વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં સેવા અને જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. આ અંતર્ગત પાટણ જિલ્લામાં આરોગ્ય વિભાગે HPV રસીકરણ અભિયાનને વેગ આપ્યો છે. આ અભિયાનમાં પાત્ર દીકરીઓને ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઇકલ કેન્સર) સામે રક્ષણ આપતી HPV રસી સંપૂર્ણપણે મફત આપવામાં આવી રહી છે. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દિવ્યેશ પટેલે જણાવ્યું કે, અગાઉ HPV રસી વિવિધ સમાજના આગેવાનો કે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા દીકરીઓને આપવામાં આવતી હતી. હવે કેન્દ્ર સરકારની પહેલથી આ રસીકરણ મોટા પાયે આગળ વધી રહ્યું છે.આ અંગેની કામગીરી ચાલુ વર્ષના માર્ચ મહિનાથી શરૂ થઈ હતી. હાલ ફરીથી જુલાઈથી 31 ડિસેમ્બર, 2026 સુધી એક ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ એવી દીકરીઓને HPV રસી અપાઈ રહી છે, જેમણે 14 વર્ષની ઉંમર પૂરી કરી હોય અને 15મું વર્ષ ચાલુ હોય. અધિક જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ, પાટણ જિલ્લામાં આશરે 3,800 પાત્ર દીકરીઓને આ અભિયાન હેઠળ આવરી લેવાનું આયોજન છે. આરોગ્ય વિભાગનો પ્રયાસ છે કે આજના ખાસ અભિયાન દરમિયાન પણ મોટી સંખ્યામાં દીકરીઓને રસી આપવામાં આવે. HPV રસી ભવિષ્યમાં સર્વાઇકલ કેન્સરનું જોખમ ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ રસીનો ફાયદો તરત દેખાતો નથી. પરંતુ, આજે રસી મેળવનારી દીકરીઓ જ્યારે ભવિષ્યમાં મોટી થશે, ત્યારે સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ મેળવવામાં આ રસી ઉપયોગી બનશે. આમ, રસીકરણ દ્વારા વ્યક્તિના આરોગ્યની સાથે તેના પરિવાર અને સમાજ પરનો આરોગ્યલક્ષી અને આર્થિક બોજ પણ ભવિષ્યમાં ઘટાડી શકાય છે. પાત્ર દીકરીઓને HPV રસી દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે સંપૂર્ણ મફત આપવામાં આવી રહી છે. રસીકરણ પછી તેની નોંધ આરોગ્ય વિભાગના TECHO પોર્ટલ પર થાય છે. શાળામાં ભણતી દીકરીઓ સુધી પણ રસીકરણની સુવિધા પહોંચે તે માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓ શાળાઓ સાથે તાલમેલ કરે છે. જરૂર જણાય ત્યારે RBSK અથવા PHCના વાહન દ્વારા પણ મદદ પૂરી પાડવામાં આવે છે. અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ માતા-પિતા અને સમાજના આગેવાનોને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે HPV રસી અંગે કોઈ ગેરસમજ કે ડર રાખ્યા વિના આરોગ્ય વિભાગના ડોકટરો અને કર્મચારીઓ પાસેથી સાચી માહિતી મેળવવી જોઈએ. પાત્ર દીકરીઓના રસીકરણ માટે સહયોગ આપવા પણ તેમણે વિનંતી કરી. દીકરીઓમાં રસીકરણ અંગે જાગૃતિ વધે અને માતા-પિતાની સંમતિથી વધુમાં વધુ પાત્ર દીકરીઓને આ અભિયાનનો લાભ મળે તે માટે આરોગ્ય વિભાગ જનજાગૃતિના પ્રયાસો કરી રહ્યું છે.
પાટણમાં 14 વર્ષની દીકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી મફત:3,800 દીકરીઓને આવરી લેવાનું આયોજન, માતા-પિતાને રસીકરણ માટે અપીલ કરાઈ
📅 Published: September 18, 2026 |
📂 Category: gujarati-news
