બાંગ્લાદેશી ક્રિકેટર બન્યો ગણપતિ ભક્ત, ચાહકોએ વરસાવ્યો પ્રેમ

📅 Published: September 15, 2026 | 📂 Category: cricket

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના કેપ્ટન અને સ્ટાર વિકેટકીપર બેટ્સમેન લિટન દાસે ગણેશ ચતુર્થીના પવિત્ર પ્રસંગે પોતાના ઘરે ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું છે. વિશ્વભરમાં લોકો બાપ્પાના આગમનની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આ બાંગ્લાદેશી ક્રિકેટર પણ આ પવિત્ર ઉત્સવનો ભાગ બની ગયો છે. દાસે સોશિયલ મીડિયા પર એક સુંદર કેપ્શન સાથે પોસ્ટ શેર કરી છે, જેના પર ચાહકો પણ ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે.

ઉત્સાહ સાથે ગણપતી દાદાનું સ્વાગત

લિટન દાસે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, પ્રેમ, શ્રદ્ધા અને કૃતજ્ઞતાથી ભરેલા હૃદય સાથે ભગવાન ગણેશનું અમારા ઘરે સ્વાગત કરી રહ્યો છું. બાપ્પા અમારા ઘરને ખુશીઓ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મકતાથી ભરી દે. તેમની દિવ્ય ઉપસ્થિતિ હંમેશા અમારા જીવનને રોશન કરે અને દરેક સફરમાં અમારું માર્ગદર્શન કરે. ગણપતિ બાપ્પા મોરિયા! 

આગામી બાંગ્લાદેશની વન-ડે ટીમનો કેપ્ટન

હિન્દુ ધર્મ પાળતા લિટન દાસને બે મહિના પહેલા જ બાંગ્લાદેશની વન-ડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ક્રિકેટ બોર્ડ તેમને 2027 વન-ડે વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે જોઈ રહ્યું છે. આ અગાઉ પણ તેઓ આ ફોર્મેટની 7 મેચોમાં ટીમની કમાન સંભાળી ચૂક્યો છે. તેની જ કપ્તાની હેઠળ બાંગ્લાદેશની ટીમે 2022માં ભારત સામેની વન-ડે શ્રેણીમાં 2-1થી વિજય મેળવ્યો હતો.

શાનદાર ક્રિકેટ કારકિર્દી 

બાંગ્લાદેશ તરફથી ત્રણેય ફોર્મેટમાં રમનારા લિટન દાસે અત્યાર સુધીમાં 56 ટેસ્ટ, 104 વન-ડે અને 122 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટની 97 ઇનિંગ્સમાં બેટિંગ કરતા તેમણે 35.32ની એવરેજથી 3356 રન બનાવ્યા છે, જેમાં 6 સદી અને 20 અડધી સદીનો સમાવેશ થાય છે. ટેસ્ટમાં તેમનો સર્વોચ્ચ સ્કોર 141 રન રહ્યો છે.

વનડેમાં ધમાકેદાર રેકોર્ડ

વન-ડે ફોર્મેટની 103 ઇનિંગ્સમાં તેમણે 30.84ની એવરેજથી 2869 રન નોંધાવ્યા છે. આ દરમિયાન તેમના બેટમાંથી 5 સદી અને 14 અડધી સદી નીકળી છે, જેમાં 176 રન તેમનો હાઈસ્કોર છે. જ્યારે T20 આંતરરાષ્ટ્રીયની 120 ઇનિંગ્સમાં તેમણે 2702 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેમની એવરેજ 23.49 અને સ્ટ્રાઇક રેટ 126.79 રહ્યો છે, જેમાં 16 અડધી સદી અને સર્વોચ્ચ સ્કોર 83 રન છે. તેમણે વર્ષ 2015માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *