સુરતના અઠવાલાઈન્સમાં આવેલી ફાઈવસ્ટાર હોટલ મેરિયોટના રેસ્ટોરન્ટની કુકીઝમાંથી લાકડાના ટુકડા મળ્યાના આક્ષેપ સાથે ગ્રાહકે હોબાળો મચાવ્યો. ગ્રાહકે જ્યારે વીડિયો બનાવવાની શરૂઆત કરી તો હોટલ સ્ટાફે વીડિયો બનાવવો એલાઉડ ન હોવાનું કહી અટકાવવાનો પ્રયાસ કર્યો. ગ્રાહકે કહ્યું- આ લાકડાનો ટુકડો જો કોઈ બાળકના મોઢામાં ગયો હોય તો ગંભીર ઈજા થઈ શકે. સુરત મનપાના ફૂડ વિભાગમાં ફરિયાદ કરાતા સેમ્પલ લઈ તપાસ માટે મોકલી અપાયા છે. ટેબલ નંબર 19 પર બેઠા, ₹1386નું બિલ ચૂકવ્યું’ને કૂકીઝમાંથી લાકડું નીકળ્યું
ભોગ બનનાર ગ્રાહકે કહ્યું કે,29 ઓગસ્ટે મોડી રાત્રે 2:30 વાગ્યાની આસપાસ તેઓ પોતાના મિત્રો સાથે અઠવાલાઇન્સ સ્થિત મેરિયટ હોટલના SBC કેફેમાં ગયા’તા. બિલની વિગતો મુજબ, ટેબલ નંબર 19 પર રાત્રે 2:36 વાગ્યે 2 ઇન્ડિયન ક્લાસિક ટી (₹750) અને 1 અમેરિકાનો કોફી (₹425)નો ઓર્ડર આપવામાં આવ્યો હતો, જેનું જીએસટી સાથે કુલ ₹1386.50 બિલ ચૂકવવામાં આવ્યું હતું. ઓર્ડર સાથે સર્વ કરવામાં આવેલી કૂકી જેવી એક મિત્રએ મોંમાં મૂકી કે તરત જ તેને અણીદાર લાકડાનો ટુકડો વાગ્યો. કૂકીઝ તપાસતાં તેમાંથી નાના-મોટા 3 થી 4 તીક્ષ્ણ લાકડાના ટુકડા બહાર આવ્યા હતા. મોટી દુર્ઘટના ટળી: ‘જો કોઈ બાળક હોત તો ગળામાં ફસાઈ જાત’
ગ્રાહકે રોષ વ્યક્ત કરતાં કહ્યું કે, લાકડાના ટુકડા ખૂબ જ ધારદાર અને જોખમી હતા. પુખ્ત વયના વ્યક્તિ હોવાથી સમયસૂચકતાથી બચી ગયા, પરંતુ જો આ કૂકીઝ કોઈ નાના બાળકના મોંમાં ગઈ હોત તો તે ગળામાં ફસાઈ જવાથી જીવલેણ સાબિત થઈ શકત. સામાન્ય રીતે લોકો હાઇજીન અને ઉત્તમ ગુણવત્તાના ભરોસે સ્ટ્રીટ ફૂડ છોડીને આવી બ્રાન્ડેડ 5-સ્ટાર હોટલોમાં જતા હોય છે, પરંતુ અહીં ગ્રાહકોના સ્વાસ્થ્ય અને જીવ સાથે ખુલ્લેઆમ ચેડાં થતા જોવા મળ્યા છે. હોટલ મેનેજમેન્ટે ભૂલ સ્વીકારી પણ લેખિત આપવા અને કેમેરા સામે બોલવા આનાકાની કરી
આ ગંભીર લાપરવાહી અંગે ગ્રાહકોએ તાત્કાલિક સ્ટાફ અને હોટલ મેનેજરને ટેબલ પર બોલાવી લાકડાના ટુકડા બતાવ્યા હતા. મેનેજમેન્ટે મૌખિક રીતે પોતાની ભૂલ સ્વીકારી હતી અને લાકડાનો ટુકડો સેમ્પલ તરીકે તપાસવા અંદર લઈ ગયા હતા. જોકે, ગ્રાહકે જ્યારે વીડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું ત્યારે સ્ટાફે વીડિયો એલાઉન્ડ ન હોવાનું કહી શુટિંગ બંધ કરવા અપીલ કરી હતી. SMCના ફૂડ વિભાગમાં ફરિયાદ
આ ઘટના બાદ ગ્રાહક દ્વારા સુરત મહાનગરપાલિકા (SMC)ના આરોગ્ય અને ફૂડ વિભાગમાં તમામ પુરાવા અને બિલની કોપી સાથે વિધિવત ફરિયાદ કરવામાં આવી.તંત્ર સમક્ષ માંગણી કરી છે કે, કોઈ પણ પ્રકારના વગ કે ભ્રષ્ટાચાર વિના મેરિયટ હોટલ સામે કડક પગલાં ભરવામાં આવે. ફૂડ વિભાગે સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા
ફૂડ વિભાગના અધિકારી બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, પાલિકાની મળેલી ફરિયાદ આધારે પાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને સેમ્પલ લેવામાં આવ્યા. વધુ કાર્યવાહી રિપોર્ટ બાદ કરાશે.
ફાઈવસ્ટાર હોટલની કુકીઝમાંથી લાકડાના ટુકડા નીકળતા હોબાળો, VIDEO:ગ્રાહકે વીડિયો બનાવ્યો તો સ્ટાફે કહ્યું- 'તમે અહીં વીડિયો ન બનાવી શકો'; સુરતની 'મેરિયોટ'નો બનાવ
📅 Published: August 30, 2026 |
📂 Category: gujarati-news
