પાટણ જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ શંખેશ્વર ખાતે યોજાયો હતો, જ્યાં પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરે ધ્વજવંદન કર્યું હતું. પાટણ શહેરમાં નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળે ધ્વજ ફરકાવ્યો હતો. શંખેશ્વર ખાતેના મુખ્ય સમારોહમાં સ્વરૂપજી ઠાકોરે જિલ્લા પોલીસ વડા સાથે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું અને નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગે તેમણે જિલ્લાવાસીઓને પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમારોહમાં રાષ્ટ્રગાન, પરેડ, અશ્વ શો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. પાટણ ફાયર વિભાગના 14 કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા. પાટણ નગરપાલિકા કક્ષાનો મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમ શહેરના ફાટીપાટ દરવાજા પાસે આવેલા રોટરી ક્લબના બગીચામાં યોજાયો હતો. અહીં પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળે ધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે ચીફ ઓફિસર હિરલ ઠાકર, વિવિધ કમિટીના ચેરમેનો, નગરસેવકો, પૂર્વ પ્રમુખો, શાળાના બાળકો, પોલીસ સ્ટાફ અને પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેર અને જિલ્લાના અન્ય મુખ્ય મથકો પર પણ સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે સાંસદ ભરત ડાભીના હસ્તે ધ્વજવંદન થયું હતું, જ્યારે કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ ઘેમાર દેસાઈની અધ્યક્ષતામાં ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ ડો. કે.સી. પોરીયાના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ સંપન્ન થયો હતો, જેમાં એનસીસી કેડેટ્સ, વિદ્યાર્થીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ સિવાય જિલ્લા અદાલત, સિવિલ હોસ્પિટલ, વિવિધ સરકારી કચેરીઓ અને શાળાઓ-કોલેજોમાં પણ ત્રિરંગો લહેરાવીને 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
પાટણ જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:શંખેશ્વર ખાતે રાષ્ટ્રગાન, પરેડ, અશ્વ શો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા
📅 Published: August 15, 2026 |
📂 Category: gujarati-news
