ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા એક વિવાદિત નિવેદનને લઈને બ્રહ્મસમાજ અને કર્મકાંડી સમાજમાં ભારે રોષ અને અસંતોષની લાગણી વ્યાપી ગઈ છે. શંકરસિંહ વાઘેલાએ આદિવાસીઓનું મેલું ઉપાડો તો મહિને રૂ.50,000 આપું તેવું બ્રાહ્મણ, વાણિયા અને પાટીદારો વિરુધ્ધનું નિવેદન આપતા ભારે રોસ જોવા મળી રહ્યો છે. રાજકોટના બ્રહ્મ સમાજે વાઘેલા સામે વિરોધ નોંધાવી જો ત્રણ દિવસમાં શંકરસિંહ માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન કરી તેમના નિવાસ્થાને વસંત વગડો પર જઈ વિરોધ કરવાની ચિમકી ઉચ્ચારી છે. બ્રહ્મસમાજના અગ્રણી હિરેન જોષીએ જણાવ્યું હતું કે, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી જેવા જવાબદાર પદે રહી ચૂકેલી વ્યક્તિ આવું વિવાદિત નિવેદન આપે તે અત્યંત અયોગ્ય છે. આ પ્રકારના નિવેદનોથી વર્ગવિગ્રહ અને આંતરવિગ્રહ ફેલાવવાનો સ્પષ્ટ ઉદ્દેશ્ય દેખાઈ રહ્યો છે.તેમણે આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, રાજકીય પક્ષો અને નેતાઓ પોતાના રાજકીય રોટલા શેકવા માટે સમાજમાં અંદરોઅંદર લડાવવાનું કામ કરી રહ્યા છે. પહેલાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે લડાઈ કરાવાતી હતી અને હવે સમાજ – સમાજ વચ્ચે આંતરવિગ્રહ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ હોય કે કોંગ્રેસ બંને પક્ષો વર્ગ વિગ્રહ ફેલાવી રહ્યા છે. બ્રહ્મસમાજ દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે, જો આગામી 3 દિવસની અંદર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પોતાના આ નિવેદન બદલ જાહેરમાં માફી નહીં માંગે તો સમાજ દ્વારા આગળની રણનીતિ ઘડીને વસંત વગડા સુધી વિરોધ પ્રદર્શન અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
પૂર્વ CMના મેલુ ઉપાડવાના નિવેદન સામે રોષ:શંકરસિંહ 3 દિવસમાં માફી નહીં માંગે તો બ્રહ્મ સમાજ આંદોલન કરશે, વસંત વગડો જવાની ચિમકી
📅 Published: October 3, 2026 |
📂 Category: gujarati-news
