મોદીના મિત્ર અને જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પની એક સહી પર ભારતનું ભવિષ્ય ટકેલું છે. કારણ કે અમેરિકાની સંસદના બંને ગૃહમાં લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્ક્શનિંગ એક્ટ 2026 નામનું બિલ બહુમતિથી પાસ થઈ ગયું છે. ઓગસ્ટમાં 86–11ની બહુમતિથી અમેરિકન સેનેટમાં અને ગઈકાલે 262–159ની બહુમતીથી હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં. જો કે અહીં ચોંકાવનારી વાત એ છે કે એકબીજાના વિરોધી પક્ષો એટલે કે ટ્ર્મ્પની રિપબ્લિક અને ઓબામાની ડેમોક્રેટિક એ બંને પાર્ટીએ ભેગા મળીને ભારત ફરતે ભીંસ લાવવાનું બિલ બહુમતિથી પાસ કરાવ્યું છે. અમુક ફોર્માલિટી જ બાકી છે. જેમ કે હવે આ બિલ ટ્રમ્પના ટેબલ પર આવશે, ટ્રમ્પ સહી કરશે અને બિલ કાયદો બની જશે. આનાથી ભારતને કેવી અસર પડશે? આ કેમ મોદી-ટ્રમ્પની દોસ્તીની આર્થિક કસોટીનું બિલ છે? આની સાથે ક્રૂડની સદીથી મોંઘવારીના ખપ્પરમાં હોમાવા કેટલી તૈયારી રાખવી? આજે આપણે તેની વાત કરીએ… નમસ્કાર… આખી રમતમાં મેઈન ખેલાડી છે અમેરિકાની દાદાગીરી અને રશિયાનું સસ્તું તેલ. અમેરિકાએ લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્કશનિંગ એક્ટ 2026 નામનું નવું બિલ પસાર કર્યું છે. એ જાણો કે આ બિલથી ભારત પર શું અસર થશે? મેરિકી સંસદના નીચલા ગૃહ એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે રશિયા પાસેથી તેલ ખરીદનારા દેશો પર કાર્યવાહી સંબંધિત બિલને પસાર કરી દીધું છે. બિલની તરફેણમાં 262 અને વિરોધમાં 159 મત પડ્યા. હવે બિલ વ્હાઇટ હાઉસ જશે. ટ્રમ્પની સહી થતા જ તે કાયદો બની જશે. તેને સત્તાવાર રીતે લિન્ડસે ઓ ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ 2026 નામ આપવામાં આવ્યું છે. બિલ રશિયા અને ઈરાન પર પ્રતિબંધ લગાવવા સાથે સંબંધિત છે. ભારત રશિયા પાસેથી મોટી માત્રામાં ક્રૂડ ઓઇલ ખરીદે છે, તેથી તે તેના દાયરામાં છે. જોકે, ભારત પર હજુ 100% ટેરિફ લગાવવામાં આવ્યો નથી. બિલ કાયદો બન્યા પછી ટ્રમ્પ પાસે આવો ટેરિફ લગાવવાનો કાનૂની અધિકાર થઈ જશે. આ બિલ કાયદો બનશે તો ભારત પર બે રીતે અસર થશે… પહેલી સ્થિતિ: ભારત રશિયા પાસેથી તેલ ખરીદતું રહે અમેરિકાના 100% ટેરિફની સીધી અસર ભારતના નિકાસ બિલ પર પડી શકે છે. આનાથી ભારતીય સામાન અમેરિકામાં બમણો મોંઘો થઈ જશે. અમેરિકન ખરીદદારો સસ્તો વિકલ્પ શોધશે, જેમ કે બાંગ્લાદેશ, વિયેતનામ, મેક્સિકો, ચીન. પરિણામે ભારતના ટેક્સટાઇલ, જેમ્સ-જ્વેલરી, એન્જિનિયરિંગ ગુડ્સ, લેધર, દરિયાઈ ઉત્પાદનો, કેમિકલ્સ વગેરેના ઓર્ડર ઘટશે. બીજી સ્થિતિ: ભારત રશિયાને છોડીને અન્ય દેશો પાસેથી તેલ ખરીદે તો રશિયાથી આવતા તેલ પર પ્રતિબંધ કે ટેરિફનું દબાણ વધે છે, તો ભારતને અન્ય દેશો પાસેથી તેલ ખરીદવું પડશે. આ મોંઘું પડી શકે છે, જેનાથી ભારતમાં પેટ્રોલ-ડીઝલ મોંઘું થઈ શકે છે. ભારતની ઊર્જા સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં ટેક્નિકલ બાબતોમાં ન પડીને સાદી રીતે સમજીએ તો જો કોઈ દેશ રશિયા પાસેથી ઓઈલ ખરીદશે તો અમેરિકા તેના પ્રોડક્શન પર 100 ટકા સુધીનો ટેરિફ ઝીંકી દેશે. અમેરિકા ઓલરેડી ભારત પર 10 ટકા ટેરિફ તો લગાવે જ છે. જેમાં 100 ટકા ઉમેરીએ તો કુલ 110 ટકા ટેરિફ થશે જે સૌથી વધારે હશે. આ ટેરિફના બિલના જવાબમાં ભારતીય વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે કે, “ભારત અમેરિકાના કાયદાની આગળની કાર્યવાહી પર નજર રાખી રહ્યું છે. ભારતની 1.4 અબજ લોકોની ઊર્જા સુરક્ષા સર્વોચ્ચ છે અને તે માટે વિવિધ દેશોમાંથી તેલ ખરીદી ચાલુ રહેશે. સાથે જ ભારત પોતાના વેપાર અને આર્થિક હિતોના રક્ષણ માટે જરૂરી પગલાં લેશે.” સવાલ થાય કે આ ટેરિફથી થશે શું? તો આ નિર્ણયથી આપણે જે વસ્તુઓ બનાવીને અમેરિકા મોકલીએ છીએ તે અમેરિકામાં મોંઘી થઈ શકે. સીધી વાત છે મોંઘી વસ્તુઓ કરતાં લોકો સસ્તી વસ્તુઓ લેવાનું વધારે પસંદ કરે. જેના લીધે આપણી વસ્તુઓ અમેરિકામાં ઓછી વેચાઈ શકે અને તેનાથી આપણા વેપારીઓને નુકસાન થશે. કૂલ મળીને એક્સપોર્ટર્સ અને ટ્રેડ બંનેને જોરદાર ફટકો પડી શકે એમ છે. ટેરિફ સહિત ક્રૂડના ભાવની પણ લટકતી તલવાર ઉપરથી આ ઘટના ત્યારે બની છે જ્યારે ઓલરેડી જેમાંથી પેટ્રોલ અને ડીઝલ બને છે તે બ્રેન્ટ ક્રૂડનો ભાવ સદી પાર કરી ચૂક્યો છે. આજે એક બેરલની બ્રેન્ટ ક્રૂડની કિંમત 105 ડોલર આસપાસ ગોથા ખાય છે. કહેવાનો મતલબ એ છે કે પેટ્રોલ-ડીઝલ મોંઘું થવાના એંધાણ છે તેની વચ્ચે ટેરિફનો ઝટકો લાગતા ભારતની ઈકોનોમીને ગંભીર નુકસાન થઈ શકે એમ છે. ગુજરાતની જ વાત કરીએ તો હિરાની ઈન્ડસ્ટ્રી અને ટેક્સટાઈલ સેક્ટરને મોટો ફટકો પડી શકે એમ છે. પણ આ વચ્ચે સવાલ થાય કે આવું કેમ થઈ રહ્યું છે? તો આપણે બધા જાણીએ છીએ કે આજના સમયમાં દુનિયા બે મોટા મોરચે સળગી રહી છે. એક બાજુ રશિયા-યુક્રેન યુદ્ધ ચાલે છે અને બીજી બાજુ અમેરિકા-ઈરાન બાખડી રહ્યા છે. બંનેના કારણે આખી દુનિયામાં ઓઈલ સપ્લાય રૂટ્સને ભારે નુકસાન પહોંચ્યું છે. યુરોપિયન દેશોને ટેરિફમાં રાહત આપશે અમેરિકા રશિયા પાસેથી કુદરતી ગેસ ખરીદનારા ચીન, ફ્રાન્સ, જાપાન, હંગેરી અને બેલ્જિયમને પણ તેના દાયરામાં રાખવામાં આવ્યા છે. જોકે, જે દેશો રશિયાની કુલ ગેસ નિકાસના 15% થી ઓછો આયાત કરે છે અને પોતાની નિર્ભરતા ઘટાડવાની દિશામાં પગલાં લઈ રહ્યા છે, તેમને છૂટ મળી શકે છે. સેનેટમાં રજૂ કરાયેલા બિલ હેઠળ 15 યુરોપિયન દેશોને 100% ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ દેશોને રાહત એટલા માટે આપવામાં આવી છે, કારણ કે તેઓ રશિયા પાસેથી 15% થી ઓછો કુદરતી ગેસ ખરીદે છે અને ધીમે ધીમે તેના પર પોતાની નિર્ભરતા પણ ઘટાડી રહ્યા છે. ડેમોક્રેટ સેનેટર રિચાર્ડ બ્લુમેન્થલે કહ્યું કે ,આ બિલ યુરોપિયન સહયોગીઓ વિરુદ્ધ નથી. તેનો નિશાન ફક્ત તે દેશો છે જેઓ હજુ પણ રશિયાના તેલના કારોબારને સૌથી વધુ આર્થિક સહારો આપી રહ્યા છે. અલબત્ત, ભારત આ હરોળમાં છે. બિલમાં રશિયાના ઉર્જા ઉદ્યોગ, નાણાકીય સંસ્થાઓ, સંરક્ષણ ઔદ્યોગિક માળખા, વેપારીઓ અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સુધી પર પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ છે. ભારત રશિયા પાસેથી જ કેમ ક્રૂડ ખરીદે છે? જ્યારે દુનિયામાં ઓલરેડી તેલની કમી થઈ રહી છે અને બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 100 ડોલરની સપાટી ફટકારી ચૂક્યું છે ત્યારે પણ અને તેના પહેલા પણ ભારતે પોતાની જનતાની જરૂરિયાતોને પૂરી પાડવા માટે રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદવાનો નિર્ણય કર્યો હતો. પણ અમેરિકાને આ વાત ન ગમી. એટલા માટે અમેરિકા આ નવું બિલ લઈને આવી. આ બિલ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને માપ વગરની સત્તા આપે છે કે તેને મજા આવે ત્યારે તે ભારત પર ગમે એટલું ટેરિફ ઝીંકી શકે છે. એવામાં અમેરિકાની સત્તામાં કોણ બેઠું છે? ડોનાલ્ડ ટ્રમ્પ. જેમની નીતિ અમેરિકા ફર્સ્ટ અને એક હાથ સે દો, એક હાથ સે લોવાળા વિચારોની છે. જો કે આ પહેલીવાર નથી, અમેરિકા અગાઉ પણ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લગાવી ચૂક્યું છે. તો… ભારતની ઈકોનોમીના લીરેલીરા ઉડી જાય આ કાયદાની સૌથી ભયાનક અસર ભારતની 140 કરોડથી વધુની જનતા પર પડવાની છે. ભારત પોતાની જરૂરિયાતનું 88.6 ટકા તેલ બીજા દેશો પાસેથી એટલે કે બહારથી મગાવે છે. જો અમેરિકાના દબાણમાં આવીને આપણે સસ્તું રશિયન તેલ લેવાનું બંધ કરી દઈએ અને 100 ડોલરને પાર પહોંચેલું મોંઘું ક્રૂડ ઓઈલ ખરીદવા લાગીએ તો રાતોરાત આપણી ઈકોનોમીના લીરેલીરા ઉડી જાય. પેટ્રોલ-ડીઝલ મોંઘું થવાના ભણકારા અર્થશાસ્ત્રમાં કહેવાય છે કે ઈન્ટરનેશનલ બજારમાં ક્રૂડનો ભાવ 1 ડોલર પણ વધે છે તો ભારતનું ઈમ્પોર્ટ બિલ 2 અબજ ડોલર વધી જાય છે. જ્યારે મોંઘા ક્રૂડના ભાવ ઓઈલ કંપનીઓ સહન ન કરી શકે, સરકાર ન સહન કરી શકે તો આપણે તો પડ્યા પર પાટું જેવું થાય. જો પેટ્રોલ-ડીઝલ મોંઘું થશે તો તેની સીધી ડોમિનો ઈફેક્ટ ટ્રાન્સપોર્ટેશન પર પડશે. જો તેના પર અસર પડે તો આપણી જીવન જરૂરી વસ્તુઓના ભાવ વધે, જો આવું થાય તો મોંઘવારીનો એક નવો અને ખતરનાક સમય ફરી શરૂ થાય. 10 દેશો માથે ટ્રમ્પના 100% ટેરિફનો ખતરો આપણે હવામાં વાતો નહીં કરીએ સીધું ડેટાનું જ ચિત્ર દેખાડી દેશું જેના આંકડાઓ ટેરિફના ઝટકા વિશે ઘણું કહી જાય છે. MODS ટ્રેડના ઓગસ્ટ 2026ના ડેટા ભારત, ચીન, સ્લોવાકિયા, હંગેરી, અઝરબૈજાન, UAE, તુર્કિયે, સિંગાપોર, કઝાકસ્તાન અને કિર્ગિસ્તાન એવા દેશો છે જે રશિયા પાસેથી સૌથી વધુ ક્રૂડ ઈમ્પોર્ટ કરે છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવ એટલે કે GTRIનો રિપોર્ટ કહે છે કે અમેરિકાના નિશાન પર આમ તો રશિયા છે પણ તેમાં ભારત અંટાઈ રહ્યું છે. ભારત મોંઘું તેલ ખરીદે એવો ટ્રમ્પનો પ્લાન આપણે એપ્રિલ 2025થી માર્ચ 2026 વચ્ચે લગભગ 134.7 અબજ ડોલરનું ક્રૂડ ઓઈલ ખરીદ્યું, જેમાંથી 40.8 અબજ ડોલરનું ક્રોડ તો ખાલી રશિયા પાસેથી જ આવ્યું છે. ટૂંકમાં આપણે જેટલું પણ ક્રૂડ ખરીદીએ છીએ એમાંથી 30 ટકા તો રશિયા એકલું પહોંચાડે છે. જો કે જુલાઈ મહિના સુધીમાં આ આંકડો વધીને 51 ટકા જેટલો પહોંચી ગયો હતો. ટ્રમ્પ વારંવાર ટેરિફની ધમકી કેમ આપે છે? એક વાત એવી પણ છે કે ટ્રમ્પ આ બધુ એટલા માટે કરી રહ્યા છે કારણ કે તેને ભારત સાથેનો બાઈલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ સહિ કરાવવો છે. વાત અહીં જ નથી અટકતી હો! ટ્રમ્પને આ ભારતની સહમતિથી નહીં પણ પોતાની દાદાગીરીથી અને પોતાની શરતો મુજબ સહિ કરાવડાવવો છે. માટે ટ્રમ્પ અવાર-નવાર આવા ગતકડાં કરતા રહે છે. હવે વિચાર કરો આપણે રશિયાનું સસ્તું તેલ ન ખરીદવાની જગ્યાએ 105 ડોલરે પહોંચેલું બ્રેન્ટ ક્રૂડ ખરીદીએ તો કેટલી મોટી ખોટ જાય? કરન્ટ એકાઉન્ટ ડેફિસિટમાં ઉછાળઃ ક્રૂડના ભાવમાં 10 ડોલર વધે તો ભારતની CADમાં જીડીપીના 0.4 ટકાનો વધારો થાય. આ ટેરિફથી આપણો કેવો હાલ થશે? હવે કરીએ મેઈન વાત… જો જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર 100 ટકા ટેરિફનો કોરડો વીંઝો તો આપણા કેવા હાલ થાય? તો ભાઈ આપણે દર વર્ષે અમેરિકામાં અંદાજે 79.4 અબજ ડોલરની નિકાસ કરીએ છીએ. જે આપણી કૂલ નિકાસના અંદાજે 18 ટકા જેટલું છે. આ નિકાસમાં સૌથી મોટો હિસ્સો કોનો છે ખબર છે? GTRIના ડેટા કહે છે કે, ટેક્સટાઈલ અને ગાર્મેન્ટ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, એન્જિનિયરિંગ- ઓટો પાર્ટ્સ, અને ઈલેક્ટ્રોનિક્સ તથા સ્માર્ટફોન બનાવતી કંપનીઓ સૌથી વધુ પ્રભાવિત થશે હવે કરીએ એવી વાત જે તમને બહુ ઓછી જગ્યા પર જાણવા મળશે. શું તમને લાગે છે કે અમેરિકા આટલો મોટો હોબાળો ખાલીને ખાલી તેલ માટે કરી રહ્યું છે? જો તમને લાગે કે હા તો તમે ખોટા છો. કારણ કે અસલી ગેમ તો બીજે જ ક્યાંક રમાઈ રહી છે. જે ગેમ છે અમેરિકન ડોલરના વર્ચસ્વને ખતમ કરવાનું યુદ્ધ . રાજાનો જીવ પોપટમાં ને અમેરિકાનો ડોલરમાં રાજાનો જીવ પોપટમાં છે વાળી વાર્તાની જેમ અમેરિકાની તાકાત તેના ડોલરમાં છે. જ્યારે પણ અમેરિકા કોઈ દેશ પર બેન લગાવે છે ત્યારે તે ખરેખર તો ડોલરમાં થતા ઈન્ટરનેશનલ વેપારને બ્લોક કરી દે છે. પણ આ દાદાગીરીનો કાયમી તોડ કાઢવા બ્રિક્સ દેશો મેદાને છે. જી હાં! એ જ બ્રિક્સ કે જેની મીટિંગ હમણાં થોડા દિવસો પહેલા દિલ્લીમાં મળી હતી અને આવનાર બ્રિક્સ ચીનમાં થશે. આ સંમેલન ખાલી પાંચ દેશોનું કે 11 દેશોનું જોડાણ નથી. આ સંગઠન હવે દુનિયાની 40 ટકા જીડીપી અને અડધી વસ્તીને કંટ્રોલ કરે છે. ઘણા સમયથી ચર્ચાઓ છે કે બ્રિક્સ દેશો પોતાની અલગ કરન્સી લઈને આવશે જેમાં તે પોતાની બ્રિક્સ કરન્સીમાં વેપાર કરશે. ચીન અને રશિયા તો આના માટે તલપાપડ છે. રશિયા અને ભારતનો ડોલરને બાયપાસ કરવાનો પ્લાન? રશિયાની વાત કરી જ છે તો આપણે અને પુતિન ડોલરને બાયપાસ કરવા માટે CBDC નામની ડિજિટલ કરન્સી પર કામ કરી રહ્યા છીએ. રશિયાની સૌથી મોટી બેંક સ્બરબેંક અને આપણી રીઝર્વ બેંક બંને રૂપિયાથી રૂબલમાં સીધા પેમેન્ટ કરવાની મેકેનિઝમ તૈયાર કરી રહ્યા છે. UPI અમેરિકાની પેયમેન્ટ સિસ્ટમનો સફાયો બોલાવશે? અધૂરામાં પૂરું વાતો તો એવી પણ છે કે આપણી યુપીઆઈ સિસ્ટમને બ્રિક્સની પેમેન્ટ સિસ્ટમ સાથે જોડવાની તૈયારીઓ ચાલી રહી છે. જો આ પેયમેન્ટ મેથડ સક્સેસફુલ રહેશે તો અમેરિકાની સ્વિફ્ટ સિસ્ટમનો અને માસ્ટર કે વિઝા કાર્ડનો સપાટો બોલી શકે એમ છે. પછી અમેરિકા ગમે એટલા કાયદા લાવે પણ તે કાગળ પર વાઘ જ સાબિત થશે. પણ ત્યાં સુધી તો આપણે ટ્રમ્પના ટેરિફના કારણે આકરો સમય જોવાનો રહેશે. અત્યારે ભારત એક દોરડા પર ચાલી રહ્યું છે જેમાં તે બેમાંથી કોઈ સાઈડ જઈ શકે એમ નથી. જો કે ભારતીય વિદેશ મંત્રાલયના જવાબથી સમજી શકાય છે કે ભારત કોઈ પણ ભોગે અમેરિકાના દબાણમાં આવ્યા વગર પોતાની જનતાની ઊર્જા જરૂરિયાત સાથે બાંધછોડ નહીં કરે. જે પોતાનામાં ઘણું કહી જાય છે. અને છેલ્લે… 2023 પછી પહેલીવાર અમેરિકાની ફેડરલ બેંકે વ્યાજ વધાર્યું છે. આખી દુનિયા પર આની અસર થશે ઉપરથી આવતી કાલે બેંક ઓફ જાપાન ઈન્ટરસ્ટ રેટ જાહેર કરશે. જે દુનિયાભરના લેણદારો પર ભયાનક અસર છોડશે. આનાથી ભારતીય શેરબજાર પર કેવી અસર પડશે એ જોવું રહ્યું. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
ફરી સળગશે પેટ્રોલના ભાવ:ભારતનું નાક દબાવવા અમેરિકા તલપાપડ; 110 ટકા ટેરિફનો ગાળિયો, ટ્રમ્પની એક સહી ને મોદીને ઝટકો
📅 Published: September 17, 2026 |
📂 Category: International
