પાલનપુર ખાતે પાટીદાર સમાજની દીકરીના પ્રકરણમાં તેના માતા-પિતા વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ તેમજ ગંભીર કાયદાકીય કલમોના ઉપયોગ સામે સરદાર પટેલ સેવા દળ (SPG) દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. SPGના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતમાં પાલનપુર ઘટનાની નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસ કરાવવાની માંગ કરાઈ છે. સાચા પીડિતને કાયદાકીય રક્ષણ મળે પરંતુ નિર્દોષ વ્યક્તિ સામે કાયદાનો દુરુપયોગ અટકે તે હેતુથી હકીકત અને પુરાવાના આધારે જ કાર્યવાહી કરવાની સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત, ભાગેડુ અને છુપાઈને થતા લગ્નો તેમજ તેના દુરુપયોગને અટકાવવા માટે લગ્ન નોંધણી કાયદા અને વહીવટી પ્રક્રિયામાં તાત્કાલિક કડક સુધારા કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. લગ્ન નોંધણી પહેલાં બંને પક્ષની ઓળખ, ઉંમર, વાસ્તવિક રહેઠાણ અને સ્વતંત્ર સંમતિની કાયદેસર ચકાસણી ફરજિયાત બનાવવાની તેમજ ‘મૈત્રી કરાર’ જેવા પ્રાવધાનોની સમીક્ષા કરી જરૂરી હોય તો તેને રદ કરવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ ભલામણ કરવાની માંગણી કરાઈ છે.
પાલનપુર ઘટના અંગે SPGની મૂખ્યમંત્રીને રજૂઆત:કાયદાના દુરુપયોગ સામે કાર્યવાહી અને લગ્ન નોંધણીના કાયદામાં સુધારાની માંગ
📅 Published: August 24, 2026 |
📂 Category: gujarati-news
