ મુવી સદીઓ જૂની વાત હોવા છતાં એટલી જ ઉત્સુકતા જગાવે છે. અને એ ફક્ત ભારત પૂરતી મર્યાદિત નથી પણ આગળ કહ્યું તેમ સરહદના સીમાડા ઓળંગી ને વિશ્વ આખાનું ધ્યાન દોરે છે. રામાયણ સમગ્ર માનવજાતની વિરાસત
વિશ્વ સાહિત્યના ઇતિહાસમાં ‘ઇલિયડ’ અને ‘ઓડિસી’ની જેમ ‘રામાયણ’ પણ એવી કૃતિ છે, જે માત્ર કોઈ એક દેશ, ભાષા કે સંસ્કૃતિની ધરોહર બનીને રહેતી નથી, પરંતુ સમગ્ર માનવજાતની સામૂહિક ધરોહર બની જાય છે. હજારો વર્ષ પહેલાં રચાયેલી આ કથા આજે પણ ભારતના ઘેરઘેરમાં જીવંત છે, પરંતુ તેની અસર માત્ર ભારત કે એશિયાના દેશો પૂરતી સીમિત નથી. પશ્ચિમના દેશોમાં પણ રામાયણ પ્રત્યેનો રસ સતત વધ્યો છે. સાહિત્ય, તત્ત્વજ્ઞાન, નાટ્યકલા, સિનેમા, સંશોધન અને આધ્યાત્મિક વિચારધારાના ક્ષેત્રોમાં રામાયણે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે, ઉત્સુકતા જગાવી છે અને રાહ ચીંધ્યો છે. રામાયણ નૈતિકતા અને માનવીય સંઘર્ષની કથા
વાલ્મીકિ રચિત રામાયણ અને પછી તુલસીદાસ રચિત રામાયણ વિશ્વનાં પ્રાચીનતમ મહાકાવ્યોમાં સ્થાન ધરાવે છે. એક એવું મહાકાવ્ય, હકીકત કે પૌરાણિક કથા જે માનો તે—ફક્ત ભગવાન રામના જીવન, સીતાનો ત્યાગ, લક્ષ્મણની નિષ્ઠા, હનુમાનની ભક્તિ અને રાવણના અહંકારની આ કથા ન રહેતાં સત્ય, ધર્મ, કર્તવ્ય, પ્રેમ અને નૈતિકતાના સંઘર્ષની કથા બની રહે છે. આ જ સાર્વત્રિક મૂલ્યોને કારણે પશ્ચિમના વાચકોને પણ રામાયણમાં પોતાના જીવનના પ્રશ્નો અને માનવીય સંઘર્ષોના પ્રતિબિંબ જોવા મળે છે. દારા શિકોહ અને પશ્ચિમી વિદ્વાનોમાં રામાયણે જિજ્ઞાસા જગાડી
જાણીતા લેખક ગુણવંત શાહ જે માને છે કે ઔરંગઝેબના બદલે જો એનો ભાઈ દારા શિકોહ ગાદી પર આવ્યો હોત તો ભારતનો ઇતિહાસ કંઈક ઓર હોત, અને એમ માનવાનું સજ્જડ કારણ એમના પિતા રાજા અકબરની જેમ સર્વધર્મ સમભાવની નીતિમાં માનનાર પ્રિન્સ દારા શિકોહની બીજા ધર્મો માટેની જિજ્ઞાસા અને સન્માન, ખાસ કરીને તુલસીદાસની રામાયણના કાવ્યાત્મક સંસ્કરણનો ફારસી ભાષામાં ‘નઝ્મ ખુશ્તર’ નામે અનુવાદ હતો, જેથી એના કોર તત્વો બધા ધર્મોના લોકો સુધી પહોંચે. બીજી બાજુ પશ્ચિમના દેશોમાં ભારતીય મહાકાવ્ય પ્રત્યે રસ ખાસ કરીને 18મી અને 19મી સદીમાં વધવા લાગ્યો હતો. યુરોપિયન વિદ્વાનો જ્યારે સંસ્કૃત ભાષા અને ભારતીય સાહિત્યનો અભ્યાસ કરવા લાગ્યા, ત્યારે રામાયણ અને મહાભારત તરફ તેમનું ધ્યાન ગયું. સંસ્કૃત સાહિત્યના અભ્યાસે યુરોપના બૌદ્ધિક જગતમાં ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરા જે સંવાદ દ્વારા પેઢીઓ સુધી સચવાતી એના પ્રત્યે નવી જિજ્ઞાસા જગાવી. ગ્રિફિથના અનુવાદે પશ્ચિમને ભારતીય સાહિત્યનો પરિચય કરાવ્યો
19મી સદીમાં બ્રિટિશ વિદ્વાન રાલ્ફ થોમસ હોટચકિન ગ્રિફિથે રામાયણના અંગ્રેજી અનુવાદ દ્વારા પશ્ચિમી વાચકોને આ મહાકાવ્યનો પરિચય કરાવ્યો. ત્યારબાદ વિવિધ વિદ્વાનોએ રામાયણના અનુવાદો અને તેના સાહિત્યિક, ધાર્મિક તથા સાંસ્કૃતિક અર્થઘટનો રજૂ કર્યાં. જર્મન ભાષાશાસ્ત્રી અને તુલનાત્મક સાહિત્યના વિદ્વાનોએ પણ ભારતીય મહાકાવ્યોના અભ્યાસમાં રસ દાખવ્યો. જર્મન વિદ્વાન ફ્રેડરિક શ્લેગેલ સહિતના વિચારકોએ ભારતીય ભાષાઓ અને સાહિત્યના અભ્યાસને યુરોપમાં પ્રોત્સાહન આપ્યું. આ પ્રક્રિયાએ પશ્ચિમના લોકોને ભારતીય સંસ્કૃતિના ઊંડાણને સમજવાની તક આપી. એમર્સન અને થોરો જેવા પશ્ચિમી વિચારકો રામાયણથી પ્રભાવિત થયા
રામાયણનો પશ્ચિમી સાહિત્ય પરનો પ્રભાવ માત્ર એની રસપ્રદ કથાવસ્તુ પૂરતો મર્યાદિત નથી, પણ તેમાં રજૂ થયેલા નૈતિક પ્રશ્નો, માનવીય લાગણીઓ અને જીવનમૂલ્યો. જે ફક્ત કોઈ એક દેશનો માનવસમૂહ નથી અનુભવતો પણ વિશ્વ આખાના મનુષ્યની વાત છે. જે પશ્ચિમના સાહિત્યકારો અને વિચારકો માટે પણ અભ્યાસનો વિષય બન્યા છે. જાણીતા પશ્ચિમી તત્ત્વચિંતકો રાલ્ફ વાલ્ડો એમર્સન અને હેનરી ડેવિડ થોરો જેવા અમેરિકન વિચારકો જે ભારતીય ધાર્મિક અને તત્ત્વજ્ઞાનિક સાહિત્યથી અત્યંત પ્રભાવિત હતા, આથી એમણે ભારતીય ગ્રંથોના અભ્યાસને પોતાના જીવન-ચિંતનનો ભાગ બનાવ્યો હતો. તેમના માટે ભારતીય તત્ત્વજ્ઞાન માનવીને ભૌતિક જીવનથી આગળ વધીને આત્મચિંતન તરફ દોરી જતું હતું. હાર્વર્ડ-ઓક્સફર્ડ જેવી સંસ્થાઓમાં રામાયણ પર અભ્યાસ
આજે અમેરિકાની અનેક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં દક્ષિણ એશિયાના ધર્મો, સંસ્કૃતિ, ઇતિહાસ અને સાહિત્યના અભ્યાસક્રમોમાં રામાયણનો સમાવેશ થાય છે. હાર્વર્ડ, ઓક્સફર્ડ, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં ફક્ત રામાયણ જ નહીં, પણ બીજા ભારતીય મહાકાવ્યોના વિવિધ પાસાઓ પર સંશોધન થાય છે. 5થી 7 હજાર વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતી આ રામાયણની વાત એ વખતના પ્રતાપી ભરત રાજાના નામ પરથી અસ્તિત્વમાં આવેલ મહાન ઉપખંડ ભારત, જે એ વખતે થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, કંબોડિયા, લાઓસ, અફઘાનિસ્તાન વગેરે સુધી વિસ્તરેલું હતું, અને માટે જ અત્યારે અલગ અસ્તિત્વ ધરાવતા આ દેશોના જનમાનસમાં પણ રામાયણની કથા જીવંત છે અને એની અલગ અલગ આવૃત્તિઓ પ્રચલિત છે. પશ્ચિમી વિદ્વાનો માટે આ વૈવિધ્ય માનવ સંસ્કૃતિના આદાનપ્રદાનનો રસપ્રદ વિષય બન્યું છે. ખાસ કરીને વિખ્યાત અમેરિકન વિદ્વાન પૌલા રિચમેનનું નામ રામાયણના અભ્યાસમાં વિશેષ ઉલ્લેખનીય છે. તેમણે ‘મેની રામાયણ: ધ ડાયવર્સિટી ઓફ અ નેરેટિવ ટ્રેડિશન ઇન સાઉથ એશિયા’ નામના પુસ્તકનું સંપાદન કર્યું છે. આ પુસ્તકમાં રામાયણની વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓમાં વિકસેલી અનેક આવૃત્તિઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે. રામાયણના નૈતિક મૂલ્યો આધુનિક યુગમાં પણ ઉપયોગી
રામાયણનો એક મહત્વનો સંદેશ એ છે કે વ્યક્તિએ સત્તા, સંપત્તિ અને વ્યક્તિગત સુખ કરતાં નૈતિક જવાબદારીને મહત્વ આપવું જોઈએ. પશ્ચિમના આધુનિક સમાજમાં પણ નેતૃત્વ, ન્યાય, પરિવાર અને વ્યક્તિગત જવાબદારી અંગેની ચર્ચાઓમાં આ મૂલ્યો પ્રાસંગિક બની રહે છે. આ જ વાત અને મૂલ્યો પશ્ચિમના લોકો માટે રામાયણનું સૌથી મોટું આકર્ષણ છે. રામનું પિતૃવચન-પાલન, સીતાની હિંમત, ભરતનો ત્યાગ અને હનુમાનની નિઃસ્વાર્થ સેવા માનવીય સંબંધોની ઊંચી સમજ આપે છે. રામાયણમાં રાવણ માત્ર એક રાક્ષસ નથી, પરંતુ જ્ઞાન, શક્તિ અને સંપત્તિ હોવા છતાં અહંકારને કારણે પતન પામતા માનવીનું પ્રતીક પણ છે. આ બધી વાત, સંવેદનો, માનસિકતા, દર્દ રામાયણ, ઇલિયડ, ઓડિસી જેવાં મહાકાવ્યો વિશ્વના માનવીને જોડી રાખવામાં માધ્યમ બને છે. ટેક્નોલોજી યુગમાં રામાયણ સંયમ અને કર્તવ્ય શીખવે છે
આજના હરણફાળ ભરતા ટેક્નોલોજીના યુગમાં જ્યારે સ્પર્ધા, નીતિમત્તા, સારા-નરસા, સાચા-ખોટા, માનવીય સંબંધો અને તેની સામેના પડકારો મોં ફાડીને ઊભા છે, ત્યારે રામાયણ આપણને કર્તવ્ય, સંયમ, નૈતિકતા, સંબંધોની ગરિમા અને અહંકારના પરિણામો વિશે વિચારવા પ્રેરે છે; આ ગાથાને વધારે પ્રસ્તુત બનાવે છે. પશ્ચિમના ડેવિડ ફ્રૉલી જેમણે ‘ધ ઓરેકલ ઓફ રામા’ (ગોસ્વામી તુલસીદાસના ‘રામ આજ્ઞા પ્રશ્ન’ પર આધારિત) લખ્યું એ સાચું જ કહે છે કે કોઈ પણ પ્રાચીન કથા, હોમરના ‘ઈલિયડ’ કે ‘ઓડિસી’ પણ નહીં, સમયના પ્રવાહમાં આટલી લોકપ્રિય રહી નથી. રામની કથા માનવ સભ્યતા જેટલી જ પ્રાચીન જણાય છે અને દરેક પેઢી માટે તેમાં એક નવીન આકર્ષણ રહેલું છે.”


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *