પ્લાસ્ટિક આપો અને સામે રોકડા ₹80 મેળવો!
નળ સરોવરની સુંદરતાને પ્લાસ્ટિકના કચરાનું ગ્રહણ ન લાગે તે માટે વન વિભાગે આ અનોખો અને પ્રેરણાદાયી પહેલ કરી છે. જેથી જે પ્લાસ્ટિક પહેલાં રસ્તા પર કચરો બનીને ઊડતું હતું, તે જ પ્લાસ્ટિક હવે આસપાસના ગામના લોકો માટે કમાણીનું સાધન બની ગયું છે. સરકારની નવી પહેલથી ગ્રામજનોમાં ઉત્સાહ છે. JICA (જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી)ના સહયોગથી શરૂ થયેલા આ પ્રોજેક્ટથી ફક્ત પ્રદૂષણ જ નથી અટકતું પરંતુ લોકોને રોજગારી પણ મળે છે. નળ સરોવરની આસપાસનાં ગામોમાં પ્લાસ્ટિકના કચરાના સંગ્રહ માટે કોઇ વ્યવસ્થા નહોતી. જેથી વન વિભાગે જાપાનના સહયોગથી ચાલતા JICA પ્રોજેક્ટ હેઠળ એક નવો પ્રયોગ હાથ ધર્યો છે. નળ સરોવર પણ આ પ્રોજેક્ટનો એક ભાગ છે. જેના વિશે જાણવા દિવ્ય ભાસ્કરની ટીમ અમદાવાદથી અંદાજે 65 કિલોમીટર દૂર આવેલા નળ સરોવર પહોંચી હતી. ***
900 કિલો પ્લાસ્ટિક ભેગું થયું
આ પ્રોજેક્ટ હેઠળ કચરો એકત્રિત કરવા માટે અમદાવાદ જિલ્લાના વીરમગામ તાલુકાના કાયલા ગામે પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન સેન્ટર બનાવાયું છે. જેમાં શેડ, પ્રોસેસિંગ યુનિટ, કમ્પાઉન્ડ વોલ, સિક્યોરિટી કેબિન, પાણી અને વીજળીની સુવિધાઓ, પ્લાસ્ટિક વેસ્ટ પ્રોસેસિંગ મશીન, સુરક્ષા સાધનો અને વેસ્ટ કલેક્શન બિન જેવી સુવિધા તૈયાર કરાઇ છે. પ્રોજેક્ટ અમદાવાદ જિલ્લાના વેકરિયા, કાયલા, શાહપુર, ધારજી અને મેણી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના નાની કઠેચી અને રાણાગઢ સહિત નળસરોવરની આસપાસના ગામોને આવરી લેશે. નળ સરોવરની આસપાસ કયા ગામો આવેલા છે તે નીચેના ગ્રાફિક્સમાં જાણો. વન વિભાગે દરેક ગામમાં મોટા 300 ડસ્ટબીન અને ઘરે ઘરે નાના 1200 જેટલા ડસ્ટબીન આપ્યા છે. જેમાં સ્થાનિકો પ્લાસ્ટિકનો કચરો નાખે છે. આ કચરો એકઠો કરવાની 2 રીત છે. એક રીત ગામવાળા આપી જાય તે છે અને બીજી રીત કોઇ વાહન લઇને વન વિભાગ તેને એકઠો કરે. આ કચરાને પ્રોસેસિંગ યુનિટ સુધી લવાય છે. પ્રોસેસિંગ યુનિટમાં તેને અલગ પડાય છે અને પછી તેને આગળ મોકલાય છે. આ પ્રયોગ હજુ પ્રાથમિક તબક્કામાં છે. સરકાર એક કિલો પ્લાસ્ટિકના 80 રૂપિયા ચૂકવશે. અત્યારસુધીમાં આ યોજના અંતર્ગત 900 કિલો પ્લાસ્ટિક એકઠું થયું છે. જેની ગણતરી કરીએ તો 72 હજાર રૂપિયા ચૂકવાશે. આ રીતે ગામના સ્તરે એક તરફ આજીવિકાની તકો ઊભી કરવાનો અને બીજી તરફ ઘન કચરાના નિકાલનો પ્રયાસ કરાયો છે. ***
રસ્તો બનાવવામાં વપરાય છે પ્લાસ્ટિક
પ્લાસ્ટિક એકત્રિત કરનારા સ્થાનિક સહાય જૂથોને આ કામ માટે તૈયાર કરવામાં આવ્યાં છે. તેમને તાલીમ આપવાની સાથે જરૂરી માળખાકીય સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે. આ અંગે વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) અને ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન ડૉ. જયપાલસિંહે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, આ પ્રોજેક્ટ હેઠળ એક મુખ્ય કલેક્શન સેન્ટર બનાવાયું છે. તેની સાથે આસપાસનાં તમામ ગામોમાંથી લોકો પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરીને આ કેન્દ્ર સુધી પહોંચાડશે. પ્લાસ્ટિકના રિસાયક્લિંગનું કામ કરતી સંસ્થાઓ સાથે અમે જોડાણ કર્યું છે. જેથી તેઓ અહીંથી પ્લાસ્ટિક લઇ જાય. ત્યારબાદ તેમાંથી PET (સંપૂર્ણ રિસાયકલ થઇ શકે તેવું પ્લાસ્ટિક) બનાવવામાં આવે છે અથવા રસ્તાના નિર્માણમાં તેનો ઉપયોગ કરાય છે. પ્રોજેક્ટ વિશે વાત કરતાં તેમણે આગળ કહ્યું કે, JICAનો પ્રોજેક્ટ ઘણો મોટો છે પરંતુ તેમાં ઘન કચરાના વ્યવસ્થાપનનો આ એક નાનો ભાગ છે. આ પ્રોજેક્ટ હેઠળ આજીવિકા વધારવા માટેના અન્ય કાર્યક્રમો પણ અલગ-અલગ વિસ્તારોમાં જરૂરિયાત મુજબ ચલાવવામાં આવે છે. ક્યાંક લોકો વસ્તુઓનું ઉત્પાદન કરીને તેનું વેચાણ કરે છે, ક્યાંક સંરક્ષણની પ્રવૃત્તિઓમાં અમને સહયોગ આપે છે તો ક્યાંક અન્ય પ્રવૃત્તિઓમાં જોડાય છે. આ રીતે, અલગ-અલગ વિસ્તારોમાં સહાય જૂથો સાથે સંકલન કરવામાં આવે છે. આ તમામ પ્રયાસો સ્થાનિક જરૂરિયાતો પર આધારિત છે અને જે-તે વિસ્તારની પરિસ્થિતિ અનુસાર હાથ ધરવામાં આવે છે. ‘પ્રાથમિક માહિતી એકત્રિત કર્યા પછી ગામના લોકો સાથે બેસીને ચર્ચા કરવામાં આવી હતી. તેમની જરૂરિયાતો જાણી હતી અને તેમની માગના આધારે જ કામ કરાય તે રીતે આ પ્રોજેક્ટનો અમલ કરવાનો નિર્ણય લીધો હતો. અત્યારે આ વિસ્તારની બહાર આવા પ્રોજેક્ટની કોઈ યોજના બનાવી નથી.’ નળ સરોવર અને વેટલેન્ડ અંગે હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી ચાલે છે તેમાં સેન્ચુરી એરિયામાં પ્લાસ્ટિક ઓછામાં ઓછું આવે તે માટે પગલાં લેવા માટે હાઇકોર્ટે નિર્દેશ આપ્યો હતો. જેના પછી વન વિભાગને વિચાર આવ્યો કે આસપાસમાંથી પ્લાસ્ટિક એકત્ર કરીને તેનું પ્રોસેસિંગ કરીએ. આ અંગે નાયબ વન સંરક્ષક ડો.ચંદ્રેશકુમાર શાનદ્રેએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, નળ સરોવરની વાત કરીએ ત્યાં પણ પ્રવાસીઓ અને બીજા જે કોઈ આવતા હોય તેમના માટે પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે જ પણ નળ સરોવર એક વેટલેન્ડ છે એના આસપાસમાં ગામ પણ છે. એટલે ત્યાં થોડોક અલગ ઇશ્યૂ છે. આસપાસના ગામમાં પ્લાસ્ટિક વપરાતું હોય તે સ્વાભાવિક છે. તેના માટે અમે ગામમાં ડસ્ટબીન મૂક્યાં છે. ‘ઘણી વખત ડસ્ટબીનમાં પ્લાસ્ટિકની થેલી નાંખી હોય પણ તેનું વજન હલકું હોવાના કારણે કોઇ વખત તે ઊડીને કે પાણીના પ્રવાહ સાથે ચોમાસામાં પાણીથી નળ સરોવરની અંદર આવવાની શક્યતા હોય છે. જેથી પ્રથમ તો પ્લાસ્ટિક વેટલેન્ડમાં આવે નહી અને આવે તો તેની જલ્દી પ્રોસેસ કરીને રીમૂવ કરી શકીએ એના માટે અમે કલેક્શન કરીએ છીએ. હાલ જે પાયલોટ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે તેમાં પ્રોસેસિંગ યુનિટ બનાવ્યું છે. જે સેલ્ફ હેલ્પ ગ્રુપ ઓપરેટ કરે છે. એકઠાં કરાયેલાં પ્લાસ્ટિકના કચરાંમાંથી કોઇ ફાઇનલ પ્રોડક્ટ બનાવવાની નથી.’ ‘રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકની થેલી, બોટલ કે પછી નાના પાઉચ એવો કચરો એકઠો થાય છે. જેમાંથી પ્લાસ્ટિકની અમૂક થેલીઓ પાતળી હોવાથી હવાની સાથે ઊડીને આવે અથવા તો પાણી સાથે વહીને પણ આવે છે. જેથી અમે એવો પ્લાન કર્યો કે જે પ્લાસ્ટિકનો કચરો એકઠો થાય તેના પર પ્રોસેસ કરીને રિયુઝ લેવલનું બનાવીએ જેથી પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઓછું થાય.’ તેમણે વધુમાં જણાવ્યું કે, વેટલેન્ડની આસપાસ લગભગ 14 ગામ આવેલાં છે અને બીજા 4-5 મળીને 19 જેટલાં ગામ છે. ગ્રામજનો પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરે તે માટે અમારા સ્વ-સહાય જૂથ (સેલ્ફેર ગ્રુપ)છે. તેના દ્વારા અમે સતત જાગૃતિ ફેલાવીએ છીએ. આ ઉપરાંત અમારો ફિલ્ડ સ્ટાફ પણ નિયમિત રૂપે ગામડાંઓમાં મિટિંગ કરીને ગ્રામજનોને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા સમજણ આપે છે. ***
નળ સરોવરમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ
નળ સરોવરમાં પ્લાસ્ટિકની કોઇ વસ્તુ અંદર લઇ જવા દેવાતી નથી. જે પ્રવાસી આવે તેને એન્ટ્રી ગેટ પર ટિકીટિંગ સમયે જ જાણ કરવામાં આવશે કે તમે જે પ્લાસ્ટિકની બોટલ લાવ્યા હો તેને તમારા વ્હીકલમાં જ રાખો. ઉપરાંત નાસ્તા માટે ફૂડ કોર્ટ પણ બનાવી છે. જેની શરૂઆત થશે. આ અંગે ડૉ. શાનદ્રેએ જણાવ્યું કે, અંદર ગયા પછી તરસ લાગે તો પ્રવાસીઓને અગવડતા ન પડે તે માટે અમે પ્લાસ્ટિકની બોટલના બદલામાં તેમને કાચની અથવા સ્ટીલની બોટલ આપીશું. ફૂડ મટીરિયલ અંદર લઇ જવાની મનાઇ છે. જેથી કોઇ વેફરનું પેકેટ કે બીજા કોઇ પ્લાસ્ટિકના પેકેટ્સ લઇને નથી આવતા. તેમણે પર્યટકોને અપીલ કરી છે કે કોઇપણ જાહેર સ્થળ પર જતાં હોઇએ એમાં પણ ખાસ કરીને સેન્ચ્યુરી એરિયા હોય કે નેશનલ પાર્ક હોય તો ત્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે. જરૂર પડે તો સાથે કાપડની થેલી રાખે અને પ્લાસ્ટિકની બોટલના બદલે કાચની કે સ્ટીલની બોટલ વાપરે. જો લોકો આટલું કરે તો પર્યાવરણ સાચવવા તેમજ જાળવવામાં તેમનો સિંહ ફાળો રહેશે. કુદરતે આપણને નળ સરોવરની સુંદર ભેટ આપી છે. તેને સાચવવાની જવાબદારી પણ આપણી જ છે. આ વખતે તમે જ્યારે પણ નળ સરોવરની મુલાકાત લો ત્યારે તમારી સાથે પ્લાસ્ટિક નહીં પણ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી ચોક્કસ લઇ જજો.
પ્લાસ્ટિક આપો, રોકડા ₹80 મેળવો!:જાપાનના સાથથી નળ સરોવરના ગામડાંઓમાં કચરો બન્યો કમાણીનું નવું સાધન
📅 Published: November 6, 2026 |
📂 Category: gujarati-news
