પાટણ, નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ અને વી.આર. પટેલ ઉ. મા. શાળા ખાતે દેશના ૮૦મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળા પરિસરમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો.કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રવંદના અને ધ્વજવંદનથી થઈ હતી. ઉપસ્થિત સૌએ દિવ્ય ‘વંદે માતરમ્’ ગાન કર્યું હતું. હર્ષોલ્લાસ સાથે ધ્વજવંદન અને ઝંડાગીત ગાનથી ત્રિરંગાને સલામી આપવામાં આવી હતી.શાળાના આચાર્ય ડૉ. ઝુઝારસંગ એન. સોઢાએ પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં દેશની આઝાદી માટે સર્વોચ્ચ બલિદાન આપનાર અમર શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા હતા. તેમણે દેશની રક્ષા માટે સર્વસ્વ ન્યોછાવર કરનાર ૨૧ પરમવીર ચક્ર વિજેતા વીરોને વિશેષ સ્મરણાંજલિ અર્પણ કરી તેમના શૌર્યને બિરદાવ્યું હતું. આચાર્યએ પોતાના ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને રાષ્ટ્રનિર્માણમાં પોતાની ફરજો પ્રત્યે સજ્જ રહેવા ભાર મૂક્યો હતો. કેમ્પસ સંચાલક ડૉ. જય ધ્રુવે ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા માટે સૌને કટિબદ્ધ બનવા આહવાન કર્યું હતું. તેમણે આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સમગ્ર શાળા પરિવારને શુભકામનાઓ પાઠવી હતી.ત્યારબાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. ઓજસ્વી દેશભક્તિ ગીતો અને વક્તવ્યોએ ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા. કાર્યક્રમમાં NSS અને NCCના યુવાનોની વિશેષ ઉપસ્થિતિએ આયોજનમાં અનુશાસન અને ઉત્સાહ ઉમેર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિપુલભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા શાળાના આચાર્ય ડૉ. ઝુઝારસંગ એન. સોઢા, શાળા સુપરવાઇઝર હર્ષદભાઈ ડામોર, ગમનભાઈ સુથાર, શાળા કોઓર્ડિનેટર યોગેશભાઈ પટેલ, ધ્વજવંદન કન્વીનર રણજીતભાઈ, NSS અને NCC ઓફિસર ભાવેશભાઈ અને પ્રશાંતભાઈ સહિત સમગ્ર શાળા પરિવારે સક્રિય સહયોગ આપ્યો હતો.
પાટણમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી:૨૧ પરમવીર ચક્ર વિજેતાઓને શ્રદ્ધાંજલિ, 'વિકસિત ભારત'નો સંકલ્પ લેવાયો
📅 Published: August 15, 2026 |
📂 Category: gujarati-news
