પિતાનું નામ ન રાખવા પાછળનું લોજિક શું:આત્મારામ તુકારામ ભીડેમાંથી વચલું નામ નીકળી જાય તો?; સરકારનું મીડલ નેમમાં મિસફાયર

📅 Published: September 8, 2026 | 📂 Category: gujarati-news

પૂરા નામ વિજય દીનાનાથ ચૌહાણ… મૈં ગોકુલધામ સોસાયટી કા એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડે… મેરા નામ જેઠાલાલ ચંપકલાલ ગડા… આ ડાયલોગ્સ લોકજીભે ગોખાઈ ગયા છે. વાત છે આખા નામની. ગુજરાત સરકારે એડવાઈઝરી જાહેર કરીને કહી દીધું કે બાળકના નામ પાછળ પિતાનું નામ લખવું ફરજિયાત નથી. આ નિર્ણયથી આજે નહીં તો કાલે, સમાજ વ્યવસ્થાની ધરી બદલાઈ જશે એ નક્કી. આખરે ગુજરાત સરકારે આ નિર્ણય કેમ કર્યો, તેની અસર શું થશે? જાણીશું ગુજરાત એક્સપ્લેનરમાં… સવાલ-1 : ગુજરાત સરકારે શું નિર્ણય લીધો?
જવાબ : કોઈના ઘરે બાળક જન્મે, પછી ભલે એ દીકરો હોય કે દીકરી. મ્યુનિસિપલ કોર્પોરેશન કે પાલિકાની ઓફિસે પહોંચીને બર્થ સર્ટિફિકેટ કઢાવવાનું હોય. હરખથી પહોંચેલા પિતા સંતાનનું નામ લખાવે, પછી પોતાનું નામ લખાવે. આ પરંપરા આજકાલની નથી, વર્ષોથી ચાલી આવે છે. હવે ગુજરાત સરકારે એક ઝાટકે આ પરંપરાના વટવૃક્ષને કુહાડી મારીને ધ્વસ્ત કરી નાખ્યું છે. સરકારના આરોગ્ય વિભાગના જન્મ-મરણ વિભાગના મુખ્ય રજીસ્ટ્રારે 2 સપ્ટેમ્બર, 2026ના દિવસે એકાએક નોટિફિકેશન બહાર પાડ્યું. તેમાં કેટલીક એડવાઈઝરી હતી, તેમાંથી ચાર મુખ્ય એડવાઈઝરી આ રહી… આ સિવાય પણ કેટલીક સૂચના લખેલી છે. જેમ કે, 10 મહિના પહેલાં 25 નવેમ્બર, 2025એ જાહેર થયેલા નોટિફિકેશનમાં આ એડવાઈઝરી હતી… વિધાનસભાનું સત્ર ચાલતું નથી. કોઈ પોલિટિકલ માહોલ નથી. સરકારે એકાએક દરેક વ્યકિતને અસરકર્તા નિર્ણય લઈ લીધો. સવાલ-2 : સરકારે એકાએક આવો નિર્ણય કેમ લેવો પડ્યો?
જવાબ : હવે ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે. ગણપતિ બાપ્પાની મૂર્તિના બુકીંગ ચાલુ છે. પણ હોળીના કલરનું શું? પિચકારી ક્યાંથી લેવાની? વેઈટ, વેઈટ… આવું વિચિત્ર વાંચીને એવું ન માની લેતા કે લખાણમાં ભુલ છે. ગણપતિ બાપ્પા અને હોળીને સીધું કે આડકતરું કોઈ કનેક્શન નથી. ગુજરાત સરકારે આવું જ કાંઈક કરી નાખ્યું. સવાર પડી નથી ને મનફાવે તેવા નોટિફિકેશન બહાર પાડ્યા નથી.
2 સપ્ટેમ્બર, 2026એ લોકો હરવા-ફરવાના મૂડમાં હતા, વીકએન્ડ અને જન્માષ્ટમીનો પ્લાન કરતા હતા એવામાં ગુજરાત સરકારના આરોગ્ય વિભાગને સૂરાતન ચડ્યું ને નોટિફિકેશન જાહેર કરી નાખ્યું. રજાનો માહોલ અને વીકએન્ડ છે એટલે કોઈના ધ્યાનમાં આ વાત ખાસ આવશે નહીં. એવું સરકારે માની લીધું. થયું પણ એવું જ. સમાચાર દબાઈ ગયા. જોઈએ એવા ગાજ્યા નહીં.
સરકારે આવો નિર્ણય લીધો તેની પાછળના કેટલાક કારણો હોવાનું મનાય છે. પણ આ નોટિફિકેશનનો અમલ કેટલા લોકો કરે છે, તેની લોકોમાં અવેરનેસ કેટલી આવે છે અને સમાજ વ્યવસ્થામાં તેની ઊંડી અસર દેખાશે કે નહીં, તે જોવાનું છે. સવાલ-3 : આ નિર્ણયની સમાજ વ્યવસ્થા પર શું અસર પડશે?
જવાબ : આપણે ત્યાં ફિલ્મી ડાયલોગ્સના કારણે પણ પૂરાં નામ બોલવાનો ટ્રેન્ડ છે. જેમ કે, અગ્નિપથમાં અમિતાભ બચ્ચનનો ડાયલોગ ‘વિજય દીનાનાથ ચૌહાણ’ લોકજીભે આજે પણ ચઢેલો છે. એટલે જ્યારે પણ લોકો પોતાનું નામ બોલતાં ત્યારે આખું નામ જ બોલવા લાગ્યા. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલે પણ આખા નામ લેવાની પ્રથા ચાલુ રાખી. ‘આત્મારામ તુકારામ ભીડે’ કે પછી ‘જેઠાલાલ ચંપકલાલ ગડા’ અને ‘ચંપકલાલ જયંતીલાલ ગડા’… આ રીતે પિતાના નામ સાથે પૂરાં નામ લેવાનો ટ્રેન્ડ ફિલ્મ અને સિરિયલોમાં જળવાઈ રહ્યો. આ ટ્રેન્ડના કારણે એવું માઈન્ડ સેટ થઈ ગયું છે કે લોકો આત્મારામ ભીડે બોલે તો ‘તુકારામ’ આપોઆપ બોલાઈ જાય. હકીકતે તો આ સાચી પરંપરા છે. સંપૂર્ણસિંહ કાલરાનું જ ઉદાહરણ લઈ લો. આ બોલિવુડના દિગ્ગજ ગીતકાર ને મૂઠી ઊંચેરા કવિનું નામ છે. બધા તેને ગુલઝારના નામથી ઓળખે. તેની દીકરી બોલિવુડમાં ડાયરેક્ટર બની. રાઝી જેવી સુપરહીટ ફિલ્મો આપી. તેણે પોતાની અટક પણ નથી લગાવી. તે મેઘના ગુલઝારથી જ ઓળખાય છે. એ એટલા માટે કે લોકો તેને તેના પિતાના નામથી ઓળખે. પિતાના નામથી ઓળખાય તેના સંતાનોનું તો લિસ્ટ લાંબુ લચક છે. અર્જુન તેંડુલકર કોણ? સચિનનો દીકરો. અનંત અંબાણી કોણ? મુકેશભાઈનો દીકરો. રણબીર કપૂર કોણ? ઋષિ કપૂરનો દીકરો. આથિયા શેટ્ટી કોણ? સુનીલ શેટ્ટીની દીકરી. દીપિકા પાદુકોણ કોણ? પ્રકાશ પાદુકોણની દીકરી… પણ સવાલ એ છે કે આ સરકારી નિર્ણયની સમાજ વ્યવસ્થા પર શું અસર પડશે? તેના જવાબમાં લોકભારતી યુનિવર્સિટીના કુલપતિ અને શિક્ષણવિદ્દ ડૉ. ભદ્રાયુ વછરાજાની કહે છે, ગુજરાત સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે તે કસમયનું છે. તેની સોશિયલ ઈમ્પેક્ટ શું થશે, તે વિચારવા જેવું છે. આપણે લોકો લગ્નપ્રથાથી ઊંધી દિશામાં ચાલી રહ્યા છીએ. લીવ-ઈન રિલેશનશિપને એસ્ટાબ્લિશ કરી રહ્યા છીએ. ત્યારે પોતાના નામ પાછળ પિતાનું નામ લખવાની જરૂર નથી. એવું નોટિફિકેશન લોકોને દ્વિધામાં નાખે છે. ભદ્રાયુભાઈ એમ પણ કહે છે કે, કોઈએ લવ મેરેજ કર્યા હોય પણ તેને સમાજ તો જ સ્વીકારે છે જ્યારે બંનેના મા-બાપ તેની સાથે સહમત હોય. જો મા-બાપના આધારે પ્રેમલગ્નને રજીસ્ટર કરવાનું નક્કી કરી શકાતું હોય તો સંતાનના નામની પાછળ પિતાનું નામ પણ ન લખો તો ચાલે, એવું કહેવા પાછળનો શું ઉદ્દેશ હશે તે જ સમજાતું નથી. બીજી વાત એ કે, ભારતમાં નાગરિકત્વ માટેના ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે આપણા પિતાજી ક્યાં જન્મ્યા હતા ત્યાંના સર્ટિફિકેટો માગવામાં આવે છે. આવા સમયે પિતાનું નામ ન લખવું, તેના બદલે માતાનું નામ લખવું અથવા કોઈનું નામ ન લખવું, તેનો નિર્ણય આવશ્યકતા વગરનો લાગે છે. આપણને એ પણ ખ્યાલ છે કે નામમાં, પિતાના નામમાં કે અટકમાં સ્પેલિંગમાં પણ ભૂલ હોય તો આપણે એમ કહીએ છીએ કે બધે એકસરખો સ્પેલિંગ હોવો જોઈએ. સ્પેલિંગની બાબતમાં ચીકાશ કરતાં હોઈએ, તો પિતાનું નામ લખવું મરજિયાત છે, તેવું કહેવા પાછળનો ઉદ્દેશ શું હશે, એ તો નિર્ણય લેનારા જ કહી શકે. ડૉ. ભદ્રાયુ વછરાજાની કહે છે, એક તરફ આપણે સનાતન ધર્મના ઢોલ પીટીએ છીએ ત્યારે આ નિર્ણય કેટલો વજૂદવાળો છે તે વિચારવા જેવું છે. આવા સામાજિક અસરકર્તા નિર્ણયો લેતાં પહેલાં સરકારે સમાજનું પ્રતિનિધિત્વ કરતા પાંચ, સાત કે અગિયાર લોકોની સમક્ષ જવું જોઈએ અને આની અસર શું થશે, તે પહેલાં વિચારવું જોઈએ. બર્થ સર્ટિફિકેટમાં કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં પિતાનું નામ નહીં હોય તો ભવિષ્યમાં કેવા પ્રત્યાઘાતો પડશે, તે વિચારવાની જરૂર છે. સરકારે શાંત જળમાં કાંકરો ફેંકીને વમળો પેદા કર્યા છે. આપણે તો જન્મ દેનાર મા અને પિતા બંનેનું સરખું અસ્તિત્વ સ્વીકારીએ. બંનેને સાથે રાખીએ. હવેની યુવતીઓમાં ટ્રેન્ડ છે કે લગ્ન પછી પીયરની અટક રાખે અને સાસરિયાંની અટક પણ રાખે. આ ટ્રેન્ડ સેટ થઈ ગયો છે. મારું માનવું છે કે આપણે આપણા પોતાના નામ પાછળ પિતા અને માતા બંનેના નામ ને પછી અટક લખીએ તે વધારે સારું છે. મારો જ દાખલો આપું તો મને માત્ર ભદ્રાયુ તરીકે નહીં પણ ભદ્રાયુ વિનાયક હંસા વછરાજાની તરીકે ઓળખવામાં આવે, તેમાં સમાજનું જ ગૌરવ છે. ભદ્રાયુભાઈએ પોતાનો મત રજૂ કર્યો પણ સમાજશાસ્ત્રી પોતાનો અલગ દ્રષ્ટિકોણ દર્શાવીને યોગ્ય-અયોગ્યનો મત આપે છે. સવાલ-4 : સરકારે કરેલો આ નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય?
જવાબ : ગુજરાતમાં આ ચર્ચાનો મુદ્દો હોવો જોઈએ. કારણ કે જો પોતાના નામ પાછળ પિતાનું નામ લખેલું નહીં હોય તો મિલકત વહેંચણી વખતે ડખા ઊભા થશે એ નક્કી. પિતા એમ પણ કહી શકે કે તારા કોઈ ડોક્યુમેન્ટમાં તારી પાછળ મારું નામ નથી એટલે તને એક રૂપિયો ય નહીં મળે. સિક્કાની બીજી બાજુ એવી છે કે મીડલ ક્લાસ કે લોઅર મીડલ ક્લાસ ફેમિલીનો પુરૂષ પહેલેથી જ પિસાતો આવે છે. અગાઉના સમયમાં તો પિતા વીલ બનાવીને જતા અને સંતાનોને સંપત્તિ વહેંચી દેતા. પણ હવેના મીડલ ક્લાસ પિતા પાસે એવી તગડી સંપત્તિ જ નહીં હોય કે આગળ જતાં તેના સંતાનના નામે કરતા જાય. એટલે મીડલ ક્લાસ પિતા લાંબું વિચારીને જ પોતાના સંતાનના નામ પાછળ પોતાનું નામ નહીં લખાવે. કારણ કે તે મોટો થઈને ભાગ માગશે તો આપશે શું? જે છે તે બધું છોકરો લઈ જશે તો પોતે બાકીનું જીવન કરશે શું? દ્વિધા ઘણી છે. સમાજશાસ્ત્રી ડૉ. ગૌરાંગ જાની કહે છે, હું માનું છું કે આ પ્રકારનો સુધારો બહુ મોડો આવ્યો. આ વહેલું કરવાની જરૂર હતી. સરકાર પરિપત્ર બહાર પડે પછી જ આપણે જાગીએ છીએ. તે મોર્ડન ગુજરાત માટે આશ્ચર્યજનક છે. આપણને મેળે કેમ નથી થતું કે, આપણી પાછળ આપણા પિતાનું નામ કેમ? માતાનું નામ કેમ નહીં? આપણી સમાજ વ્યવસ્થા એવી જડ બનાવી દીધી છે કે લોકોના મનમાં ચોક્કસ બાબતો ઘર કરી ગઈ છે. કોઈપણ ફોર્મ ભરવા જાવ તો પહેલાં M લખ્યું હશે ને પછી F લખ્યું હશે. મેલ અને ફિમેલ. કોણે કહ્યું કે પહેલાં જ મેલ લખવાનું? ડૉ. ગૌરાંગ જાની આગળ વાત કરતાં કહે છે કે, આપણે સ્ત્રીઓને પ્રોપર્ટી તો આપતા જ નથી. તે પુરૂષ પાસે જ રહે છે. એટલે સરકારે ચૂંટણી પહેલાં ઢંઢેરામાં કહેવું જોઈએ કે જો અમે સત્તા પર આવીશું તો સ્ત્રીઓને મિલકતનો અધિકાર મળે તે અમારી પ્રાથમિકતા છે. આ તો પુરુષ પ્રથા આપણે ત્યાં બની ગઈ છે. સંવિધાનમાં પણ લખેલું છે કે મિલકતમાં સ્ત્રીઓ સરખા ભાગે હિસ્સેદાર છે. અમદાવાદના ત્રણ દરવાજાની જ વાત કરું. ભદ્રકાળીથી જાવ તો જમણી બાજુના છેલ્લા દરવાજામાં તકતી છે. 200 વર્ષ પહેલાંની તકતીમાં એવો ઉલ્લેખ છે કે મિલકતમાં મહિલાઓને સરખો ભાગ હોવો જોઈએ. એ સમયે આ વિચારધારા હતી. હવે સરકારે પણ પોતાની ઓફિસોમાં સૂચના આપીને પ્રથા બદલવી પડશે. કારણ કે આજે કોઈપણ સરકારી ઓફિસમાં જાવ તો તમારું નામ પૂછે ને પછી પિતાનું નામ પૂછે. હેલ્થ વિભાગવાળા ઘરે આવે ને મહિલા બારણું ખોલે તો પહેલો સવાલ એ પૂછે કે ઘરના મોભી ક્યાં છે? જે મહિલાએ બારણું ખોલ્યું એ પણ મોભી છે. તમે પુરૂષને જ કેમ મોભી માનો છો? એટલે સરકારે જ આમાંથી બહાર નીકળવું પડશે. સરકારે નોટિફિકેશન તો બહાર પાડી દીધું પણ હવે આનો જોરશોરથી પ્રચાર કરવો પડશે. આપણે ત્યાં અધ્યાપક બનવા માટે જી-સેટની એક્ઝામ લેવાય છે તેના રિઝલ્ટમાં કેન્ડીડેટની સાથે માતાનું નામ લખાય છે. પિતાનું પણ હોય છે પણ માતાના નામને પ્રાધાન્ય અપાય છે. ગૌરાંગભાઈ કહે છે, સંજય લીલા ભણશાલી જેવી સેલિબ્રિટીઝ જેણે પોતાના નામ પાછળ માતાનું નામ લખ્યું છે તેવા લોકોને શોધીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને પ્રચાર કરવો જોઈએ. આ તો ગુજરાતની વાત થઈ. પણ ભારતમાં કે બીજા દેશોમાં આવી કોઈ પ્રથા છે કે નહીં, તે પણ જાણવું જરૂરી છે. સવાલ-5 : પિતાનું નામ ન લખવાની પરંપરા ભારતના બીજા રાજ્યો કે અન્ય દેશોમાં છે?
જવાબ : બ્રિટિશ શાસન હતું ત્યારે અને બ્રિટિશ શાસન પછી પણ નોકરશાહીમાં કામ કરનારા લોકો પોતાની ઓળખ, ખાસ કરીને વંશ બતાવવા માટે પિતાનું નામ લખતા. જેથી બ્રિટિશ રેકોર્ડમાં પેઢીઓને જોડી શકાય. આઝાદી પછી પિતાના નામ પછી અટક લખવાની શરૂઆત થઈ અને તેમાંથી જ જ્ઞાતિવાદનો ઉદ્દભવ થયો. પણ નામ પાછળ પિતાનું નામ લખવાની પ્રથા બ્રિટિશકાળથી ઘૂસી ગઈ હતી.
પણ ભારતના બીજા રાજ્યોની વાત કરીએ તો- આ તો થઈ ભારતની વાત, વિશ્વના દેશોમાં આવી કોઈ પ્રથા છે કે કેમ, તે વાંચો- વાત બોલિવુડની કરીએ તો, ફિલ્મ સ્ટાર્સમાં માતા અને પિતા બંનેની અટક લગાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે દીકરીનું નામ માલતી મૈરી ચોપરા જોનાસ રાખ્યું છે. આમિર ખાન અને કિરણ રાવે પુત્રનું નામ આઝાદ રાવ ખાન રાખ્યું તો નેહા ધૂપિયા અને અંગદ બેદીએ દીકરીનું નામ મેહર ધૂપિયા બેદી રાખ્યું. મંદિરા બેદીએ ગત વર્ષ દીકરીને દત્તક લીધી હતી, જેનું નામ તારા બેદી કૌશલ પાડ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *