પેસેન્જરના સ્વાંગમાં બેઠેલી લૂંટારુ ગેંગે લૂંટ ચલાવી:શટલ રિક્ષામાં બેઠેલા વૃદ્ધ દંપતીને છરી બતાવી સાડા પાંચ લાખના દાગીના લઈ ફરાર

📅 Published: November 16, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદમાં શટલ રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં ફરતી લૂંટારુ ગેંગે વધુ એક વૃદ્ધ દંપતીને નિશાન બનાવ્યું છે. રાજસ્થાનથી ટ્રેનમાં અમદાવાદ આવેલા 67 વર્ષીય વૃદ્ધ અને તેમની પત્ની ગાંધીગ્રામ રેલવે સ્ટેશનથી રિક્ષામાં બેસ્યાં હતાં. રિક્ષામાં પહેલેથી જ બેઠેલા ત્રણ શખસે રસ્તામાં વૃદ્ધ દંપતીને વાતોમાં પરોવ્યાં બાદ છરી બતાવી લૂંટ ચલાવી હતી. વૃદ્ધની પત્નીને મારી નાખવાની ધમકી આપી તેમની પાસેથી 5.55 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના ભરેલો થેલો લૂંટી ગેંગ ફરાર થઈ ગઈ હતી. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રિક્ષાચાલકે અન્ય ત્રણ લોકોને બેસાડ્યાં
બોડકદેવના જાનકી એપાર્ટમેન્ટમાં રહેતા હજારીમલ પ્રજાપતિ સંયુક્ત પરિવારમાં રહે છે અને કલરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા દિવસ પહેલાં તેઓ પત્ની પંકુબેન સાથે રાજસ્થાનથી ટ્રેનમાં અમદાવાદ આવ્યા હતા. ગાંધીગ્રામ રેલવે સ્ટેશનથી બંનેએ રિક્ષા કરી હતી. રિક્ષાચાલકે રસ્તામાં અલગ-અલગ જગ્યાએથી બીજા ત્રણ પેસેન્જરોને બેસાડ્યા હતા. રિક્ષા ગુરુદ્વારા પાસે પહોંચી ત્યારે એક શખસે પંકુબેન પાસે રહેલા થેલા વિશે પૂછપરછ શરૂ કરી હતી. હજારીમલે થેલામાં કંઈ ન હોવાનું જણાવ્યું હતું. છરી બતાવીને થેલો લઈ ફરાર
ત્યારબાદ બીજા શખ્સે અચાનક છરી કાઢી થેલો આપી દેવા અને નહીં તો ચપ્પુ મારી દેવાની ધમકી આપી હતી. ગભરાયેલાં પંકુબેને થેલો આપી દેતાં લૂંટારુઓ 5.55 લાખ રૂપિયાના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. આ મામલે હજારીમલ પ્રજાપતિએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી રિક્ષા ગેંગને શોધવા તપાસ શરૂ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *