ઈરાને આશરે 8 મહિના બાદ ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. હવે ભારતીય જહાજો આ માર્ગ પરથી કોઈપણ રોકટોક વિના પસાર થઈ શકશે. ઈરાને ચીન, ઈરાક અને કતારનાં જહાજોને પણ આ છૂટ આપી છે. 28 ફેબ્રુઆરીથી આ માર્ગ પર જહાજોની અવરજવર પર પ્રતિબંધો લાગુ હતા. ભારત પોતાના કુલ ક્રૂડ ઓઈલની આયાતમાંથી આશરે 40% આ જ માર્ગેથી મંગાવે છે. ઈરાનની સમાચાર વેબસાઇટ ઈરાનવાયર અને અનાદોલૂ એજન્સીના અહેવાલ અનુસાર, ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના ઉપાધ્યક્ષ અહમદ હયાત-મોગદ્દમે મંગળવારે આ માહિતી આપી હતી. ભારતને દવાઓના સપ્લાય માટે મળી છૂટ અહેવાલ મુજબ, ઈરાને ભારતને આ છૂટ એટલા માટે આપી છે, જેથી તેને ભારત પાસેથી દવાઓ મળતી રહે. બીજી તરફ, ચીનને છૂટ આપવા પાછળ ઈરાનની આશા છે કે મુશ્કેલ સમયમાં બેઇજિંગ તેને રાજકીય રીતે સાથ આપશે. જોકે, ભારતીય અને ચીની જહાજોએ હોર્મુઝમાંથી પસાર થવા માટે પૈસા ચૂકવવા પડશે. બીજી તરફ, કતારનાં જહાજો કોઈપણ ચાર્જ ચૂકવ્યા વિના આ માર્ગ પરથી પસાર થઈ શકશે. ઇરાકને કયા કારણોસર છૂટ આપવામાં આવી છે, તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. ભારત માટે હોર્મુઝ સ્ટ્રેટ શા માટે મહત્વપૂર્ણ છે ભારત પોતાની જરૂરિયાતનું 85%થી વધુ ક્રૂડ ઓઈલ અન્ય દેશોમાંથી ખરીદે છે. તેમાંથી આશરે 40% હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈને આવે છે. સાઉદી અરેબિયા, ઇરાક, કુવૈત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા દેશોમાંથી ભારત આવતાં ઓઈલ માટે આ એક મહત્વપૂર્ણ માર્ગ છે. જો ભારત દરરોજ 50 લાખ બેરલ ક્રૂડ ઓઈલ વિદેશોમાંથી મંગાવે છે, તો તેમાંથી આશરે 20 લાખ બેરલ ઓઈલ હોર્મુઝના માર્ગે આવે છે. આવી સ્થિતિમાં, આ માર્ગ પર પ્રતિબંધ મૂકવામાં આવે તો ભારતના ઓઈલ પુરવઠા પર મોટી અસર પડી શકે છે. હોર્મુઝ માત્ર ક્રૂડ ઓઈલ માટે જ જરૂરી નથી. ભારત ખાડી દેશોમાંથી મોટી માત્રામાં LNG એટલે કે કુદરતી ગેસ અને LPG એટલે કે રસોઈ ગેસ પણ મંગાવે છે. તેની સપ્લાય માટે પણ આ માર્ગ મહત્વપૂર્ણ છે. હોર્મુઝમાંથી જહાજો પસાર થવાથી ભારતને શું ફાયદો થશે ભારતીય જહાજોને છૂટ મળવાથી ઓઈલ અને ગેસની સપ્લાયમાં વિક્ષેપનું જોખમ ઘટી શકે છે. તેનાથી ભારતને ત્રણ મોટા ફાયદા થઈ શકે છે. 1. ઓઈની સપ્લાય સરળ બનશે: ખાડી દેશોમાંથી ક્રૂડ ઓઈલ લાવતાં ભારતીય જહાજો હોર્મુઝમાંથી પસાર થઈ શકશે. તેનાથી ઓઈલની સપ્લાય ચાલુ રાખવામાં મદદ મળશે. 2. પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી શકે છે: હોર્મુઝ સ્ટ્રેટમાંથી ઓઈલનો પુરવઠો સરળ બનતા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટી શકે છે. તેનો લાભ ભારતને પણ મળી શકે છે અને પેટ્રોલ-ડીઝલ સસ્તું થવાની આશા વધી શકે છે. 3. દવાઓ અને અન્ય સામાનનો વેપાર સરળ બનશે: ભારતથી ઈરાન જતા જહાજોને છૂટ મળવાથી દવાઓનો પુરવઠો ચાલુ રાખવામાં મદદ મળશે. તેનાથી બંને દેશો વચ્ચે વેપાર પણ સરળ બની શકે છે. ઈરાનનો દાવો- બારૂદી સુરંગોથી 4 ઓઈલ ટેન્કર નષ્ટ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે દાવો કર્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટની દક્ષિણે પ્રતિબંધિત માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ કરી રહેલા ચાર ઓઈલ ટેન્કર દરિયાઈ બારૂદી સુરંગો સાથે અથડાઈને નષ્ટ થઈ ગયા. રિવોલ્યુશનરી ગાર્ડ્સના નિવેદન મુજબ, ચારેય ટેન્કરમાં આગ લાગી હતી. આ ઉપરાંત બે અન્ય જહાજોને પણ કબજે લેવાનો દાવો કરવામાં આવ્યો છે. ઈરાને અમેરિકાને ફરીથી યુદ્ધની ચેતવણી આપી ઈરાને અમેરિકાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો યુદ્ધ ફરી શરૂ થશે તો તે મુકાબલા માટે સંપૂર્ણપણે તૈયાર છે. અમેરિકા સાથેની વાતચીતમાં ઈરાનના મુખ્ય વાટાઘાટકાર મોહમ્મદ બાકેર ગાલિબાફે કહ્યું કે તેમનો દેશ ‘ટ્રિગર પર આંગળી રાખીને યુદ્ધ માટે તૈયાર છે.’ ઈરાને કહ્યું છે કે તે હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા માટે તૈયાર છે, પરંતુ તેના માટે અમેરિકાએ તેની જૂની માંગણીઓ સ્વીકારવી પડશે. બીજી તરફ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનએ કહ્યું કે તેમની સરકાર વાતચીત દ્વારા સંકટનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે મંગળવારે કહ્યું, ‘જો યુદ્ધ ફરી શરૂ થશે તો તેનાથી કોઈને ફાયદો નહીં થાય.’ —————————– આ સમાચાર પણ વાંચો: હોર્મુઝમાં ભારતીય જહાજ પર હુમલો, દ્વારકાના યુવકનું મોત:14 ભારતીય સવાર હતા, 13ને બચાવી લેવાયા; વિદેશ મંત્રાલયે કહ્યું- હુમલા તાત્કાલિક બંધ કરો હોર્મુઝ સ્ટ્રેટમાં 2 નવેમ્બરે એક ભારતીય જહાજ પર હુમલો થયો હતો. તેમાં ગુજરાતના એક યુવકનું મોત થયું હતું. જહાજમાં સવાર અન્ય 13 ભારતીયોને ઓમાનના કોસ્ટ ગાર્ડે સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. મૃતકની ઓળખ ગાંધાર નાહીમ અઝીઝ તરીકે થઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી શકે:ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી, આ જ રૂટથી ભારત 40% ક્રૂડ ઓઈલ મંગાવે છે
📅 Published: November 4, 2026 |
📂 Category: International
