પાટણની લૉ કૉલેજમાં વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી:ડૉ. વિપુલ શાહે વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય અને તણાવ અંગે માર્ગદર્શન આપ્યું

📅 Published: September 9, 2026 | 📂 Category: gujarati-news

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ દ્વારા સંચાલિત શેઠ એમ.એન. લૉ કૉલેજ, પાટણ ખાતે “વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ”ની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાનો અને આત્મહત્યા નિવારણ માટે સમાજમાં સંવેદનશીલતા વધારવાનો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રીનાથજી માનસિક રોગ હોસ્પિટલ એન્ડ વ્યસનમુક્તિ કેન્દ્ર, પાટણના માનસિક રોગોના નિષ્ણાત ડૉ. વિપુલભાઈ શાહને આમંત્રિત કરાયા હતા. ડૉ. શાહે વિદ્યાર્થીઓને આત્મહત્યા અટકાવવા, માનસિક તણાવ, ચિંતા અને વ્યક્તિના વર્તનમાં દેખાતા માનસિક સંકટના સંકેતો વિશે વિગતવાર સમજાવ્યું હતું. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે આત્મહત્યા કોઈ સમસ્યાનો ઉકેલ નથી, પરંતુ યોગ્ય સમયે મળતી મદદ, વાતચીત અને સારવાર વ્યક્તિનું જીવન બચાવી શકે છે. માનસિક તકલીફને શારીરિક તકલીફ જેટલી જ ગંભીરતાથી લેવી જોઈએ. કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યારે તેની વાત સાંભળવી, તેને સમજવાનો પ્રયાસ કરવો અને જરૂર જણાય ત્યારે નિષ્ણાતની મદદ લેવા પ્રોત્સાહિત કરવું એ દરેકની સામાજિક જવાબદારી છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે માનસિક સ્વાસ્થ્યને લગતા અલગ અલગ પ્રશ્નો પર વાતચીત થઈ હતી. વિદ્યાર્થીઓને અભ્યાસનું દબાણ, પરીક્ષાનો તણાવ, નિષ્ફળતા, સંબંધોની મુશ્કેલીઓ, એકલતા અને જીવનના અન્ય પડકારોનો સકારાત્મક રીતે સામનો કરવા વિશે ઉપયોગી માર્ગદર્શન અપાયું હતું. લૉના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સમાજ અને ન્યાયતંત્ર સાથે જોડાવાના હોવાથી, તેમનામાં માનવ સંવેદના, સહાનુભૂતિ અને માનસિક સ્વાસ્થ્યની સમજણ વધે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો અને ડૉ. શાહને પ્રશ્નો પૂછીને જરૂરી સલાહ લીધી. આ પ્રસંગે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના કેમ્પસ ડેવલોપમેન્ટ ઓફિસર (C.D.O) પ્રોફેસર ડૉ. જય ધ્રુવ અને કૉલેજ પરિવારે મુખ્ય મહેમાન ડૉ. વિપુલભાઈ શાહનો આભાર માન્યો હતો. વિદ્યાર્થીઓ અને હાજર રહેલા સૌને આત્મહત્યા નિવારણ અંગે જાગૃતિ ફેલાવવા અને જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવા અપીલ કરાઈ હતી. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા “જીવન અમૂલ્ય છે – વાત કરીએ, સાંભળીએ અને મદદ કરીએ” એવો સકારાત્મક સંદેશ વિદ્યાર્થીઓ અને સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *