પાટણ જિલ્લામાં 77મા વન મહોત્સવની ઉજવણી:રણુજ ખાતે 'વન કવચ'નું લોકાર્પણ, 20,000 રોપાનું વાવેતર

📅 Published: August 20, 2026 | 📂 Category: gujarati-news

પાટણ જિલ્લામાં 77મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ‘એક પેડ માઁ કે નામ 3.0’ અભિયાન હેઠળ રણુજ ખાતે ‘વન કવચ’નું લોકાર્પણ કરાયું હતું. મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ અને રોપા વિતરણ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. મંત્રી સ્વરૂપજી ઠાકોરે રણુજ ખાતે નવા વન કવચનું લોકાર્પણ કરી તકતીનું અનાવરણ કર્યું હતું. આ પહેલા તેમણે સંડેર ખાતે તૈયાર થયેલા વન કવચની મુલાકાત લીધી હતી. રણુજ ખાતે 2 હેક્ટર વિસ્તારમાં 100 પ્રજાતિના 20,000 રોપા વાવીને વન કવચ બનાવવામાં આવ્યું છે. જ્યારે સંડેર ખાતે 2024-25 દરમિયાન 4 હેક્ટર વિસ્તારમાં 85 પ્રજાતિના 40,000 રોપા વાવીને વન કવચ તૈયાર કરાયું છે. મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ અને રોપા વિતરણ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે, વન કવચના નિર્માણથી વિસ્તારમાં શુદ્ધ ઓક્સિજન, સ્વચ્છ હવા અને સુંદર વાતાવરણ ઉપલબ્ધ થશે. તેમણે ઉમેર્યું કે, સંડેર ખાતે ત્રણ વર્ષ પહેલાં કરાયેલા વૃક્ષારોપણને કારણે આજે ત્યાં ઘનઘોર જંગલ જેવો માહોલ સર્જાયો છે, જ્યાં પક્ષીઓ અને જીવજંતુઓનો વાસ થયો છે. તેવી જ રીતે રણુજ ખાતે પણ આગામી સમયમાં વૃક્ષો મોટા થતાં ગાઢ ઘટા સર્જાશે, જેનાથી સ્થાનિક ખેડૂતો અને રહીશોને પર્યાવરણીય લાભ થશે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વન વિભાગ ગામે-ગામ વન કવચનું નિર્માણ થાય તે દિશામાં કાર્યરત છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ, ભાજપ મહામંત્રી સંજય પટેલ, બાબુજી ઠાકોર, લાલજી દેસાઈ અને સંડેર ગામના સરપંચ રણુંજ ગામ ના સરપંચ, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, વરિષ્ઠ વન અધિકારી ડો. સક્કિરા બેગમ, પાટણ કલેક્ટર ડો. પ્રશાંત જીલોવા ,ડીડીઓ સી એલ પટેલ અને નાયબ વન સંરક્ષક એન.જે. પરમાર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *