કચ્છના ધોળાવીરાની 4,500 વર્ષથી વધુ જૂની પથ્થરની શિલ્પકૃતિ ફરી ચર્ચામાં આવી છે. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયે ધોળાવીરાથી મળેલી વિશાળ બેઠેલી પુરુષ પ્રતિમાને ‘સિંધુ-સરસ્વતી સંસ્કૃતિની સમગ્ર વિસ્તૃત ભૂમિમાંથી જાણીતી સૌથી મોટી પથ્થરની શિલ્પકૃતિ’ તરીકે રજૂ કરી છે. મંત્રાલયે પ્રતિમાની તસવીર સાથે કરેલી રજૂઆતમાં ધોળાવીરાને સિંધુ-સરસ્વતી સંસ્કૃતિના શ્રેષ્ઠ નગરકેન્દ્રોમાંનું એક ગણાવ્યું છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ શિલ્પકૃતિ 4,500 વર્ષથી વધુ જૂની વિકસિત પથ્થર કોતરણીની કલાત્મક પરંપરાનો પુરાવો છે. સંસ્કૃતિ મંત્રાલયની રજૂઆતને ક્વોટ કરતાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણે પણ આ શિલ્પકૃતિના મહત્વને રેખાંકિત કર્યું છે. પુરાતત્ત્વ સર્વેક્ષણના જણાવ્યા પ્રમાણે, 4,500 વર્ષથી વધુ પહેલાં ધોળાવીરાના કારીગરોએ પથ્થરને એક નોંધપાત્ર કલાત્મક કૃતિમાં પરિવર્તિત કર્યો હતો. બેઠેલી પુરુષ આકૃતિ, હાથ ઘૂંટણ પર આકૃતિ બેઠેલી સ્થિતિમાં છે. તેનો આધાર સપાટ છે. બંને હાથ ઘૂંટણ પર રાખેલા છે અને બંને ઘૂંટણ ઊંચા તથા એકબીજાથી અલગ રાખવામાં આવ્યા છે. પ્રતિમા છિદ્રાળુ ચૂનિયુક્ત રેતપથ્થરમાંથી બનાવવામાં આવી હતી. શિલ્પમાં માનવ શરીરને વાસ્તવિક સ્વરૂપ આપવાનો પ્રયાસ જોવા મળે છે. શિલ્પ સંપૂર્ણ સ્થિતિમાં નથી. માથા સહિતના કેટલાક ભાગો અખંડ ન હોવાથી તેનું મૂળ સંપૂર્ણ સ્વરૂપ આજે જાણી શકાય તેમ નથી. ‘હા, ધોળાવીરાનું આ શિલ્પ હડપ્પન સભ્યતાનું સૌથી મોટું’
ધોળાવીરાના ખોદકામ સાથે લાંબા સમયથી જોડાયેલા પુરાતત્ત્વવિદ્ આર. એસ. બિષ્ટે ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં સંસ્કૃતિ મંત્રાલયના દાવાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ધોળાવીરામાંથી મળેલી આ બેઠેલી પુરુષ શિલ્પકૃતિ હડપ્પન સભ્યતામાં જાણીતી સૌથી મોટી પથ્થરની શિલ્પકૃતિ છે. બિષ્ટના જણાવ્યા પ્રમાણે આ શિલ્પની ઊંચાઈ 68 સેન્ટિમીટર છે. તેમણે તેની સરખામણી મોહેંજો-દડોથી મળેલી પ્રસિદ્ધ ‘પુરોહિત-રાજા’ (પ્રાઇસ્ટ કિંગ)ની શિલ્પકૃતિ સાથે કરતાં જણાવ્યું હતું કે તે કદમાં ઘણી નાની છે. ‘પુરોહિત-રાજા’ શિલ્પકૃતિની ઊંચાઈ માત્ર 17.5 સેન્ટિમીટર છે, જ્યારે ધોળાવીરાનું શિલ્પ 68 સેન્ટિમીટર ઊંચું છે. – આર. એસ. બિષ્ટ, વરિષ્ઠ પુરાતત્વવિદ કિલ્લાના પૂર્વ દ્વાર નજીક મળી હતી શિલ્પકૃતિ
આ શિલ્પકૃતિ ધોળાવીરાના કિલ્લાના પૂર્વ દ્વાર નજીકના વિસ્તારમાં થયેલા ખોદકામ દરમિયાન મળી હતી. આર. એસ. બિષ્ટના નેતૃત્વ હેઠળ થયેલા ખોદકામનો સત્તાવાર અહેવાલ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણે પ્રકાશિત કર્યો છે. આ માનવાકાર શિલ્પકૃતિ બેઠેલી પુરુષ આકૃતિ તરીકે વર્ણવાય છે. ઉપલબ્ધ પુરાતત્ત્વીય વર્ણનોમાં આ શિલ્પના કેટલાક ભાગો ખંડિત હોવાનું પણ નોંધાયું છે. આ શિલ્પકૃતિ મળવી પોતે જ મહત્વપૂર્ણ છે, કારણ કે સિંધુ-સરસ્વતી સંસ્કૃતિના અનેક સ્થળોની તુલનામાં આવી માનવાકાર પથ્થરની કૃતિઓની સંખ્યા મર્યાદિત છે.
પુરુષ પ્રતિમા સિંધુ-સરસ્વતી સંસ્કૃતિની સૌથી મોટી શિલ્પકૃતિ જાહેર:4,500 વર્ષ જૂની ધોળાવીરાની પથ્થરની શિલ્પકૃતિને કેન્દ્રની ‘મોટી’ નવી ઓળખ
📅 Published: August 24, 2026 |
📂 Category: gujarati-news
