પ્રેમસંબંધનો વિરોધ કરતા પત્નીને ધમકી- 'ઝેર આપીને પતાવી દઈશ':સુરતના જાણીતી શિક્ષા ટીવી ચેનલના માલિક સામે FIR, નણંદ અને પતિની પ્રેમિકા પણ ત્રાસ આપતા

📅 Published: September 22, 2026 | 📂 Category: gujarati-news

સુરત શહેરમાં લગ્નેતર સંબંધો અને ઘરેલુ હિંસાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કઠોદરા ગઢપુર ટાઉનશીપમાં રહેતા અને જાણીતી શીક્ષા ટીવી નામની ચેનલ ચલાવતા યુવકને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હોવાનો વિરોધ કરતાં પરિણીતા અને તેની માસૂમ દીકરીને ઝેર આપી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ લસકાણા પોલીસ મથકે નોંધાઈ છે. આ સમગ્ર મામલે પરિણીતાની ફરિયાદના આધારે લસકાણા પોલીસે પતિ, તેની પ્રેમિકા અને નણંદ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 2015માં જતીન મોરડીયા સાથે થયા હતા લગ્ન
મૂળ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નાના ઝીઝાવદર ગામના વતની અને હાલ સુરતના સરથાણા યોગીચોક ખાતે પિતા સાથે રહેતી 35 વર્ષીય વિરલબેનના લગ્ન વર્ષ 2015માં રીતિ-રિવાજ મુજબ જતીન મોરડીયા સાથે થયા હતા. લગ્ન બાદ વિરલબેન પતિ સાથે કઠોદરા સ્થિત ગઢપુર ટાઉનશીપમાં સાસરીમાં રહેવા આવ્યા હતા. પતિ જતીન શરૂઆતમાં હીરા ઘસવાનું કામ કરતો હતો અને ત્યારબાદ તેણે ‘શીક્ષા ટીવી’ નામની ચેનલ શરૂ કરી હતી. બંનેના સુખી દાંપત્યજીવનમાં વર્ષ 2020માં દીકરી શીક્ષાનો જન્મ થયો હતો. 2017માં પહેલીવાર અફેર પકડાયું, માફી આપ્યા બાદ ફરી સંબંધ ચાલુ રાખ્યા
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, લગ્નના બે વર્ષ બાદ એટલે કે વર્ષ 2017માં જતીન ક્રિષ્ના નામની યુવતી સાથે ફોન પર વાતચીત કરતા પકડાઈ ગયો હતો. તે સમયે પરિવારના વડીલો વચ્ચે પડતાં બંને વચ્ચે સમાધાન થયું હતું અને પત્નીએ પતિને માફ કરી દીધો હતો. જોકે, દીકરીના જન્મ બાદ જતીન ફરીથી ક્રિષ્ના સાથે પ્રેમસંબંધ રાખતો રંગેહાથ પકડાયો હતો. પત્નીએ આ અંગે વિરોધ કરતાં જતીને ઝઘડો શરૂ કર્યો હતો. ‘મારી અને ક્રિષ્ના વચ્ચે આવીશ તો દવા પીવડાવી દઈશ’ કહી ધમકાવી
વિરલબેને પતિને આ આડા સંબંધો બંધ કરવા સમજાવતાં જતીને ઉશ્કેરાઈને કહ્યું હતું કે, મારી અને ક્રિષ્નાની વચ્ચે તું અને આપણી દીકરી આવો છો, જો હવે વચ્ચે આવીશ તો તમને બંનેને દવા પીવડાવીને મારી નાખીશ. આ ઉપરાંત પ્રેમિકા ક્રિષ્નાએ પણ જતીનના મોબાઈલમાંથી સીધો વિરલબેનને ફોન કરી બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. નણંદે પણ મેણાં માર્યા કે ‘તું પિયરેથી કાંઈ લાવી નથી, અમારે તને નથી રાખવી’
એટલું જ નહીં, આ પારિવારિક વિવાદમાં વિરલબેનની નણંદ અંકિતા મોરડીયાએ પણ ભાઈના ફોન પરથી ભાભીને ફોન કરીને મેણાં-ટોણાં માર્યા હતા કે, તું તારા પપ્પાના ઘરેથી કંઈ લઈને આવી નથી, અમારે તને ઘરમાં નથી જોઈતી. આખરે પતિ જતીને સ્પષ્ટ કહી દીધું હતું કે તારે તારા બાપના ઘરે જવું હોય તો જતી રહે, હું તો ક્રિષ્નાને જ મારી જોડે રાખીશ. ત્રાસથી કંટાળીને વિરલબેન છેલ્લા બે વર્ષથી પોતાની પાંચ વર્ષની દીકરી સાથે સરથાણા ખાતે પિતાના ઘરે રહેવા મજબૂર બન્યા હતા. લસકાણા પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધ્યો
સતત માનસિક-શારીરિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીઓ સામે આખરે પરિણીતાએ લસકાણા પોલીસ મથકે પહોંચી આપવીતી વર્ણવી હતી. લસકાણા પોલીસે વિરલબેનની ફરિયાદના આધારે જતીનભાઈ રસિકભાઈ મોરડીયા (પતિ), અંકિતાબેન રસિકભાઈ મોરડીયા (નણંદ), ક્રિષ્ના(પ્રેમિકા) સામે BNS કલમ 85, 351(3), 352 અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *