નવેમ્બર 2021માં બજાણા પોલીસ ગેડિયા ગામે રહેતા હનીફ ખાન મલેકને પકડવા ખાનગી વાહનોમાં પહોંચી હતી. આ દરમિયાન હનીફ ખાન અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. પોલીસે હનીફ ખાન અને તેના 13 વર્ષના પુત્ર મદીનખાન પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાને પિતા-પુત્રનું એન્કાઉન્ટર ગણાવવામાં આવ્યું હતું. આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો. તેની તપાસ માટે એક SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) બનાવવામાં આવી હતી. ધાંગધ્રાના ડીવાયએસપી જુગલ પુરોહિતને તેના મુખ્ય અધિકારી બનાવાયા હતા. હનીફ ખાન અને મદીનખાનના એન્કાઉન્ટર કેસમાં વકીલે પુરાવા રજૂ કર્યા હતા. પોલીસે દાવો કર્યો હતો કે તેમણે આત્મરક્ષણ માટે ફાયરિંગ કર્યું હતું. જોકે, તપાસ અને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ના પુરાવા મળ્યા પછી જાણવા મળ્યું કે મૃતકો દ્વારા માત્ર બોલાચાલી કરવામાં આવી હતી. પોલીસે જે ધારિયા વડે હુમલો થયો હોવાનું જણાવ્યું હતું, તેના પર લોહીના કોઈ નિશાન મળ્યા ન હતા. FSL રિપોર્ટમાં પણ આ વાત સાબિત થઈ હતી. કોર્ટે PSI વી.એન. જાડેજા સહિત સાત પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. SIT ટીમને તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા કહેવામાં આવ્યું હતું. જોકે, ફરિયાદ દાખલ થયા પછી ધાંગધ્રા ડીવાયએસપી જુગલ પુરોહિતે ચાર્જશીટ રજૂ કરવાને બદલે કેસમાં સમરી (બંધ કરવાની અરજી) ભરી દીધી હતી. વકીલે કોર્ટમાં તેનો વિરોધ કર્યો. પાટડી કોર્ટે આ સમરી રદ કરી દીધી હતી. પાટડી કોર્ટે સમરી રદ કરીને કેસ આગળ ચલાવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ, ડીવાયએસપી જુગલ પુરોહિતે આ અંગે ધાંગધ્રા કોર્ટમાં રિવિઝન અરજી કરી હતી. આ રિવિઝન અરજી પર કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા અને જરૂરી પુરાવા તપાસ્યા. પુરાવાના આધારે, કોર્ટે ડીવાયએસપી દ્વારા કરાયેલી રિવિઝન અરજી ફગાવી દીધી છે. કોર્ટે કેસ આગળ ચલાવવાના આદેશ આપ્યા છે. કોર્ટે રિવિઝન અરજી ફગાવી – પુનિત દવે, વકીલ ધાંગધ્રા ડીવાયએસપી જુગલ પુરોહિત દ્વારા સમરી ભરવામાં આવતા દલીલો કરવામાં આવી હતી. કોર્ટે બંને બાજુના પુરાવાઓ જોઈને સમરી રદ કરી નાખી હતી અને ચાર્જસીટ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યા હતા. આ અંગે હવે કેસ આગળ વધી રહ્યો છે. ત્યારે ધાંગધ્રા કોર્ટમાં રિવિઝન અરજી પણ દાખલ કરવામાં આવી હતી તે પણ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. હાલના તબક્કામાં કોર્ટ દ્વારા પુરાવાઓને ધ્યાને લઈને આગળ સુનવણી હાથ ધરવામાં આવી રહી છે.
પિતા-પુત્રના એન્કાઉન્ટર કેસમાં ડીવાયએસપીની રિવિઝન અરજી કોર્ટે ફગાવી:પોલીસે હનીફ ખાન અને 13 વર્ષના પુત્ર પર ફાયરિંગ કર્યું હતું
📅 Published: September 5, 2026 |
📂 Category: gujarati-news
