પાલીતાણા નગરપાલિકાની 3 કચરાની ગાડી ચોરી MP જતી ગેંગ ઝડપાઈ:ભાવનગર LCBએ 3 શખ્સોને દબોચી વાહનો જપ્ત કર્યા

📅 Published: October 22, 2026 | 📂 Category: gujarati-news

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે પાલીતાણા નગરપાલિકાની કચરો એકત્રિત કરવા માટે વપરાતી ત્રણ ગાડીઓની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પાલીતાણામાંથી ત્રણેય વાહનો ચોરી કરીને મધ્યપ્રદેશ તરફ લઈ જઈ રહેલા આંતરરાજ્ય ટોળકીના ત્રણ શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે નાકાબંધી કરીને ઝડપી લીધા છે. પોલીસે ત્રણેય વાહનો કબજે કરીને ઝડપાયેલા શખ્સોને આગળની કાયદેસરની કડક કાર્યવાહી અર્થે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યા છે. બાતમીના આધારે ગારીયાધાર રોડ પર વોચ ગોઠવી
ઘટનાની વિગતો અનુસાર ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં વણશોધાયેલા મિલકત સંબંધી ગુનાઓના શકમંદોની તપાસમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, પાલીતાણા નગરપાલિકાની કચરાની ત્રણ ગાડીઓ (નંબર GJ-11-VV-7677, GJ-11-VV-7529 તેમજ GJ-11-VV-7817) લઈને ત્રણ અજાણ્યા શખ્સો પાલીતાણા તરફથી ખોડવદરી ગામ થઈ નવાગામ બાજુથી ગારીયાધાર તરફ આવી રહ્યા છે. આ વાહનો ચોરીના હોવાની પ્રબળ શંકા હોવાથી એલસીબીની ટીમે તાત્કાલિક માર્ગ પર નાકાબંધી કરીને વોચ ગોઠવી હતી. દસ્તાવેજો ન મળતાં પૂછપરછમાં ચોરીનો ભાંડો ફૂટ્યો
પોલીસે શંકાસ્પદ વાહનો આવતાં જ ત્રણેય ગાડીઓને કોર્ડન કરીને અટકાવી હતી. વાહનો ચલાવી રહેલા અનિલ બાલુભાઈ ડામોર (રહે. મેઘનગર, જિ. ઝાબુઆ, મધ્યપ્રદેશ), કરન કૈલાશભાઈ ગરવાલ (રહે. સેમલીયા, તા. થાંદલા, જિ. ઝાબુઆ, મધ્યપ્રદેશ) અને અરવિંદ પુનમસીંગ બાંભોર (રહે. મેઘનગર, જિ. ઝાબુઆ, મધ્યપ્રદેશ) ની અટકાયત કરવામાં આવી હતી. તેમની પાસેથી વાહનોની આર.સી. બુક, બિલ કે અન્ય કોઈ આધાર પુરાવા માંગતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. મોડી રાત્રે પાલીતાણાથી ચોરી કરી MP ભાગવાની ફિરાકમાં હતા
પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં ત્રણેય આરોપીઓએ કબૂલાત કરી હતી કે, તેમણે 21 ઓક્ટોબરની મોડી રાત્રિના સુમારે પાલીતાણા ખાતેથી નગરપાલિકાના કચરા ભરવાના અશોક લેલેન્ડ ‘બડા દોસ્ત’ મોડેલના આ ત્રણેય વાહનોની ચોરી કરી હતી અને તેઓ તેને સગેવગે કરવા માટે મધ્યપ્રદેશ તરફ લઈ જઈ રહ્યા હતા. એલસીબીએ ત્રણેય વાહનો કબજે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ અને રિમાન્ડ મેળવવાની તજવીજ માટે પાલીતાણા ટાઉન પોલીસને હવાલે કર્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *