પાટણ જૈન મંડળ સંચાલિત બી.ડી. સાર્વજનિક વિદ્યાલય અને ટી.ડી. સ્માર્ટ વિદ્યાલય, પાટણના સંયુક્ત ઉપક્રમે સ્વાતંત્ર્યદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને સાંસ્કૃતિક ભાવનાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ ધ્વજવંદન અને રાષ્ટ્રધ્વજને સલામી આપવાની ગૌરવપૂર્ણ વિધિથી થયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વિવેકભાઈ પટેલ અને પંકજભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ શાળા પરિવારે તેમનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે શાળાને ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ગુજરાત સરકાર દ્વારા પ્રાપ્ત સન્માનપત્ર મંડળને અર્પણ કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓને પુનઃપ્રવેશ અપાવી શિક્ષણના પ્રવાહમાં જોડવામાં આવ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને પ્રોત્સાહિત કરવા દર વર્ષે શ્રેષ્ઠ શિક્ષક સન્માન આપવામાં આવે છે. આ વર્ષે શાળાના પંકજભાઈ જોશી અને નિમીષાબેન ચૌધરીની પસંદગી થતાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક પ્રતિભાનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીની ધ્રુવી રાવળે સેક્સોફોન વાદન દ્વારા મનમોહક સંગીતમય રજૂઆત કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ દેશભક્તિપૂર્ણ વક્તવ્યો, ગીતો અને વિવિધ સાંસ્કૃતિક નૃત્યો રજૂ કર્યા હતા, જેને ઉપસ્થિત મહેમાનો અને વાલીઓએ તાળીઓના ગડગડાટથી વધાવ્યા હતા. મુખ્ય મહેમાન વિવેકભાઈ પટેલે પોતાના પ્રેરણાદાયી પ્રવચનમાં સ્વાતંત્ર્યનું મહત્ત્વ, સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને દેશના વિકાસમાં સક્રિય ભાગીદાર બનવા અને જવાબદાર નાગરિક તરીકે પોતાની ભૂમિકા નિભાવવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પંકજભાઈ જોશી તરફથી તમામ વિદ્યાર્થીઓ માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ડૉ. અતુલભાઈ અગ્રવાલ, ભુપેન્દ્રભાઈ પટેલ, ધીરુભાઈ શાહ, કેતનભાઈ પટેલ, કમલેશભાઈ શાહ તથા વી.વી. માળી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય ડૉ. બી.આર. દેસાઈએ ઉપસ્થિત તમામ મહેમાનો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને સ્વાતંત્ર્યદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. ટી.ડી. સ્માર્ટ વિદ્યાલયના આચાર્ય હીરાભાઈ અને તેમનો પરિવાર પણ કાર્યક્રમમાં હાજર રહ્યો હતો. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહેમાનો, આચાર્યઓ અને શાળા પરિવારના સભ્યોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ પ્રેમનો સંદેશ આપ્યો હતો. આ સાથે સ્વાતંત્ર્યદિનની ઉજવણી ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી.
પાટણની બી.ડી. સાર્વજનિક વિદ્યાલયમાં સ્વાતંત્ર્યદિનની ઉજવણી:'બેક ટુ સ્કૂલ' અભિયાનમાં સન્માન, શ્રેષ્ઠ શિક્ષકોનું બહુમાન કરાયું
📅 Published: August 15, 2026 |
📂 Category: gujarati-news
