સુરતના બારડોલી પોલીસ સ્ટેશને 37 હજાર મેટ્રિક ટન રેતી ચોરીના કેસમાં 6 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં હોરીઝોન કન્સ્ટ્રકશનના ભાગીદાર વનાભાઇ ચૌધરી અને અન્ય એક અરજદાર જીગ્નેશ આહીર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અને તેમના સામે કાનૂની કાર્યવાહી રદ્દ કરવાની અરજી એડવોકેટ કિશન.એન.બ્રહ્મભટ્ટ દ્વારા દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટે બંને અરજદારોને શરતી આગોતરા જામીન આપ્યા છે. તો કાનૂની કાર્યવાહી રદ્દ કરવાની અરજી ઉપર કોર્ટે સરકાર પક્ષને નોટિસ આપી અરજદારો સામેની વધુ કાનૂની કાર્યવાહી ઉપર સ્ટે આપ્યો છે. 10 હજારના બોન્ડ પર બે વ્યક્તિને શરતી જામીન
હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજીમાં અરજદારોના વકીલ કિશન.એન.બ્રહ્મભટ્ટ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, ગુનાની પ્રકૃતિને જોતાં અરજદારોને પોલીસ કસ્ટડીમાં રાખીને પૂછપરછ કરવી જરૂરી નથી. અરજદાર તપાસ અને કેસની કાર્યવાહી દરમિયાન સહકાર આપશે. તો સામે પક્ષે સરકારી વકીલે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી જામીન અરજીનો વિરોધ કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટે અરજદારોને 10 હજારના બોન્ડ ઉપર શરતી જામીન આપતા નોંધ્યું હતું કે, હાઈકોર્ટની બીજી બેન્ચે કાનૂની કાર્યવાહી રદ્દ કરવાની અરજીમાં માઇન્સ એન્ડ મિનરલ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન્સ એક્ટ સંબંધિત બાબતે અરજદારને 3 જુલાઈ, 2026ના રોજ વચગાળાનું રક્ષણ આપેલું છે. લાગુ પડેલા ગુનાને આજીવન કેદની સજાને પાત્ર નથી. અરજદાર તપાસમાં સહકાર આપશે તેવી ખાતરી આપવામાં આવી છે. માઈન્સ એન્ડ મિનરલ, 1957 હેઠળ કાનૂની કાર્યવાહી પર સ્ટે
જ્યારે કાનૂની કાર્યવાહી રદ્દ કરવાની અરજીમાં અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, માઇન્સ એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ, 1957ની જોગવાઈઓ મુજબ આ કાયદા હેઠળના ગુના માટે ફરિયાદ ત્યારે જ ટકી શકે છે, જ્યારે સંબંધિત સત્તાધિકારી દ્વારા ખાનગી ફરિયાદ દાખલ કરવામાં આવી હોય. પોલીસ પાસે આ કાયદા હેઠળ સંજ્ઞાન લેવાની કે કાર્યવાહી કરવાની સત્તા નથી. આ કાનૂની મુદ્દાને ધ્યાનમાં રાખીને, અદાલતે માત્ર માઇન્સ એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ, 1957 હેઠળના ગુના સંબંધિત આગળની કાનૂની કાર્યવાહી સંદર્ભે સ્ટે આપ્યો છે. અરજી બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી
હાઈકોર્ટમાં સુરતથી ગેરકાનૂની ખનનને લઈને થયેલી એક અરજી બાદ પોલીસ ફરિયાદ નોધાઈ હતી. આ અરજીમાં અરજદારના જણાવ્યા મુજબ બારડોલીના બુજરંગ ગામની સરકારી પડતર જમીન ઉપર બેફામ ખનન થઈ રહ્યું હતું. સરકારી વકીલની રજૂઆત મુજબ 37 હજાર મેટ્રિક ટન રેતી ચોરવામાં આવી છે. હાઇકોર્ટમાં રજૂ કરાયેલા ફોટામાં જંગલ જેવી દેખાતી જમીન ઉપર ગેરકાનૂની ખનનને કારણે મોટા ખાડા પડેલા જોવા મળેલા હતા. સરકારને 26.25 લાખના નુકસાનનો ફરિયાદમાં ઉલ્લેખ
અરજદારે 02 વર્ષથી જિલ્લા કલેક્ટર, પંચાયત વિભાગ વગેરેને રજૂઆત કર્યા છત્તા અધિકારીઓ ફરજ નિભાવવામાં નિષ્ફળ નીવડ્યા હતા. હાઈકોર્ટમાં મામલતદાર અને જિયોલોજિસ્ટની એફિડેવિટમાં ગેરકાનૂની ખનનનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. બુજરંગ ગ્રામ પંચાયતે જિઓલિજિસ્ટને ગેરમાર્ગે દોરતા સરકારી યોજના અંતર્ગત ખનન થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું. આ જમીન સરકારે ગામના ઉપયોગ માટે આપી હતી. આ રેતી ચોરીથી સરકારને આશરે 26.25 લાખ રૂપિયાનું નુકસાન ગયું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
બારડોલીમાં ગેરકાયદે ખનનનો મામલો:બે વ્યક્તિને હાઇકોર્ટે આપ્યા આગોતરા જામીન, આગળની કાનૂની કાર્યવાહી ઉપર સ્ટે; 37 હજાર મેટ્રિક ટન રેતીની ચોરીની નોંધાઈ હતી પોલીસ ફરિયાદ
📅 Published: August 26, 2026 |
📂 Category: gujarati-news
