પાટણ જિલ્લામાં દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવા અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત, મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ અને સાધન સહાય યોજના હેઠળ સરકારે નિર્ધારિત કરેલા લક્ષ્યાંક કરતાં પણ વધુ દિવ્યાંગ લાભાર્થીઓને સહાય મંજૂર કરવામાં આવી છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા 60% થી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ માટે મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ અને જોઈસ્ટિક વ્હીલચેર યોજના ચલાવવામાં આવે છે. પાટણ જિલ્લા માટે રાજ્ય સરકારે 179 લાભાર્થીઓનો લક્ષ્યાંક ફાળવ્યો હતો. તેની સામે જિલ્લા સમાજ સુરક્ષા કચેરીએ 230 દિવ્યાંગ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મંજૂર કર્યો છે. આ ઉપરાંત, દિવ્યાંગતામાં રાહત આપતા સાધનો માટેની સાધન સહાય યોજના હેઠળ પાટણ જિલ્લાને 148 લાભાર્થીઓનો લક્ષ્યાંક અપાયો હતો, જેની સામે 335 લાભાર્થીઓ માટે સાધન સહાય મંજૂર કરવામાં આવી છે. આ તમામ સાધનો વહેલી તકે દિવ્યાંગો સુધી પહોંચાડવામાં આવશે. દિવ્યાંગોને આર્થિક ટેકો આપવા માટે સંત સૂરદાસ યોજના હેઠળ 60% થી વધુ દિવ્યાંગતા ધરાવતા અને 50% થી વધુ મનોદિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને દર મહિને ₹1000 ની પેન્શન સહાય આપવામાં આવે છે. સરકાર દ્વારા આ યોજનાઓનો લાભ મેળવવાની પ્રક્રિયા અત્યંત સરળ બનાવવામાં આવી છે. જેમાં આવકની કોઈ મર્યાદા કે BPL કાર્ડની જરૂરિયાત રાખવામાં આવી નથી. લાભાર્થી પાસે 50% કે 60% થી વધુ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, જન્મ તારીખનો દાખલો અને બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે. સમાજ સુરક્ષા કચેરી, પાટણ ખાતે દિવ્યાંગોને ફોર્મ ભરવા સહિતની મદદ પૂરી પાડવામાં આવે છે. વધુમાં, જે દિવ્યાંગો પાસે દિવ્યાંગતા પ્રમાણપત્ર નથી, તેમના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 1 સપ્ટેમ્બરથી દરેક તાલુકા મથકે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી તેઓ પોતાના તાલુકામાં જ પ્રમાણપત્ર મેળવી શકે.
પાટણમાં દિવ્યાંગો માટે યોજનાકીય લક્ષ્યાંક કરતાં વધુ કામગીરી:મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ અને સાધન સહાયમાં વધુ લાભાર્થીઓને મંજૂરી
📅 Published: August 26, 2026 |
📂 Category: gujarati-news
