પેરોલ રજા પૂરી થયા બાદ જેલમાં હાજર ન થયેલા કેદી હેમંત રોહિતભાઈ પરીખને રાજકોટ રેન્જની ટીમે સુરેન્દ્રનગરમાં ઝડપી પાડ્યો. તેને રિવરફ્રન્ટ નજીક મેલડી માતાજીના મંદિર પાસેથી પકડ્યો હતો.હેમંત પરીખ સુરેન્દ્રનગર જેલમાં સજા ભોગવી રહ્યો હતો. પેરોલ રજા પૂરી થયા બાદ 3 નવેમ્બર, 2026ના રોજ તેણે જેલમાં પરત હાજર થવાનું હતું, પરંતુ તે હાજર થયો નહોતો. ત્યારબાદ તેને ફરાર જાહેર કરાયો હતો.રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS)એ રેન્જના જિલ્લાઓમાં ફરાર આરોપીઓ અને પેરોલ કે ફર્લો પર છૂટ્યા બાદ પરત ન આવેલા કેદીઓને પકડવા સૂચના આપી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, એસ.પી. ગોહિલ અને એ.વાય. ઉધાસ સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી. ટીમે બાતમી, માનવ સૂત્રો પાસેથી મળેલી માહિતી અને ટેકનિકલ તપાસના આધારે હેમંત પરીખને શોધ્યો હતો.હેમંત પરીખ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા સચિન ટાવર્સના ફ્લેટ નંબર 92માં રહે છે. તેને પકડ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પછી તેને સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપાયો હતો. તેને ફરી સુરેન્દ્રનગર જેલમાં હાજર કરાવવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. આ કામગીરીમાં રાજકોટ રેન્જના પોલીસ કર્મચારીઓ યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, હિતેશભાઈ જોગરાણા, અજયવીરસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ, વિજયસિંહ પરમાર, ફતેસંગ પરમાર અને રાજુભાઈ પઢેરિયાએ ભાગ લીધો હતો.
પેરોલ પૂરી થયા બાદ ફરાર થયેલો કેદી સુરેન્દ્રનગરથી ઝડપાયો:3 નવેમ્બરે જેલમાં હાજર થવાને બદલે નાસી છૂટતાં ફરાર જાહેર કરાયો હતો
📅 Published: November 22, 2026 |
📂 Category: gujarati-news
