બાંગ્લાદેશને 2-0થી હરાવી દક્ષિણ આફ્રિકા ટોપ પર, WTC ફાઇનલની રેસમાં ભારત કયા નંબરે?

📅 Published: November 25, 2026 | 📂 Category: cricket

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27ની ફાઇનલ માટેની સ્પર્ધા હવે વધુ રસપ્રદ બની રહી છે. દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટની શ્રેણી 2-0થી જીતીને પોઇન્ટ્સ ટેબલમાં પોતાનું પ્રથમ સ્થાન વધુ મજબૂત કર્યું છે. બીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશને એક ઇનિંગ્સ અને 219 રનથી હરાવીને પોતાની તાકાત બતાવી. બીજી તરફ, ભારતની ટીમ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ ડ્રો થયા બાદ ચોથા સ્થાને છે. હવે સવાલ એ છે કે ભારત ટોપ-2માં જગ્યા બનાવીને સતત ત્રીજી વખત WTC ફાઇનલમાં પહોંચી શકશે કે નહીં?

બાંગ્લાદેશ સામે દક્ષિણ આફ્રિકાનો દબદબો

બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 91 રનમાં સમેટાઈ ગઈ હતી. તેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 7 વિકેટે 494 રન બનાવી ઇનિંગ્સ જાહેર કરી હતી. આ રીતે યજમાન ટીમને 403 રનની વિશાળ લીડ મળી હતી. બીજી ઇનિંગ્સમાં પણ બાંગ્લાદેશના બેટ્સમેનો ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા અને આખી ટીમ 184 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકા તરફથી વિઆન મુલ્ડરે બીજી ઇનિંગ્સમાં માત્ર 31 રન આપીને 7 વિકેટ ઝડપી હતી. તેણે આ પહેલાં બેટિંગમાં સદી પણ ફટકારી હતી. તેના શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે દક્ષિણ આફ્રિકાએ મેચ ત્રીજા જ દિવસે જીતી લીધી હતી.

WTC પોઇન્ટ્સ ટેબલમાં દક્ષિણ આફ્રિકાની બાદશાહત

બાંગ્લાદેશ સામેની શ્રેણી જીત્યા બાદ દક્ષિણ આફ્રિકાનો પોઇન્ટ્સ પર્સન્ટેજ (PCT) વધીને 77.78 થયો છે. ટીમે અત્યાર સુધી 9 ટેસ્ટ રમી છે, જેમાં 7માં જીત અને 2માં હાર મળી છે. આ સાથે તે ટેબલમાં પ્રથમ સ્થાને છે. ઓસ્ટ્રેલિયા 69.23 PCT સાથે બીજા અને ન્યૂઝીલેન્ડ 66.67 PCT સાથે ત્રીજા સ્થાને છે. ભારત 50 PCT સાથે ચોથા ક્રમે છે. એટલે કે ભારત અને ટોપ-2માં રહેલી ટીમો વચ્ચે મોટું અંતર છે. ઇંગ્લેન્ડ 38.54 PCT સાથે પાંચમા અને બાંગ્લાદેશ 36.67 PCT સાથે છઠ્ઠા સ્થાને છે. વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા અને પાકિસ્તાન અનુક્રમે સાતમા, આઠમા અને નવમા ક્રમે છે.

WTC 2025-27ની પોઇન્ટ્સ ટેબલ

ક્રમ  ટીમ  મેચ  જીત  હાર  ડ્રો  પોઇન્ટ્સ  PCT
1  દક્ષિણ આફ્રિકા 9 7 2 0 84  77.78
2  ઓસ્ટ્રેલિયા  13 9 4 0 108  69.23
3  ન્યૂઝીલેન્ડ 7 4 1 2  56  66.67
4  ભારત  12 5 4 3 72  50.00
5  ઇંગ્લેન્ડ  16 7 8 1  74  38.54
6  બાંગ્લાદેશ  10 3 5 2 44  36.67
7  વેસ્ટ ઇન્ડિઝ  14 3 8 3 46  27.38
8  શ્રીલંકા 8 1 3 4 13  13.54
9  પાકિસ્તાન 11 3 7 1 16  12.12

ભારત માટે ફાઇનલનો રસ્તો આસાન નથી

WTC ફાઇનલમાં પહોંચવા માટે દરેક ટીમે પોઇન્ટ્સ પર્સન્ટેજના આધારે ટોચની બે ટીમોમાં સ્થાન મેળવવું પડે છે. ભારત હાલ ચોથા સ્થાને છે અને તેનો PCT 50 છે. તેની સામે બીજા સ્થાને રહેલા ઓસ્ટ્રેલિયાનો PCT 69.23 છે. આ અંતર ઘટાડવા માટે ભારતે બાકીની ટેસ્ટમાં જીત મેળવવી જરૂરી છે. ભારતની WTC 2025-27ની સફરમાં ન્યૂઝીલેન્ડ સામેની એક ટેસ્ટ હજુ બાકી છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે પાંચ ટેસ્ટની શ્રેણી રમવાની છે. આ મેચોમાં ભારતનું પ્રદર્શન ફાઇનલમાં પહોંચવાની આશા માટે અત્યંત મહત્ત્વનું રહેશે.

દક્ષિણ આફ્રિકા હાલ ટોચ પર છે અને સતત બીજી વખત ફાઇનલમાં પહોંચવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ભારત માટે હવે દરેક ટેસ્ટના પરિણામનું મહત્ત્વ વધી ગયું છે. એકાદ હાર કે ડ્રો પણ ટોપ-2માં પહોંચવાની તેની ગણતરીને મુશ્કેલ બનાવી શકે છે.

આ પણ વાંચો: ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતનો દબદબો! પંત-ગિલ-જાયસ્વાલ ટોપ-10માં, બુમરાહ માત્ર 25 પોઈન્ટ દૂર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *