'ફ્રેસ અને ડ્રાય જેવા ટેકનિકલ શબ્દોથી કન્ફ્યુઝન વધ્યું':90 ટકા એક્સપોર્ટ થવા છતાં વેપારીઓના 250 કરોડ અટવાયા, વેપારીઓએ 5 માંગ કરી

📅 Published: September 1, 2026 | 📂 Category: gujarati-news

દેશમાં એક તરફ ‘વન નેશન, વન ઇલેક્શન’ની ચર્ચા ચાલી રહી છે, ત્યારે બીજી તરફ વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે પણ ‘વન નેશન, વન ટેક્સ’ હેઠળ સમગ્ર દેશમાં એકસરખી GST વ્યવસ્થાની માંગ ઉઠી રહી છે. ભારતને દર વર્ષે 50થી 52 કરોડ ડોલરનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપતા ઇસબગુલના મામલે એક જ ઉત્પાદન માટે અલગ-અલગ રાજ્યોમાં જુદું જુદું અર્થઘટન થવાના કારણે ખેડૂતો, APMC વેપારીઓ, પ્રોસેસર્સ અને નિકાસકારો ભારે મૂંઝવણમાં મુકાયા છે. 90 ટકા ઇસબગુલ એક્સપોર્ટ થતું હોવા છતાં ટેક્સના વિવાદમાં વેપારીઓના 250 કરોડ રૂપિયા અટવાઈ ગયા છે. ફ્રેશ કે ડ્રાય સીડ્સ? ટેકનિકલ શબ્દોથી કન્ફ્યુઝન વધ્યું
GST લાગુ થયા બાદથી જ ઇસબગુલ સીડ્સ માટે ફ્રેશ ઇસબગુલ સીડ્સ માટે નીલ GST (0 ટકા) અનેડ્રાઇડ /ફ્રોઝન ઇસબગુલ સીડ્સ માટે 5% GSTનો તફાવત દર્શાવવામાં આવ્યો છે, જે GST કાઉન્સિલના દસ્તાવેજોમાં પણ નોંધાયેલો છે. પરંતુ વાસ્તવિક વ્યવહારમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ખેડૂતો પાસેથી APMC મારફતે પ્રોસેસિંગ એકમો સુધી આવતો ઇસબગુલ સીડ્સ “ફ્રેશ” ગણવો કે “ડ્રાયડ”? આ બાબતે સ્પષ્ટ અને એકસરખી વ્યવહારુ માર્ગદર્શિકા ઉપલબ્ધ ન હોવાથી વર્ષોથી સમગ્ર ઉદ્યોગમાં અનિશ્ચિતતા અને ગંભીર સંકટ ઊભું થયું છે. ગુજરાતમાં 0% અને રાજસ્થાનમાં 5% GST
ઇસબગુલ પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા GST ઓથોરિટી અને GST કાઉન્સિલ સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી છે. અત્યાર સુધી ઉદ્યોગમાં મુખ્યત્વે 5% GST મુજબ ટેક્સ ચૂકવણી તથા કમ્પ્લાયન્સ કરવામાં આવતા હતા. પરંતુ હવે અલગ-અલગ રાજ્યોમાં અલગ અભિગમ સામે આવ્યા છે. ગુજરાતમાં ખેડૂતો પાસેથી APMC મારફતે આવતો ઇસબગુલ જો કોઈ ઇન્ટરનેશનલ અથવા મિકેનિકલ ડ્રાઇંગ વિનાનો હોય, તો તેને ફ્રેશ ગણી 0% GSTનું એડવાન્સ રુલિંગ અપાયું છે. બીજી તરફ, રાજસ્થાનમાં એડવાન્સ રુલિંગના કારણે ખેડૂતો પાસેથી આવતા ઇસબગુલ પર 5% GST ગણાય છે. ₹250 કરોડની વર્કિંગ કેપિટલ અનાવશ્યક રીતે અટવાઈ
ઇસબગુલ મુખ્યત્વે એક્સપોર્ટ-ઓરિએન્ટેડ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ છે. ખરીદીના તબક્કાથી જ ચૂકવવો પડતો 5% GST લાંબા સમય સુધી વર્કિંગ કેપિટલ તરીકે અટવાઈ જાય છે. ઉદ્યોગના અંદાજ મુજબ દર વર્ષે આશરે ₹250 કરોડની રકમ આ રીતે બ્લોક થઈ જાય છે. બાદમાં એક્સપોર્ટ/રિફંડ પ્રક્રિયા દ્વારા રકમ પાછી તો મળે છે, પરંતુ તે સમયગાળા દરમિયાન આ મૂડીનો ઉપયોગ થઈ શકતો નથી અને તેના પર કોઈ વ્યાજ પણ મળતું નથી. આ ઉપરાંત અલગ-અલગ અર્થઘટનને કારણે લિટીગેશન, કમ્પ્લાયન્સ બર્ડન અને કાયદાકીય અનિશ્ચિતતા વધી રહી છે. વેપારીઓની હડતાળ
આ અનિશ્ચિતતા દૂર કરવા ઇસબગુલ પ્રોસેસર્સ એસોસિએશનદ્વારા તમામ વેપાર સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, જ્યાં સુધી GST કાન્સિલ તરફથી દેશવ્યાપી ક્લેરિફિકેશન ન આવે. વેપાર બંધ થવાથી ઇસબગુલ પ્રોસેસિંગ ઉદ્યોગના અંદાજે 1,000થી 1,200 કામદારો રોજગારથી વંચિત થયા છે. તાત્કાલિક સ્પષ્ટતા નહીં થાય તો વધુ ફેક્ટરીઓ બંધ થશે. પ્રોસેસિંગમાં લાંબો વિક્ષેપ આવે તો ભારતની એક્સપોર્ટ સપ્લાય ચેન, વિદેશી હૂંડિયામણ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતની પકડ પ્રભાવિત થઈ શકે છે. ‘વેટ વખતે 0% ટેક્સ હતો, GSTમાં ગૂંચવણ ઊભી થઈ’
ઇસબગુલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ અશ્વિનભાઇ નાયકે જણાવ્યું હતું કે, અમારી ઇન્ડસ્ટ્રી ટોટલી એક્ષપોર્ટ ઓરીએન્ટેડ છે અને 90 ટકા માલ એક્ષપોર્ટ થાય છે. 5 હજાર કરોડની આ ઇન્ડસ્ટ્રી સાથે 60થી 70 હજાર ફાર્મર્સ અને 10 હજાર વર્કર્સ જોડાયેલાં છે. વેટ હતો ત્યારે 0 ટકા જ ટેક્ષ હતો અને સરકારની મનસા પણ 0 ટકા રાખવાની હતી. પણ GST રૂલ્સ લાગુ પડ્યા ત્યારે ઓફીસર્સ દ્રારા ફ્રેસ અને ડ્રાય જેવા ટેકનીકલ વર્ડ ઉમેરાતા આખી ઇન્ડસ્ટ્રી કન્ફયુઝનમાં પડી. ટેરીફ અને ગલ્ફ વોર વચ્ચે લિકવિડીટી જાળવવા અમે ફરી 0 ટકા GSTની માંગ કરી છે. ઊંઝા મંડીમાં સૌથી મોટો વેપાર
અશ્વિનભાઇ નાયકે વધુમાં ઉમેર્યું કે, ઇસબગુલનો 30થી 35 લાખ ગૂંણી સીડ્સનો પાક થાય છે અને 60 હજાર ટન હસ્ક એક્ષપોર્ટ થાય છે, જેમાં યુરોપ અને અમેરિકા સૌથી મોટાં ખરીદદાર છે. આ ઇન્ડસ્ટ્રી 80 ટકા ઉત્તર ગુજરાતમાં ઊંઝા અને સિધ્ધપુર આજુબાજુ સેટલ થયેલી છે, 15 ટકા રાજસ્થાન અને 2-5 ટકા મધ્યપ્રદેશમાં છે. મોટામાં મોટી મંડી ઊંઝા જ છે. 5 ટકા GSTના કારણે MSMEમાં આવતી અમારી ઇન્ડસ્ટ્રીના ₹250 કરોડ બ્લોક રહે છે. સીડ્સ ખરીદ્યા પછી 3 મહિના પ્રોસેસીંગ અને બીજા 3 મહિના એક્ષપોર્ટમાં જાય છે. યુરોપ-અમેરિકાના 6થી 12 મહિનાના ઓર્ડર હોવાથી અમે સ્ટોક વહેલો પરચેઝ કરીને રાખતાં હોઇએ છીએ.” 2017થી લડત ચાલુ
એસોસિએશનના સેક્રેટરી રાકેશ પટેલે જણાવ્યું હતું કે, અમારો GST ઇસ્યુ 2017થી ચાલે છે. વેટમાં 0 ટકા ટેક્સ હતો ત્યારે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહને રૂબરૂમાં સમજાવ્યું હતું કે એક્સપોર્ટ પર ટેક્ષ રિફંડ જ લેવાનો હોવાથી અનનેસેસરી પ્રેક્ટિસ થાય છે, જેથી તેમણે વેટમાંથી મુક્તિ આપી હતી. સપ્ટેમ્બર-2025માં નવું રિફોર્મ આવ્યું પણ કોઇ કલેરેટી આવી નહીં અને 2017 જેવું જ રાખી દીધું. વ્યાજ વગર રકમ જમા રહે છે, સ્ટોક પૂરો થતાં એક્સપોર્ટ બંધ થશે
રાકેશ પટેલે વધુમાં જણાવ્યું કે, એપ્રિલ, મે, જૂનમાં ખરીદી વખતે ₹250 કરોડથી વધુ રકમ બ્લોક થાય છે, જે આખું વર્ષ વ્યાજ વિના જમા રહે છે અને મંથ વાઇઝ રિફંડ મળે છે. સરકાર વાપરે પછી પાછા આપે ત્યાં સુધીમાં બીજો ટાઇમ આવી જતાં ફરી ₹250 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થાય છે. અમે આ રકમ પબ્લીક પાસેથી વસૂલતા નથી. વર્ષે આશરે ₹5 હજાર કરોડનું એક્ષપોર્ટ થાય છે. 70-80% ફેકટરીઓ ગુજરાતમાં છે અને 20-30% રાજસ્થાનમાં છે. રાજસ્થાને 5%નું રૂલીંગ આપતાં 80% પાક પકવતા રાજસ્થાનના ખેડૂતો 5% GST સાથે બિલ આપે છે, તો તેને ટ્રેડમાં 0%માં કેવી રીતે વેચવું? ગુજરાતમાં 50-60 ફેકટરીઓ છે, રાજસ્થાનમાં 15 છે અને 25 ફેકટરીઓ બંધ થઈ ગઈ છે, જેથી 1000થી 1200 કામદારો કામ વગરના થયા છે. અમારો સ્ટોક અઠવાડિયા-દસ દિવસ ચાલશે, પછી એક્ષપોર્ટ બંધ થતાં $50 થી $52 કરોડનું વિદેશી હૂંડિયામણ અટકી જશે. દિલ્હીમાં જોઇન્ટ સેક્રેટરી સાથે મીટીંગ થઈ છે, પણ સ્પષ્ટતાં કાઉન્સિલ થકી જ આવશે. વહીવટી તંત્રથી ઉકેલ નહીં આવે તો ના છૂટકે વડાપ્રધાન તથા કેન્દ્રીય ગૃહ મંત્રી સમક્ષ રજૂઆત કરવી પડશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *