ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના પરવડી ગામે ખેતમજૂરી અર્થે રહેતા શ્રમિક પરિવારના બંધ મકાનને તેમના જ સગા સાળાએ નિશાન બનાવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરિવારના સભ્યો મજૂરી કામે બહાર ગયા હતા તે દરમિયાન તકનો લાભ લઈ સાળાએ મકાનના તાળા તોડી કબાટની તિજોરીમાંથી રોકડ રકમ અને ચાંદીના દાગીના મળી કુલ ₹2.99 લાખની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. આ સમગ્ર બનાવ સંદર્ભે બનેવીએ પોતાના સાળા વિરુદ્ધ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિવાર બીજી વાડીએ મજૂરીએ ગયો હતો ત્યારે ઘરના જ ભેદીએ તાળા તોડ્યા
પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, મૂળ છોટા ઉદેપુર જિલ્લાના કેતુર ખેડે ફળિયાના વતની અને હાલ ગારીયાધાર તાલુકાના પરવડી ગામે જનકભાઈ જાદવભાઈ ખેનીની વાડીએ ભાગવું રાખીને રહેતા રાયસીભાઈ સોકારીયાભાઈ ડુંભીલે પોતાના સાળા સુંગા ફેદીયાભાઈ ડુંભીલ (મૂળ રહે. આરતીયા, તા. કવાંટ, જિ. છોટા ઉદેપુર, હાલ રહે. આણંદભાઈ જાદવભાઈના ખેતરમાં, પરવડી) સામે ફરિયાદ નોંધાવી છે. ગત 20 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 7 વાગ્યાથી સાંજના 6.15 વાગ્યા દરમિયાન રાયસીભાઈ, તેમના પત્ની અને દીકરી મકાનને તાળું મારીને બીજી વાડીએ ખેતમજૂરી કરવા ગયા હતા. તિજોરી તોડી ₹2.50 લાખ રોકડા અને ચાંદીના દાગીના ચોરી ફરાર
પરિવારની ગેરહાજરીમાં આરોપી સાળા સુંગા ડુંભીલે બંધ મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને લોખંડના કબાટની તિજોરી તોડી તેમાં રાખેલા રોકડા ₹2,50,000 તેમજ ચાંદીના હાથમાં પહેરવાના બે કડા, ચાંદીનો હાર, ચાંદીનું મંગળસૂત્ર અને ચાંદીની માળા મળી કુલ ₹2,99,000ની કિંમતના દરદાગીનાની ચોરી કરી નાસી છૂટ્યો હતો. આ ફરિયાદના આધારે ગારીયાધાર પોલીસે આરોપી વિરુદ્ધ BNS એક્ટની કલમ 305(A), 331(3) અને 331(4) મુજબ ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનેવીના મકાનના તાળા તોડી સાળો રૂ.2.99 લાખના રોકડ ઉઠાવી ગયો:તિજોરી તોડી રોકડ રૂા.2.50 લાખ અને ચાંદીના દાગીના ચોરી સાળો રફુચક્કર
📅 Published: November 15, 2026 |
📂 Category: gujarati-news
