વલસાડ જિલ્લાને પ્લાસ્ટિકમુક્ત બનાવવાના જિલ્લા કલેક્ટરના કડક નિર્દેશ બાદ શહેરી વિસ્તારોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક (SUP) સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે, પારડી નગરપાલિકા દ્વારા ગુરુવારે વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી દંડાત્મક પગલાં લેવાયા હતા. પારડી નગરપાલિકાના ચીફ ઓફિસર કોમલબેન ધિન્નૈયાના માર્ગદર્શન હેઠળ સેનિટેશન શાખાની ટીમે 20 ઓગસ્ટના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ અને દુકાનદારોને ત્યાં અચાનક પ્લાસ્ટિક ચેકિંગ કર્યું હતું. ચેકિંગ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓ પાસેથી કુલ 250 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા આ વેપારીઓ પાસેથી ₹5 હજારનો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો. પાલિકાની ટીમે વેપારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તેમજ ગ્રાહકોને પ્લાસ્ટિકની થેલી આપવાને બદલે કાપડની થેલીનો ઉપયોગ કરવા માટે સમજ આપી હતી. પ્લાસ્ટિકના વધતા ઉપયોગથી પર્યાવરણને થતા નુકસાન અંગે પણ વેપારીઓ અને દુકાનદારોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી. જિલ્લાને પ્લાસ્ટિકમુક્ત બનાવવાના અભિયાન હેઠળ આગામી દિવસોમાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ અને ઉપયોગ સામે આ પ્રકારની ચેકિંગ તથા કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ પાલિકા તંત્ર દ્વારા જણાવાયું છે. આ કાર્યવાહીમાં ચીફ ઓફિસર કોમલબેન ધિન્નૈયાના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર મેહુલભાઈ પરમાર અને સુપરવાઈઝર પંકજકુમાર ગરણીયા સહિત સેનિટેશન શાખાની ટીમ જોડાઈ હતી.
પારડીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે પાલિકાની કાર્યવાહી:250 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત, ₹5 હજાર દંડ વસૂલાયો
📅 Published: August 21, 2026 |
📂 Category: gujarati-news
