પારનેરા પારડીમાં મહિલા સંમેલન યોજાયું:લાભાર્થીઓને યોજનાના મંજૂરી હુકમો અપાયા, કિશોરીઓ અને માતાઓને પોષણ કીટ અપાઈ

📅 Published: November 18, 2026 | 📂 Category: gujarati-news

વલસાડના પારનેરા પારડીમાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે મહિલા સંમેલન યોજાયું. જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં યોજાયેલા કાર્યક્રમમાં લાભાર્થી મહિલાઓને યોજનાના મંજૂરી હુકમો અપાયા અને પોષણ કીટ વહેંચાઈ. ધારાસભ્ય ભરતભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ભગવાન બિરસા મુંડાના પૂજન અને દીપ પ્રાગટ્યથી થઈ હતી. ભરતભાઈ પટેલે કહ્યું કે ભગવાન બિરસા મુંડાએ 25 વર્ષની વયે ક્રાંતિનું નેતૃત્વ કર્યું હતું. તેમણે સમાજમાં જાગૃતિ લાવવા અને દેશની આઝાદી માટે યોગદાન આપ્યું હતું. તેમના જીવનમાંથી પ્રેરણા લઈને સૌએ સમાજના વિકાસમાં ભાગ લેવો જોઈએ. તેમણે કહ્યું કે જ્યાં મહિલાઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓના આશીર્વાદ મળે છે. મહિલાઓ શિક્ષણ, સરકારી નોકરી, રાજકારણ અને સહકારી પ્રવૃત્તિઓમાં આગળ વધી આત્મનિર્ભર બની રહી છે. પ્રદેશ સંગઠનનાં અમિતાબેન પટેલે મહિલાઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. તેમણે યુવાનોને દેશ અને સમાજ પ્રત્યેની જવાબદારીઓ નિભાવવા અપીલ કરી હતી. વલસાડ તાલુકાની મહિલાઓ અંજલીબેન નાયકા અને તેજલબેન પટેલે સરકારી યોજનાઓનો લાભ લીધા પછી જીવનમાં આવેલા ફેરફારોના અનુભવો રજૂ કર્યા હતા. મહાનુભાવોના હસ્તે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અને વહાલી દીકરી યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમો અપાયા હતા. કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને પોષણ કીટ વહેંચવામાં આવી હતી. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. શહેર મામલતદાર તૃપ્તિબેન ગમિતે સ્વાગત પ્રવચન કર્યું હતું. શિક્ષિકા પ્રીતિબેન પટેલે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને બાળ વિકાસ યોજના અધિકારી નીલમબેન પટેલે આભાર માન્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *