સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલા સુડા આવાસમાં છેલ્લા ઘણા વર્ષોથી ઉભરાતી ગટર અને ગંદકીના પ્રશ્ને સ્થાનિક રહીશોનું જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. સ્થાનિક લોકો દ્વારા સુરત મહાનગરપાલિકા તંત્ર તેમજ સ્થાનિક કોર્પોરેટરને વારંવાર લેખિત તથા ઓનલાઈન રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. માત્ર કામચલાઉ સફાઈ કરીને કામ આટોપી લેવાતું હોવાથી બીજા જ દિવસે ફરીથી ગટરના ગંદા પાણી રસ્તાઓ અને એપાર્ટમેન્ટના પરિસરમાં ભરાઈ જાય છે. ‘મચ્છરનો એટલો ઉપદ્રવ છે કે ભાઈને ડેન્ગ્યુ થયો’
સ્થાનિક રહીશ ધ્રુવીએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા પાંચ-છ વર્ષથી અહીં રહે છે અને ડ્રેનેજની ગંભીર સમસ્યા સતત ચાલુ જ છે. ગટરોના ગંદા પાણી ભરાઈ રહેવાથી મચ્છરોનો ઉપદ્રવ એટલો વધી ગયો છે કે તેમને અને તેમના ભાઈ સહિત પરિવારના સભ્યોને ડેન્ગ્યુ થઈ ગયો હતો. તંત્ર સમક્ષ વારંવારની માંગ છતાં કોઈ ઉકેલ ન આવતા રહીશો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ‘પાણીના નળમાંથી જીવડાં-અળસિયા નીકળે છે’
સ્થાનિક હિતેશકુમાર ખૈરેએ મહાનગરપાલિકાના કમિશનરને સંબોધીને રોષ વ્યક્ત કર્યો હતો કે, છેલ્લા 17-18 વર્ષથી તેઓ અહીં રહે છે છતાં નિયમિત કચરો વાળવા કે ઉપાડવા કોઈ કર્મચારીઓ આવતા નથી. ગટરો વારંવાર ચોકઅપ થઈને ઉભરાય છે અને ચોમાસામાં તો ઘૂંટણસમા ગંદા પાણીમાં રહેવું પડે છે. એટલું જ નહીં, પીવાના પાણીની લાઈનોમાં ગટરનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી ભળી જવાને કારણે નળમાંથી જીવડાં-અળસિયાં નીકળે છે. આવું પ્રદૂષિત પાણી પીવાથી લોકોને ઝાડા-ઊલટી અને ડાયેરિયા જેવા રોગો થતાં હોસ્પિટલના ધક્કા ખાવા પડી રહ્યા છે. ઉગ્ર આંદોલન કરવાની સ્થાનિકની ચીમકી
સ્થાનિક રહીશ યોગેશભાઈએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષથી આવી જ દુર્દશા છે. ઓનલાઈન ફરિયાદો કરવા છતાં કોઈ કર્મચારી ફરકતા નથી અને આવે તો માત્ર દેખાવ પૂરતી કામગીરી કરી જતા રહે છે. તેમના ઘરમાં પણ ડેન્ગ્યુના બે કેસ નોંધાયા છે. જો પાલિકા તંત્ર અને સંબંધિત વિભાગ દ્વારા વહેલી તકે નવી ડ્રેનેજ લાઈન અને યોગ્ય સફાઈની વ્યવસ્થા નહીં કરવામાં આવે, તો આવાસના તમામ રહીશો એકત્ર થઈ ઉચ્ચ કક્ષાએ ઉગ્ર આંદોલન અને રજૂઆત કરવાનો નિર્ણય કરી રહ્યા છે.
પાલના સુડા આવાસમાં ગટરના ગંદા પાણીનું સામ્રાજ્ય:ડેન્ગ્યુ-ઝાડાના રોગથી સ્થાનિકો ત્રાહિમામ, નવી ડ્રેનેજ લાઈન અને યોગ્ય સફાઈની વ્યવસ્થા ન કરવામાં આવે તો આંદોલનની ચીમકી
📅 Published: October 24, 2026 |
📂 Category: gujarati-news
