પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મંગળવારે સવારે કરાચીથી પેશાવર જઈ રહેલી રહમાન બાબા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ. આ અકસ્માતમાં 6 લોકોનાં મોત થયા છે, જ્યારે 30 લોકો ઘાયલ થયા છે. ટ્રેન સવારે લગભગ 5:15 વાગ્યે શેર શાહ વિસ્તારમાં પાટા પરથી ઉતરી હતી. બચાવ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત સ્થળેથી 13 ડબ્બાઓને હટાવવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં રેલવે અકસ્માતોનો સિલસિલો જૂનો છે. અહેવાલો અનુસાર, છેલ્લા 5 વર્ષમાં દેશમાં 500થી વધુ રેલવે અકસ્માતો નોંધાયા છે. અકસાન સાથે જોડાયેલી 3 તસવીરો વડાપ્રધાન શહબાઝે બચાવ કામગીરી ઝડપી કરવાની સૂચના આપી પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે અકસ્માતમાં ઘાયલ મુસાફરો અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે સંબંધિત અધિકારીઓને બચાવ કામગીરી ઝડપી કરવાનો નિર્દેશ આપ્યો. તેમણે અધિકારીઓને ઘાયલોને વિલંબ કર્યા વિના શક્ય તેટલી સારી સારવાર પૂરી પાડવા પણ જણાવ્યું છે. ટ્રેન પાટા પરથી ઉતરવાનું કારણ હજુ સત્તાવાર રીતે સામે આવ્યું નથી. બચાવ કામગીરી આગળ વધવા સાથે પાકિસ્તાન રેલવે અને સંબંધિત અધિકારીઓ વધુ માહિતી આપી શકે છે. પાંચ વર્ષમાં 537 રેલવે અકસ્માત પાકિસ્તાનની સરકારી સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસ ઑફ પાકિસ્તાન (APP)ના જૂન 2024ના અહેવાલ અનુસાર, દેશમાં 2019થી 2023 દરમિયાન કુલ 537 રેલવે અકસ્માતો નોંધાયા હતા. તેમાંથી 313 અકસ્માતોમાં લોકોનાં મૃત્યુ થયાં અથવા તેમને ગંભીર ઈજાઓ થઈ. અહેવાલ મુજબ, 2019માં 159, 2020માં 145, 2021માં 87, 2022માં 62 અને 2023માં 84 રેલવે અકસ્માતો નોંધાયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પાંચ વર્ષ દરમિયાન થયેલા લગભગ 32% અકસ્માતો કર્મચારીઓ વિનાના રેલવે ક્રોસિંગ પર થયા હતા. પાકિસ્તાનમાં અગાઉ પણ થયા છે અનેક મોટા રેલવે અકસ્માતો પાકિસ્તાનમાં રેલવેની ખરાબ સ્થિતિ, જૂના ટ્રેક અને સિગ્નલ સિસ્ટમની સમસ્યાઓ વચ્ચે અનેક મોટા રેલવે અકસ્માતો થઈ ચૂક્યા છે. કેટલાક અકસ્માતોમાં ડઝનબંધ લોકોનાં, તો કેટલાકમાં 100થી વધુ લોકોનાં મોત થયા હતા. 13 જુલાઈ 2005: ત્રણ મુસાફર ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 130 લોકોનાં મોત થયા હતા અને આશરે 170 લોકો ઘાયલ થયા હતા. 19 ડિસેમ્બર 2007: કરાચી એક્સપ્રેસના 16 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં 50 લોકોનાં મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. 11 જુલાઈ 2019: ક્વેટા જઈ રહેલી અકબર એક્સપ્રેસ એક માલગાડી સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ઓછામાં ઓછા 21 લોકોનાં મોત થયાં અને 85 લોકો ઘાયલ થયા. પ્રાથમિક અહેવાલ અનુસાર, ટ્રેનનો ટ્રેક બદલવામાં થયેલા વિલંબને કારણે અકસ્માત થયો હતો. 31 ઑક્ટોબર 2019: તેઝગામ એક્સપ્રેસના ત્રણ ડબ્બામાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 74 લોકોનાં મોત થયાં અને 40થી વધુ લોકો ઘાયલ થયા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુસાફરો માટે ભોજન બનાવવામાં ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી. 28 ફેબ્રુઆરી 2020: કરાચીથી આવી રહેલી પાકિસ્તાન એક્સપ્રેસ એક બસ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ઓછામાં ઓછા 19 લોકોનાં મોત થયાં અને 30થી વધુ લોકો ઘાયલ થયા. 7 જૂન 2021: બે પેસેન્જર ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ઓછામાં ઓછા 31 લોકોનાં મોત થયાં અને 100થી વધુ લોકો ઘાયલ થયા. ——————–
પાકિસ્તાનમાં ટ્રેન પાટા પરથી ઉતરી, 6નાં મોત:30 લોકો ઘાયલ; કરાચીથી પેશાવર જઈ રહી હતી; 5 વર્ષમાં 500થી વધુ રેલવે અકસ્માત નોંધાયા
📅 Published: October 13, 2026 |
📂 Category: International
