રાસાયણિક દવાઓના છંટકાવથી શાકભાજી સહિતના પાકોમાં ઝેરી તત્વોનું પ્રમાણ વધવા સાથે ખર્ચ પણ વધી જતા ખેડૂતો હવે ઓર્ગેનિક દવાઓ તરફ વળ્યાં છે. બોરસદ તાલુકાના ખેડાસા ગામના ખેડૂત પ્રવિણભાઇ મહિજીભાઇ ઝાલાએ પોતાની આગવી આવડતથી જીવાતના નાશ માટે રાસાયણિક દવાની જગ્યાએ પ્રાકૃતિક ઓર્ગેનિક જીવાતનાશક દવા તૈયારી કરી છે. દરેક પાકમાં ઉપયોગમાં લઇ શકાય તેવી આ દવાથી જીવાતનો ઉપદ્રવ મટે છે અને ઉત્પાદન વધે છે. આ સફળતાની કહાની પ્રગતિશીલ ખેડૂતના જ શબ્દોમાં…. મારે 5 વીઘા જમીન છે. રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ કરતાં જમીનની ફળદ્રુપતા નાશ પામી હતી અને ઉત્પાદન ઘટી ગયું હતું. આખરે હું કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ મુજબ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો હતો. મેં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી 5 આયામોનો ઉપયોગ કરી શાકભાજીનું વાવેતર કર્યું છે. આ વાવેલ દેશી વાલોળ, દૂધી, ભીંડા અને ગલકા જેવા મિશ્ર પાક થકી રૂ. 55 થી 80 હજાર જેટલો ચોખ્ખો નફો મળી રહ્યો હતો. તેમ છતાં પાકમાં જીવાતનો ઉપદ્રવ એ મોટો પ્રશ્ન બની ગયો હતો. ત્યારબાદ મેં જંતુનાશક દવા ઘરે બનાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા. અંતે સફળતા મળી અને પાકમાં જીવાત – કીડા ના પડે તેવી 10 જાતની વનસ્પતિથી જીવાત નાશક દવા તૈયાર કરી હતી. જેને 10 પર્ણિય દવા તરીકે ઓળખ આપી હતી. આ દવા જીવાતનો નાશ કરવામાં કારગર સાબિત થઇ છે. માત્ર રૂ. 1000માં 200 લીટર તૈયાર થતી આ દવા એક વીઘા જમીનમાં પૂનમ કે અમાસના બે દિવસ પહેલા પાણી સાથે 250 મીલી ઉમેરીને છંટકાવ કરતા પાકમાં જીવાત પડતી નથી. આ રીતે બનાવો 10 પર્ણિય દવા
20 લીટર ગૌમૂત્રમાં દેશી ગાયનું છાણ, 500 ગ્રામ હળદરનો પાવડર, આદુની ચટણી, હિંગ, લસણ, તમાકુ પાઉડર વગેરે નાખીને બે દિવસ રાખ્યા બાદ નરી, લીમડો, ધતૂરો, કણજી, કરણ, બિલી પત્ર, બાવડા, આંકડો, જાસુદના પાનનો ભૂકો કરી નાખવામાં આવે છે. ત્યારબાદ 25 દિવસ સુધી આથો આવે ત્યાં સુધી રાખવાનું હોય છે. આથો આવી જાય એટલે 10 પર્ણિય જંતુનાશક દવા તૈયાર થઇ જાય છે. આ દવાથી રાસાયણિક દવા પાછળ થતો ખર્ચે બચે છે, તેમજ પાકનું ઉત્પાદન વધવા સાથે જમીનની ફળદ્રપતા પણ વધે છે. જીવાતોનો ઉપદ્રવ ધીમે-ધીમે ઓછો થઇ જશે
કોઇ પણ પાકમાં 10 પર્ણિય જંતુનાશક દવાનો છંટકાવ કરવાથી તેમાં ઝેરી તત્વોનું પ્રમાણ ઘટે છે. સતત તેનો ઉપયોગ કરવાથી જમીનમાં ઝેરી તત્વો ઓછા થાય છે. જમીન ફૂળદ્રપ બને છે, તેમજ જીવાતનો ઉપદ્રવ ધીમે-ધીમે ઘટી જાય છે. જેનો ફાયદો ખેડૂતને થાય છે. આ પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણો વધુ વિગતો : 99136 26578
પ્રગતિશીલ ખેડૂત:ખેડાસાના ખેડૂત બન્યા ‘ઓર્ગેનિક ફાર્માસિસ્ટ’ : દરેક પાકમાં ઉપયોગી એવી 10 પર્ણિય જીવાતનાશક દવા તૈયાર કરી
📅 Published: August 17, 2026 |
📂 Category: gujarati-news
