પાકિસ્તાન માટે 'ભસ્માસુર' બન્યો તેનો જ પૂર્વ કેપ્ટન:8 વર્ષ આર્મીમાં નોકરી કર્યા બાદ રહમાન ગુલ હવે બન્યો BLAનો ચીફ, સેનાની બર્બરતા જોઈ બળવો કર્યો; ફિદાયીનોને ટ્રેનિંગ આપી

📅 Published: November 15, 2026 | 📂 Category: International

બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાની સેનાના પૂર્વ કૅપ્ટન રહમાન ગુલને પોતાના નવા કમાન્ડર-ઇન-ચીફ તરીકે નિયુક્ત કર્યો છે. રહમાન ગુલે 8 વર્ષ સુધી પાકિસ્તાની સેનામાં નોકરી કરી હતી. ત્યારબાદ બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાની બર્બરતા જોયા પછી તેણે બળવો કર્યો. 2010માં તે BLAમાં જોડાયો. આત્મઘાતી હુમલા કરનારી મજીદ બ્રિગેડને તાલીમ આપવામાં રહમાનની મહત્વપૂર્ણ ભૂમિકા છે. રહમાન પહેલાં બશીર ઝેબ BLAનો ચીફ હતો, પરંતુ પાકિસ્તાનમાં મોટા હુમલા કરવામાં નિષ્ફળ રહેવા અને મહિલા આત્મઘાતી હુમલાખોરોના ઉપયોગને કારણે તેને હટાવી દેવામાં આવ્યો. પેશાવર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યા બાદ પાકિસ્તાની સેનામાં જોડાયો હતો રહમાન ગુલને ઉસ્તાદ મુરીદ અને મુરીદ બલોચ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો જન્મ 14 ઑગસ્ટ 1984ના રોજ પાકિસ્તાનના બલૂચિસ્તાનના નોશકી વિસ્તારમાં થયો હતો. તે મેંગલ સમુદાયના એક પ્રભાવશાળી પરિવારમાંથી આવે છે. તેણે પ્રાથમિક અભ્યાસ નોશકીમાં કર્યો અને આગળના અભ્યાસ માટે ક્વેટા ગયો. ત્યારબાદ પેશાવર યુનિવર્સિટીમાંથી BAની ડિગ્રી મેળવી. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેણે પાકિસ્તાની સેનામાં જોડાઈ ગયો. વર્ષ 2002માં તે સેનામાં ભરતી થયો હતો. તેણે કાકુલ સ્થિત પાકિસ્તાન મિલિટરી એકેડમીમાં બે વર્ષની તાલીમ લીધી. ત્યારબાદ તેને 19મી ફ્રન્ટિયર ફોર્સ રેજિમેન્ટમાં તહેનાત કરવામાં આવ્યો હતો. અમેરિકન થિંક ટેંક જેમ્સટાઉન ફાઉન્ડેશનના અહેવાલ મુજબ, સેનામાં રહીને તેણે બલૂચિસ્તાન અને વઝીરિસ્તાનમાં થયેલી સૈન્ય કાર્યવાહી જોઈ હતી. આ કાર્યવાહીઓ બાદ તેના મનમાં પાકિસ્તાની સેના પ્રત્યે નારાજગી વધી હતી. આ જ કારણે તે બળવાખોર બની ગયો. પાકિસ્તાન સરકારે 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું રહમાન ગુલનું નામ પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA)ની વૉન્ટેડ યાદીમાં પણ સામેલ છે. એજન્સીના દસ્તાવેજમાં તેનું નામ કેપ્ટન રહમાન ગુલ ઉર્ફે ઉસ્તાદ મુરીદ તરીકે નોંધાયેલું છે. તેની માહિતી આપનાર માટે 10 લાખ પાકિસ્તાની રૂપિયા સુધીના ઇનામનો ઉલ્લેખ છે. તેની વિરુદ્ધ અનેક FIR પણ નોંધાયેલી છે. ચીની એન્જિનિયરો પરના હુમલાના કેસમાં પણ નામ 6 ઑક્ટોબર 2024ના રોજ પાકિસ્તાનના કરાચીમાં ચીની નાગરિકોના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં 3 લોકોનાં મોત થયાં હતાં, જેમાં 2 ચીની એન્જિનિયરો સામેલ હતા. જેમ્સટાઉન ફાઉન્ડેશનના અહેવાલ અનુસાર, આ હુમલાની તપાસ દરમિયાન પાકિસ્તાની એજન્સીઓએ રહમાન ગુલનું નામ પણ FIRમાં નોંધ્યું હતું. જોકે, તેમાં તેની ભૂમિકા અદાલતમાં સાબિત થઈ હોવાની માહિતી નથી. રહમાન ગુલની નિમણૂક BLAની મોટી વ્યૂહાત્મક ચાલ રહમાન ગુલની નિમણૂકને BLAની મોટી વ્યૂહાત્મક ચાલ માનવામાં આવી રહી છે. સુરક્ષા બાબતોના જાણકારોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનામાં કામ કરવાનો તેમનો અનુભવ સંગઠન માટે ફાયદાકારક બની શકે છે. તેમને સેનાની વ્યૂહરચના, કામ કરવાની રીતો અને પ્રતિસાદી કાર્યવાહીને લગતી માહિતી છે. આવી સ્થિતિમાં BLA આ અનુભવનો ઉપયોગ પાકિસ્તાન વિરુદ્ધ કરી શકે છે. BLA અલગ દેશની માંગ કરે છે બલોચ લિબરેશન આર્મી (BLA) પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતને અલગ દેશ બનાવવાની માંગ કરતું સશસ્ત્ર અલગાવવાદી સંગઠન છે. તેની શરૂઆત આશરે 2000માં થઈ હતી. બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે. અહીં કુદરતી ગૅસ, તાંબું, સોનું અને કોલસા જેવા ખનિજોના મોટા ભંડાર છે. તેમ છતાં, તે પાકિસ્તાનના સૌથી પછાત વિસ્તારોમાં સામેલ છે. BLAનો આરોપ છે કે પાકિસ્તાન સરકાર બલૂચિસ્તાનના કુદરતી સંસાધનોનો ઉપયોગ કરે છે, પરંતુ ત્યાંના લોકોને તેમનો યોગ્ય હિસ્સો આપતી નથી. સંગઠન પાકિસ્તાન સરકાર પર રાજકીય ભેદભાવ અને બલૂચ લોકોના અધિકારોના ઉલ્લંઘનનો પણ આરોપ મૂકે છે. BLA ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) અને તેની સાથે જોડાયેલી યોજનાઓનો પણ વિરોધ કરે છે. તેનો આરોપ છે કે આ યોજનાઓથી બલૂચિસ્તાનના સંસાધનોનો લાભ સ્થાનિક લોકોના બદલે બહારની શક્તિઓને મળી રહ્યો છે. ———————————- આ સમાચાર પણ વાંચો… પાકિસ્તાનને હંફાવનાર બલોચ આર્મીના ચીફની ખુરશી ગઈ:’ધુરંધર’ના હમઝા સાથે સરખામણી થતી તે બશીર જેબની હકાલપટ્ટી, PAK વિરુદ્ધ નિષ્ફળ ઓપરેશનથી સંગઠનમાં હતી નારાજગી બલૂચ લિબરેશન આર્મી (BLA)ના કમાન્ડર-ઇન-ચીફ બશીર જેબને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. બશીર જેબે પાકિસ્તાનમાં અનેક મોટા હુમલાઓનું કાવતરું ઘડીને પોતાની ઓળખ બનાવી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *