બાનું શ્રાદ્ધ

📅 Published: October 12, 2026 | 📂 Category: Nari

આજે આખો દિવસ ઘરમાં દોડાદોડી અને ધમાલ હતી. બાનું શ્રાદ્ધ હતું, તેથી દર વર્ષની જેમ જ આ વખતે પણ કપિલભાઈ અને અનસૂયાબહેને લગભગ ચાલીસથી પચાસ માણસોનો જમણવાર ગોઠવેલ. આજના દિવસે બધું જ કામ જાતે કરવામાં માનતા અનસૂયાબહેન બહુ ચીવટથી બધું કરતાં.  

નાનપણમાં કપિલભાઈએ બાને એકવાર શ્રાદ્ધ એટલે શું? એમ પૂછેલું અને ત્યારે બાએ તેની સમજ પ્રમાણે કહેલ કે, `બેટા, શ્રાદ્ધ એટલે જે વ્યક્તિ સદ્ગત થયેલ છે તેને ગમતું હોય તે બધું શ્રદ્ધાથી કરવું તેનું નામ શ્રાદ્ધ અને નાનકડા એવા કપિલના દિલોદિમાગમાં આ વાત કોતરાઈ ગઈ.  

આજે બાને સદ્ગત થયાને વર્ષો થયાં પછી પણ દર વર્ષે પતિ-પત્ની બાને ભાવતી વાનગી ઘાટો રબડી જેવો દૂધપાક બનાવતાં અને બાને ગમતા મહેમાનોને પ્રેમથી જમાડતા.  

આ ઉંમરે કપિલભાઈને ચાલતાં ચાલતાં શ્વાસ ચઢતા અને અનસુયાબહેનને ગોઠણમાં દુખાવો થતો, પણ નિયમ એટલે નિયમ, તેમાં કોઈ બાંધછોડ નહીં. જોકે, પોતાને બે પુત્રો અને બે વહુઓ પણ હતાં, પણ તે લોકોને સમજ ન પડતી કે આમાં શું મદદ કરવી? અને અનસૂયાબહેન તેમને કહેતાં પણ નહીં, કારણ કે આજના દિવસનું તમામ કામ પોતે બંને જાતે જ કરશે એવું તે લોકોએ નક્કી કરેલ. આ એક તેમનો શોખ અને એક પૂજા હતી. જ્યારે તમે કોઈને મદદ કરવા ઇચ્છતા હોવા છતાં કોઈ કારણસર કરી ન શકો અને ખાલી બેસીને જોયા કરવું પડે તેનાથી મોટું કોઈ દુઃખ નથી હોતું. તેમના પુત્રો અને વહુઓની આ જ હાલત હતી. કપિલભાઈના પિતા હજુ હયાત હતા, પણ સાવ પથારીવશ હતા. તે માત્ર બધું જોયા કરતા, પણ કશું બોલતા નહીં.  

અને આમ જ મહેમાનોને પ્રેમથી જમાડી દક્ષિણા આપી વિદાય કરતા. આંખો દિવસ કામ ચાલે, રાત્રે માંડ સૂવા ભેગા થાય, પણ આજે રાત્રે કપિલભાઈને બા સપનામાં આવી અને બોલી, `બેટા કપિલ, હવે બહુ થયું આ બધું, હવે રહેવા દ્યો, ઉંમર થઈ હવે થાક લાગે બેટા. હવે તમારે મારા શ્રાદ્ધના દિવસે બાજુમાં આવેલ શિવમંદિરમાં જઈને દર્શન કરજો અને ત્યાં પૂજારીને દાન-દક્ષિણા આપજો એટલે બધું જ આવી ગયું.’ કપિલભાઈ સફાળા જાગી ગયા. બાજુમાંથી અનસૂયાબહેન બોલ્યાં, `શું થયું? કપિલભાઈએ સપનાની વાત કરી અને બાએ કહેલ વાત કરી. અનસૂયાબહેન બોલ્યાં, `કંઈ વાંધો નહીં, બા તો બોલે. હવે આવતા વર્ષે તે પૂજારીના પરિવારને જમવાનું પણ કહીશું અને તેમની પત્નીને હું એક સાડી પણ આપીશ. પૂજારીને એક જોડી લઈ દઈશું બસ, હવે શાંતિથી સૂઈ જાવ.’  

ઉપર આકાશમાંથી જોઈ રહેલાં બાએ બોખલું હસીને દીકરા તથા વહુને આશીર્વાદ આપ્યા અને બોલ્યા, `આ શ્રદ્ધા પણ અજબ છે, એકવાર બેસી જાય પછી કાઢવી પણ મુશ્કેલ.’

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *