પી.એમ. કિસાન યોજનાના લાભાર્થીઓ માટે ઈ-કેવાયસી ફરજીયાત:વાર્ષિક ઈ-કેવાયસી કરાવ્યા પછી જ મળશે સહાય, જાણો 4 રીત

📅 Published: September 1, 2026 | 📂 Category: gujarati-news

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા પાત્ર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય ત્રણ સરખા હપ્તામાં મળે છે. ભારત સરકારની નવી સૂચના મુજબ, પી.એમ. કિસાન યોજનામાં નોંધાયેલા તમામ પાત્ર ખેડૂતો માટે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવવું ફરજીયાત કરાયું છે. જેમાં દરેક નાણાકીય વર્ષના પહેલા હપ્તા (એપ્રિલથી જુલાઈ) આપતા પહેલાં લાભાર્થીએ વાર્ષિક ઈ-કેવાયસી કરાવવાનું રહેશે. જે લાભાર્થીઓ બાયોમેટ્રિક કે ફેસ ઓથેન્ટિકેશનથી ઈ-કેવાયસી પૂરું કરશે, તેવા પાત્ર લાભાર્થીઓને જ પી.એમ. કિસાન યોજનાની સહાય મળશે. આથી, ચાલુ નાણાકીય વર્ષ 2026-27નું વાર્ષિક ઈ-કેવાયસી પૂરું કરવા તમામ પી.એમ. કિસાન લાભાર્થી ખેડૂતોને વિનંતી છે. ઈ-કેવાયસી કરવાની 4 રીત છે: 1. ગ્રામ્ય કક્ષાએ: ગ્રામસેવક કે વિલેજ નોડલ ઓફિસર PM-KISAN મોબાઈલ એપ વાપરીને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી શકશે. 2. CSC/ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે: લાભાર્થીઓ નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા ઈ-ગ્રામ કેન્દ્ર પર જઈને બાયોમેટ્રિક કે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી શકશે. 3. લાભાર્થી દ્વારા જાતે: લાભાર્થી PM-KISAN મોબાઈલ એપમાં “Login → Login Type → Beneficiary” વિકલ્પ પસંદ કરીને પોતાના આધાર નંબર કે રજીસ્ટ્રેશન નંબર દ્વારા ફેસ ઓથેન્ટિકેશનથી પોતાનું અને બીજા 100 લાભાર્થીઓનું ઈ-કેવાયસી કરી શકશે. 4. તાલુકા કક્ષાના લોગિન દ્વારા: તાલુકા લોગિન આઈડીમાં “Correction Module → Biometric e-KYC PM Kisan” વિકલ્પમાં જઈને બાકી રહેલા લાભાર્થીઓનું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા વાર્ષિક ઈ-કેવાયસી કરાવી શકાશે. ઈ-કેવાયસીની પ્રક્રિયા માટે લાભાર્થીનું આધારકાર્ડ જરૂરી છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત કચેરી અને ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક (ખેતી)નો સંપર્ક કરવા જણાવાયું છે. આથી પાટણ જિલ્લાના પી.એમ. કિસાન યોજનાના તમામ પાત્ર લાભાર્થી ખેડૂતોને ચાલુ નાણાકીય વર્ષ 2026-27નું વાર્ષિક ઈ-કેવાયસી સમયસર પૂરું કરીને યોજનાનો લાભ ચાલુ રાખવા વિનંતી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *