ફ્રાન્સમાં પ્રદર્શન, પેરિસમાં લાખો લોકો રસ્તા પર ઉતર્યા:135 લોકોની અટકાયત, પોલીસે વોટર કેનનથી પ્રદર્શનકારીઓને હટાવ્યા

📅 Published: October 24, 2026 | 📂 Category: International

ફ્રાન્સમાં મોંઘવારી, શાળાઓમાં શિક્ષકોની અછત અને શિક્ષણની ખરાબ વ્યવસ્થા સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યાં છે. શનિવારે રાજધાની પેરિસમાં લગભગ 1.10 લાખ લોકો રસ્તા પર ઉતરી આવ્યા. પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા માટે ટીયર ગેસ છોડ્યા અને વોટર કેનનથી હટાવ્યા. પેરિસમાં પોલીસે 64 લોકોની ધરપકડ કરી, જ્યારે સમગ્ર દેશમાં 135 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા. હિંસા અને લૂંટફાટ રોકવા માટે દેશભરમાં લગભગ 70 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. તેમની સાથે પોલીસની વિશેષ ટીમો, લગભગ 20 બખ્તરબંધ વાહનો અને પાણીનો મારો કરનારા 15 વાહનો પણ તૈનાત રહેશે. ફ્રાન્સમાં વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલી 4 તસવીરો ગત શનિવારે 5 લાખથી વધુ લોકો વિરોધ પ્રદર્શન કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શન દરમિયાન દુકાનોમાં તોડફોડ કરવામાં આવી, લૂંટફાટ થઈ અને વાહનોને આગ ચાંપવામાં આવી. અત્યાર સુધીમાં 2,700થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અનેક શહેરોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પેરિસનું લૂવ્ર મ્યુઝિયમ બંધ રહેશે, જ્યારે પેરિસ સેન્ટ-જર્મેન અને લિયોન વચ્ચેની ફૂટબોલ મેચ પણ મુલતવી રાખવામાં આવી છે. શાળાઓની ખરાબ સ્થિતિને લઈને શરૂ થયેલું આ આંદોલન હવે મોંઘવારી, વધતા ખર્ચ અને સરકારી સુવિધાઓમાં કરવામાં આવેલા કાપના વિરોધમાં પણ ફેલાઈ ગયું છે. મેક્રોને વિદ્યાર્થી સંગઠનો સાથે મુલાકાત કરી હતી રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને શુક્રવારે વિદ્યાર્થી સંગઠનોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. એક મહિનાથી વધુ સમય પહેલાં શાળાઓની સ્થિતિને લઈને વિરોધ પ્રદર્શન શરૂ થયા બાદ વિદ્યાર્થી સંગઠનો સાથેની આ તેમની પ્રથમ સીધી બેઠક હતી. મેક્રોને કહ્યું હતું કે સપ્તાહાંત દરમિયાન માત્ર મજૂર સંગઠનોના પ્રદર્શનોને મંજૂરી આપવામાં આવશે. આ નિર્ણયથી વિદ્યાર્થી સંગઠનો નારાજ છે. ફ્રાન્સના પ્રમુખ વિદ્યાર્થી સંગઠન UNEFએ આજે રેલી યોજવાની જાહેરાત કરી છે. સંગઠને કહ્યું કે મેક્રોન લોકોને વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર છીનવી રહ્યા છે. તેણે સ્પષ્ટ કર્યું કે પ્રતિબંધ છતાં રેલી યોજવામાં આવશે. કેટલાક શહેરોમાં કર્ફ્યૂ, લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂકાયો હતો પેરિસમાં રાત્રિનો કર્ફ્યૂ સોમવાર સુધી લંબાવવામાં આવ્યો છે. માર્સેઈ અને લિયોનમાં શનિવારે લોકોને એકઠા થવા પર પ્રતિબંધ મૂકાયો હતો, તેમ છતાં લોકો પ્રદર્શનમાં જોડાયા હતા. કેટલાક શહેરોમાં મેટ્રો પણ બંધ રાખવામાં આવી છે. બોર્ડો, નીસ અને ઉત્તર ફ્રાન્સના કેટલાક નગરોમાં પણ રાત્રિના સમયે કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. કેટલીક જગ્યાએ બાળકો અને કિશોરોના રાત્રે બહાર નીકળવા પર પ્રતિબંધ છે. ડાબેરી પક્ષ ફ્રાન્સ અનબાઉડએ આ પ્રતિબંધોની ટીકા કરી છે. પક્ષના નેતા જાં-લ્યૂક મેલાંશોએ કહ્યું કે સરકાર અને પોલીસની રીતને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. ગયા અઠવાડિયે 3 હજારથી વધુ દુકાનોને નુકસાન સરકારી અંદાજ મુજબ, ગયા સપ્તાહના અંતે ફ્રાન્સમાં ઓછામાં ઓછી 3,000 દુકાનોને નુકસાન પહોંચ્યું અથવા ત્યાં લૂંટફાટ થઈ. વેપારીઓના સંગઠનનું કહેવું છે કે આ કારણે કરોડો ડોલરનું નુકસાન થયું છે. પેરિસમાં સુપરમાર્કેટ, ઇલેક્ટ્રોનિક્સની દુકાનો, બેંકો અને મોંઘી બ્રાન્ડના શોરૂમને નિશાન બનાવવામાં આવ્યા. બોર્ડોમાં પણ ઘણી દુકાનોમાં તોડફોડ થઈ. ઉપદ્રવીઓએ વાહનોમાં આગ લગાવી, રસ્તાઓ પર બેરિકેડ બનાવ્યા અને બસ સ્ટોપ જેવી જાહેર સુવિધાઓને નુકસાન પહોંચાડ્યું. મધ્ય ફ્રાન્સના લિમોજ શહેરમાં 19મી સદીની ઐતિહાસિક ટાઉન હોલની ઇમારતને પણ નુકસાન પહોંચ્યું. વડાપ્રધાન સેબાસ્ટિયન લેકોર્નૂએ હિંસાથી અસરગ્રસ્ત વેપારીઓને કરમાં રાહત અને આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે. 5 નવેમ્બરે હડતાળની પણ તૈયારી વિદ્યાર્થી સંગઠનો અને યેલો વેસ્ટ આંદોલન સાથે જોડાયેલા લોકો શનિવારે ફરીથી પ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યા છે. મજૂર સંગઠનોએ 5 નવેમ્બરે હડતાળનું પણ એલાન કર્યું છે. સરકારે ચેતવણી આપી છે કે જો હિંસા ફરી ભડકશે તો અન્ય વિસ્તારોમાં પણ કર્ફ્યુ લગાવવામાં આવી શકે છે. રાષ્ટ્રપતિ મેક્રોએ હિંસા માટે કટ્ટરપંથી ડાબેરી જૂથો અને લૂંટફાટ કરનારા લોકોને જવાબદાર ઠેરવ્યા છે. વડાપ્રધાન સેબાસ્ટિયન લેકોર્નુએ પણ આરોપ લગાવ્યો કે કેટલાક લોકોએ જાણીજોઈને પોલીસ, સરકારી ઇમારતો અને અન્ય સંપત્તિઓને નિશાન બનાવી. બીજી તરફ, મુખ્ય વિપક્ષી પક્ષનાં નેતા મરીન લે પેને મેક્રો સરકાર પર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે દેશ ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે અને તેનાથી લોકશાહીને ખતરો થઈ શકે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *