પાર્ટી પ્લોટને ટક્કર મારતા શેરી ગરબા, 3 હજાર ખેલૈયાની કેપેસિટી:દીકરીઓની સુરક્ષા માટે ખાસ CCTV લગાવાયા, ઘરે પહોંચાડવા માટે ગાડીની વ્યવસ્થા

📅 Published: October 11, 2026 | 📂 Category: gujarati-news

માઁ આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે મહેસાણા જિલ્લામાં ખેલૈયાઓ, ગરબા આયોજકો અને પોલીસ તંત્ર ઉત્સાહભેર સજ્જ થઈ ગયા છે. મહેસાણા શહેરમાં સમય જતાં શેરી ગરબાઓનું સ્વરૂપ પણ બદલાયું છે અને આજે તે પાર્ટી પ્લોટ જેવા મોટા અને વિશાળ આયોજનોમાં ફેરવાઈ ગયા છે. મહિલાઓની સુરક્ષાને લઈ ખાસ આયોજન
આ વિશાળ શેરી ગરબાઓની ખાસિયત એ છે કે, ત્યાં ખેલૈયાઓ માટે કોઈ પણ પ્રકારની પાસ સિસ્ટમ રાખવામાં આવી નથી, જેથી તમામ ગરબા રસિકો મુક્તપણે ગરબે ઘૂમી શકે. ખાસ કરીને મહિલાઓ અને દીકરીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને સમગ્ર ગરબા પરિસરમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત મહિલાઓ માટે તમામ પ્રકારની પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાત્રે પોલીસનો કડક બંદોબસ્ત રહેશે
બીજી તરફ, સમગ્ર જિલ્લામાં ગરબા મહોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને ગરબા રસિકો સુરક્ષિત વાતાવરણમાં ઉત્સવ મણાવી શકે તે માટે મહેસાણા જિલ્લા પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. તમામ નવરાત્રિ મેદાન, પાર્ટી પ્લોટ અને શેરી ગરબાઓ ખાતે ખાસ પોલીસ તૈનાત કરવામાં આવશે. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ 3 ડીવાયએસપી, 21 પીઆઈ, 39 પીએસઆઈ તેમજ 760થી વધુ પોલીસકર્મીઓ અને હોમગાર્ડના જવાનો નવરાત્રિ દરમિયાન રાત-દિવસ ખડેપગે સેવા આપશે. એકસાથે 2થી 3 હજાર મહિલાઓ ગરબે રમી શકે તેવી જગ્યા: આયોજક
આયોજક દેવેશ પટેલે ‘સમર્પણ ગ્રુપ ઓફ મહેસાણા’ દ્વારા કરવામાં આવેલા આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું કે, આ વર્ષે સમર્પણ ગ્રુપના નવરાત્રિ મહોત્સવનું 26મું વર્ષ છે અને આ નિમિત્તે અત્યંત સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ગરબામાં આવતી મહિલાઓ અને દીકરીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે વિશેષ સીસીટીવી કેમેરા, ફાયર સ્ટેશનની બાજુમાં ટોયલેટ બોક્સ અને પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ આયોજનમાં એકસાથે 2થી 3 હજાર મહિલાઓ ગરબે રમી શકે તેવી વિશાળ જગ્યા, આકર્ષક રોશની અને લાઈટિંગ તથા સુવિધાજનક રસ્તાઓ તૈયાર કરાયા છે. ‘દીકરીને ઘરે પહોંચાડવા ગાડીની વ્યવસ્થા કરાઈ’
દર વર્ષની પરંપરા મુજબ આ વખતે પણ ગરબામાં પ્રવેશ માટે કોઈ પાસ રાખવામાં આવ્યા નથી. વધુમાં, ગરબા પૂર્ણ થયા બાદ મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચી શકે તે માટે સમર્પણ ગ્રુપ દ્વારા ખાસ 5 ગાડીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ, ગરબાના તાલ પર ઝૂમવા માટે ખેલૈયાઓ અધિરા બન્યા છે, તો સામે પક્ષે આયોજકો અને પોલીસ તંત્ર પણ સુરક્ષા અને સુવિધાઓ સાથે સજ્જ થઈ ચૂક્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *