બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન આજે લો પ્રેશર બનવાની સંભાવના:અમદાવાદમાં હળવો વરસાદ તો દક્ષિણ-ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ

📅 Published: September 10, 2026 | 📂 Category: gujarati-news

હવામાન વિભાગ દ્વારા 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે બંગાળની ખાડી અને બાંગ્લાદેશ પાસે સર્જાયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આજે 10 સપ્ટેમ્બરના લો-પ્રેશર બનવાની સંભાવના છે. જેના કારણે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવા વરસાદની શક્યતા છે. જોકે, અમદાવાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.2 ડિગ્રી નોંધાયું છે. મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.3 ડિગ્રી વધુ છે. અમદાવાદમાં સિઝનનો કુલ વરસાદ 595.7 મિમી નોંધાયો છે, જે સામાન્ય કરતાં 81.2 મિમી ઓછો છે. બે દિવસ છૂટાછવાયા સ્થળોએ વરસાદ
આજે 10 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 સપ્ટેમ્બરના દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ
સૌથી મહત્વની આગાહી 12થી 15 સપ્ટેમ્બર વચ્ચે કરવામાં આવી છે. જેમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદ અને 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. હવામાન વિભાગે 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન હવામાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા વ્યક્ત કરી નથી. 15 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ
15 સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ સહિત જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં સિઝનમાં સરેરાશ સામે 75.62 ટકા વરસાદ
રાજ્યમાં આજની તારીખે 19 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. સિઝનનો સરેરાશ 75.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઝોનવાઈઝ વરસેલા સરેરાશ વરસાદની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં સરેરાશ સામે 104 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં સરેરાશ સામે 75 ટકા, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સરેરાશ સામે 56 ટકા અને કચ્છમાં સરેરાશ સામે 29 ટકા જ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 23 જિલ્લામાં 1 ટકાથી લઈ 89 ટકા સુધી વરસાદની ઘટ વર્તાઈ રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *